મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...

ઈમ્તિયાઝ અલી નિર્દેશિક ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’નો આ સંવાદ છે અને આ અડધી લાઈનમાં સમગ્ર બહુજન સમાજનો સંઘર્ષ વ્યક્ત થઈ જાય છે. કેવી છે ફિલ્મ, વાંચો આ લેખમાં.

મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...
image credit - Google images

જ્યારથી 12 એપ્રિલથી નેટફ્લિક્સ પર ફિલ્મ 'ચમકિલા' સ્ટ્રીમ થઈ રહી છે ત્યારથી એલ્વિસ ઓફ પંજાબ અને પંજાબના પ્રથમ રોકસ્ટાર કહેવાતા અમર સિંહ ચમકીલાની જ ચર્ચા થઈ રહી છે. સવર્ણ ગોદી મીડિયા આપણને ફિલ્મની વાત કરશે પણ વખાણ કરવા પડતા હોવાથી ચમકીલાની જાતિને છુપાવશે. બહુજન સમાજ વિશે સવર્ણ ગોદી મીડિયાની પોલિસી એકદમ સ્પષ્ટ છેઃ બહુજન સમાજ બદનામ થાય તેવા સમાચાર હોય તો તેનું નામ, જાતિ સહિત બધું જ બતાવવું અને જો તેમને કોઈ બાબતની ક્રેડિટ મળી હોય તો તેની જાતિને છુપાવી દેવી. ભારતનું પત્રકારત્વ અને મીડિયા જગત વર્ષોથી આ જ પોલિસી પર કામ કરતું આવ્યું છે. એટલે આપણે પહેલા જ સ્પષ્ટ કરી દઈએ કે અમર સિંહ ચમકીલા બહુજન સમાજની દલિત ચમાર જાતિના હતા અને તેમના પર આપણને ગર્વ છે. 

ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'એ ફરી એકવાર લોકોને ચમકીલાને યાદ કરવાની તક આપી છે. આ ફિલ્મ ચમકીલા અને તેમની પાર્ટનર અમરજોત કૌરના ટૂંકા પરંતુ દમદાર જીવન પર આધારિત છે. 1988માં ચમકીલા, અમરજોતની હત્યા કરવામાં આવી હતી, એ વખતે બંને તેમની કારકિર્દીની ટોચ પર હતા અને પંજાબમાં તેમની ખૂબ મોટી ફેન ફોલોઈંગ હતી. ચમકીલા એક એવું વ્યક્તિત્વ હતા જે કલા માટે જીવ્યા અને તેના માટે જ મૃત્યુ પામ્યા.

અમર સિંહ ચમકીલાના ગીતો એટલા હિટ થયા હતા કે તેના રેકોર્ડ બ્લેકમાં વેચાતા હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય છે કે વરસમાં 365 દિવસ હોય છે પણ તેઓ 366 પ્રોગ્રામ કરતા હતા. જો કે, તેમના ગીતોમાં અશ્લીલતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પણ તેમનું માનવું હતું કે આ વાત લોકોને સાંભળવી ગમે છે. તેમના ગીતો લગ્નેત્તર સંબંધો, ગ્રામીણ જીવનની સમસ્યાઓ, માદક દ્રવ્યોની લત અને જાતિના મુદ્દાઓ પર આધારિત હતા.

આ પણ વાંચો:દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

કોણ હતા અમરસિંહ ચમકીલા?

દિલજીત દોસાંઝ અમર સિંહ ચમકીલાનું પાત્ર ભજવે છે જેણે પોતાની દમદાર એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે. જ્યારે પરિણીતી ચોપરાએ અમરજોતનું પાત્ર ખૂબ જ ગંભીરતાથી ભજવ્યું છે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે. ફિલ્મની વાર્તા અમર સિંહ ચમકીલા, અમરજોત અને આ બંનેના સંગીત વચ્ચે તાલમેલ બેસાડે છે. ઇમ્તિયાઝ અલી અને સાજિદ અલીએ પટકથા લખી છે. 

ધનીરામ એટલે કે અમર સિંહ ચમકીલાનો જન્મ 21 જુલાઈ 1960 ના રોજ લુધિયાણાના દુગ્ગીમાં કરતાર કૌર અને હરિ સિંહ સાંડિલાને ત્યાં થયો હતો. તેઓ દલિત ચમાર જાતિના હતા. છ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. 19 વર્ષની ઉંમરે તેમણે કાપડની મિલમાં મોજાં બનાવવાનું શરૂ કર્યું. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. એટલે પછી તે સંગીત ક્ષેત્રે કામ કરતા સુરેન્દ્ર ઝિંદાને મળ્યાં.  

ફિલ્મનો પહેલો સીન વાસ્તવમાં છેલ્લો છે, જેને જોતા જ દિલ તૂટી જાય છે. અમરસિંહ ચમકીલા જ્યાં ગાય છે તે મેળાવડાને અખાડા કહેવામાં આવે છે. ત્યાં તેમના નામની જાહેરાત ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. લોકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર છે. અખાડાની શરૂઆત પહેલા બંને બેસીને ભોજન કરી રહ્યા છે. એ પછી, તેઓ કારમાં બેસીને અખાડા સુધી પહોંચે છે. પહેલા ચમકીલા કારમાંથી નીચે ઉતરે છે અને પછી અમરજોત જેવા કારમાંથી નીચે ઉતરે છે તેમના કપાળમાં ગોળી મારી દેવામાં આવે છે. ત્યારબાદ બે ગોળી ચમકીલાને વાગે છે અને બંનેનું ત્યાં જ મોત થઈ જાય છે. ફિલ્મ અહીંથી શરૂ થાય છે. આ સમયે ચમકીલાની ઉંમર માત્ર 27 વર્ષની હતી. એ પછી ફિલ્મમાં 27 વર્ષનું જીવન, ગાયન માટે સંઘર્ષ અને પંજાબની રાજનીતિ બતાવવામાં આવી છે. 

આ પણ વાંચો: નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...

ફિલ્મમાં એ સ્પષ્ટ નથી થયું કે આ બંનેનો જીવ કોણે લીધો. વાસ્તવિક જીવનમાં પણ તેમની હત્યા કરનારાઓની ઓળખ સુદ્ધાં થઈ શકી નથી. અમરસિંહ ચમકીલા એક સમયે એટલા પ્રખ્યાત થઈ ગયા હતા કે અન્ય કલાકારોને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. એક પછી એક તેમના રેકોર્ડ્સ આવતા રહ્યા. વિદેશી પંજાબીઓ પણ તેમના સંગીતથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની ખ્યાતિ તેમને આતંકવાદીઓ, ધાર્મિક નેતાઓ અને પોલીસના ગુસ્સાથી બચાવી શકી નહીં. 

ચમકીલાએ સુરિન્દર સોનિયા સાથે તેમનું પહેલું આલ્બમ બહાર પાડ્યું જેમાં આઠ ગીતો હતા, જેનું નામ ટકુએ સે ટકુઆ ખડકે હતું. આ માટે સોનિયાને 600 રૂપિયા અને ચમકીલાને 200 રૂપિયા આપવામાં આવ્યા હતા. ચમકીલાના કેટલાક મિત્રો પણ હતા જે હંમેશા તેની સાથે રહેતા હતા. એ પછી, જ્યારે તેમણે તેમના સાથીદારો સાથે પૈસાની બાબતમાં સમાનતાની વાત કરી તો તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા. વળી, તે જેની સાથે કામ કરતા હતા તેણે કહ્યું, “મેં તને મારી સાથે શું બેસાડ્યો તું તારી જાતિ ભૂલી ગયો? તને શું લાગ્યું કે તું અમારા સમાન બની ગયો છે? ચમકીલાને મેં બનાવ્યો છે અને હું જ્યારે ઈચ્છું ત્યારે તેને ખતમ પણ કરી શકું છું. એટલે હું જે આપું છું ચૂપચાપ લેતો રહે, નહીં તો ભૂખે મરીશ. " જવાબમાં ચમકીલા કહે છે, "હું ભૂખ્યો તો નહીં મરું, ચમાર છું."

એ પછી અમર સિંહ ચમકીલા બનવાની કહાની શરૂ થાય છે. તે પોતાનું જ કામ કરવા માંડે છે અને અખાડા કરવા લાગે છે. થોડા સમય પછી, અખાડા માટે સ્ત્રી ગાયિકાની શોધ કરતી વખતે તે જાટ સમુદાયની અમરજોત કૌરને મળે છે. બંનેએ સાથે ગાવાનું શરૂ કર્યું. આ જોડી હિટ બની ગઈ. તેમની પાસે એક કરતાં વધુ અખાડા હતા. તેમના કાર્યક્રમો સાંભળવા એટલા બધા લોકો આવતા હતા કે ઘરના ધાબા પર પણ ઊભા રહેવાની જગ્યા નહોતી. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ ચમકીલા અને અમરજોતની જોડીનું નામ પણ ચમકવા લાગે છે. ત્યારે બંનેનો એટલો ક્રેઝ હતો કે જો લગ્ન દરમિયાન તેમની તારીખ નહોતી મળતી તો લગ્ન રદ થઈ જતા હતા. ટૂંકમાં કોણ કઈ તારીખે લગ્ન કરશે તે અમર સિંહ ચમકીલાની મરજી ઉપર આધાર રાખતું હતું.

આ પણ વાંચો: દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?

જ્યારે અમરજોતનો પરિવાર તેને ચમકીલા સાથે કામ કરવાની મનાઈ કરે છે ત્યારે બંને લગ્ન કરી લે છે. જો કે, ચમકીલાના પ્રથમ લગ્ન ગુરમેલ કૌર સાથે થયા હતા જેને 2 બાળકો પણ હતા. ચમકીલા તેના મિત્રો અને અમરજોતથી પણ આ વાત છુપાવે છે. જો કે, તે કહે છે કે તેની વાત સાબિત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. ચમકીલા અમરજોતને કહે છે કે હવે આપણી જોડીને કોઈ અલગ નહીં કરી શકે. બંનેએ એકસાથે 99 થી વધુ ગીતો ગાયા. તેમને ચૈમન ચમકીલા નામનો પુત્ર પણ છે.

વર્ષ 1984 દરમિયાન જ્યારે પંજાબમાં આતંકવાદ ચરમસીમા પર હતો. ઘણી સંસ્થાઓ દ્વારા ચમકીલા પર અશ્લીલ ગીતો ગાવાનું બંધ કરવા દબાણ લાવવામાં આવ્યું. તે સંમત થયો અને ત્યારથી તેણે ધાર્મિક ગીતો ગાવાનું શરૂ કર્યું. 'નામ જાપ લૈ' અને 'બાબા તેરા નાનકા' તેમના સૌથી વધુ પસંદ કરાયેલા ગીતો બન્યા. હવે તે તમામ અખાડાઓમાં માત્ર ધાર્મિક ગીતો જ ગાતો હતો. પરંતુ થોડા સમય પછી લોકો ફરીથી અખાડાઓમાં જુના ગીતોની વિનંતી કરવા લાગ્યા. તેણે ફરી એ જ ગીતો ગાવાનું શરૂ કર્યું. એ દરમિયાન તેમને ફરીથી ધમકીઓ મળવા લાગી. તેના શુભચિંતકો કહેવા લાગ્યા કે તેણે થોડો સમય ઘરે જ રહેવું જોઈએ, તેના જીવને ખતરો છે. 

ચમકીલા જવાબ આપે છે, “બંદૂકધારીઓનું કામ ગોળીબાર કરવાનું છે, તેઓ ગોળીબાર કરશે. અમે ગીતો ગાનારા છીએ. અમારું કામ ગીત ગાવાનું છે. ન તેઓ અમારા માટે રોકાશે અને ના અમે તેમના માટે રોકાઈશું. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી સ્ટેજ પર જ રહીશું. જીવતે જીવ મરી જઈએ તેના કરતા સારું છે કે મરીને જીવતા રહીએ.” તેમણે દેશ બહાર કેનેડા અને દુબઈમાં પણ કાર્યક્રમો કર્યા. આ ફિલ્મ અમર સિંહ ચમકીલા અને અમરજોતના કામને નજીકથી જોવા અને સમજવાનો એક સશક્ત પ્રયાસ છે. ફિલ્મમાં ચમકીલાના મૂળ ગીતો પંજાબીમાં જ રજૂ કરવામાં આવ્યા છે. જેનો હિન્દી અનુવાદ સ્ક્રીન પર દેખાય છે. ફિલ્મમાં અમર સિંહ અને અમરજોતના ફૂટેજ પણ સામેલ છે. ઇમ્તિયાઝ અલીએ તેમના દિગ્દર્શન દ્વારા, ચમકીલાના જીવનને વધુ સારી રીતે દસ્તાવેજીકૃત કર્યું છે અને દર્શકો સુધી એક મહત્વપૂર્ણ ફિલ્મ પહોંચાડી છે. અમર સિંહ ચમકીલા જેવા દલિત કલાકાર પર ફિલ્મો બનાવી તેમના જીવનનું દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે. કેમ કે, બોલીવૂડના સવર્ણ, મનુવાદ અને જાતિવાદથી ગ્રસ્ત લોકો કદી અમરસિંહ જેવા દલિત રોકસ્ટારને ચમકાવવામાં રસ નથી દાખવતા.

અમર સિંહ ચમકીલાના મોત પાછળ કોનો હાથ હશે તે આજે પણ એક રહસ્ય છે. તે સમયગાળા દરમિયાન સાથે કામ કરનારા કલાકારો અથવા પંજાબના રાજકારણમાં અન્ય કોઈ અંગત જાણકાર કે બીજું કોઈ. પરંતુ તેમની હત્યાની તપાસ પણ ટૂંક સમયમાં બંધ થઈ ગઈ. ચમકીલા અને અમરજોતની જોડીએ એવા અનેક ગીતો આપ્યા છે જે આજે પણ લગ્ન, તહેવાર કે આનંદના પ્રસંગે ગાવામાં આવે છે. આ દંપતીને જે સન્માન મળવાનું હતું તે ન મળી શક્યું અને તેની પાછળનું સ્પષ્ટ કારણ તેમની દલિત જાતિ હતી.

આ પણ વાંચો: Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

એ પાસાઓ જે ફિલ્મમાં છૂટી ગયા છે

ચમકીલા ગ્રામીણ દલિત પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકગાયક હતા. આવી સ્થિતિમાં તેમનો સંઘર્ષ મુશ્કેલ બની જાય છે. આ અંગે ક્યાંય ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી નથી. તેમની બીજી પત્ની અમરજોત જાટ સમુદાયની હતી. તે સમયગાળા દરમિયાન અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કર્યા પછી દલિતને પડકારવાનો કોઈ ઉલ્લેખ નથી. કેટલાક લોકોએ ચમકીલાને નાપસંદ પણ કર્યા કારણ કે તે દલિત સમાજના હતા. આ પણ તેની હત્યાનું કારણ હોઈ શકે છે. આ એંગલ પણ ફિલ્મમાં સંપૂર્ણપણે ગાયબ છે. ફિલ્મમાં તેના લગ્નેતર સંબંધો પર આધારિત ગીતોને જરૂર કરતાં વધુ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે નશાની લત, ગ્રામીણ જીવનની સમસ્યાઓ અને ગ્રામીણ વાતાવરણ પર આધારિત ગીતોને અવગણવામાં આવ્યા છે. પ્રથમ પત્ની હોવી અને કોઈને કહ્યા વિના બીજી કોઈ સાથે લગ્ન કરવું અને તેને સંવાદમાં યોગ્ય ઠેરવવું એ વિચિત્ર છે અને લાંબા સમય સુધી પીડા આપે છે. જ્યારે કોઈની બાયોપિક પર ચર્ચા થાય છે, ત્યારે તે વ્યક્તિની ખૂબીઓની સાથે ખામીઓની પણ ચર્ચા થાય છે. અહીં ફિલ્મમાં થોડું વધુ કહી શકાયું હોત.  

ચમકીલાની દલિત ઓળખ, પંજાબના સમાજમાંથી નીકળતા તેના ગીતો, સામાજિક-આર્થિક વિભાજન અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટાપાયે સમાજમાં શું થઈ રહ્યું છે તેને ફિલ્મમાંથી બાકાત રાખવામાં આવ્યું છે પણ તેનો અર્થ એ નથી કે ફિલ્મ ન જોવી જોઈએ. બેશક, ઈમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મથી લોકોને ચમકીલાની યાદ અપાવી છે. ફિલ્મ ચમકીલાના સંગીત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટલાક દ્રશ્યોમાં દિલજીત દોસાંઝ પ્રભાવશાળી છે અને પરિણીતી ચોપરાએ અમરજોતના પાત્ર તરીકે પોતાને સાબિત કરી છે. Netflix દ્વારા ચમકીલાને દરેક ઘર સુધી લઈ જવાના તેમના પ્રયાસો સફળ પણ થયા છે અને જે સંગીત માટે ચમકીલાને નિશાન બનાવવામાં આવ્યા હતા તે સંગીત ફરી લોકોને પસંદ આવી રહ્યું છે.

આ પણ વાંચો:એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.