ગાંધીનગરમાં દશામાંની મૂર્તિ પધારાવતા પાંચ લોકો ડૂબ્યાં, 3નાં મોત

ગાંધીનગરમાં આજે વહેલી સવારે દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો સાબરમતીના પાણીમાં ડૂબ્યાં હતા. જેમાંથી ત્રણના મોત થયા છે.

ગાંધીનગરમાં દશામાંની મૂર્તિ પધારાવતા પાંચ લોકો ડૂબ્યાં, 3નાં મોત
image credit - Google images

ભારતમાં ધાર્મિક કાર્યક્રમો, મેળાવડાઓમાં ઉમટી પડતી ભીડથી દર વર્ષે સેંકડો અકસ્માતો સર્જાય છે અને હજારો લોકો મોતને ભેટે છે. હમણાં ઉત્તર ભારતમાં કાવડ યાત્રા દરમિયાન આવી અનેક ઘટનાઓ ઘટી છે. કેદારનાથમાં પણ અનેક લોકો ફસાયા હતા. આ બધાં વચ્ચે હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો ડૂબાયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ત્રણનાં મોત થયા છે.

આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે સેક્ટર ૩૦ પાસે આવેલી સાબરમતી નદીમાં આ ઘટના બની હતી, જ્યાં દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા આ લોકો સાબરમતીમાં ડૂબાયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે દશામાંના વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી અને રાતે જાગરણ કરવામાં આવ્યું હતું.

એ પછી આ લોકો મૂર્તિ પધરાવવા માટે વહેલી સવારે સાબરમતીમાં ગયા હતા. જ્યાં આ ગોઝારી ઘટના ઘટી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ થતા ત્યાં આવીને શોધખોળ કરી હતી. ફાયરની ટીમની ભારે જહેમત બાદ તેમણે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય બે લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. અણધારી આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને ત્યાં આવેલા તમામ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે મૃતકના પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે મૃતકો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના શિવાનંદ નગરના રહીશો હતા. જેમાં અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમબેન પ્રજાપતિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન ડૂબી જવાથી 16 લોકોના મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.