ભારે વિરોધ બાદ નાગપુરની દીક્ષાભૂમિ પર પાર્કિંગની યોજના સ્થગિત
નાગપુરની જગવિખ્યાત દીક્ષાભૂમિ પર મહારાષ્ટ્ર સરકારે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની યોજના બનાવી હતી. જેના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરતા યોજના સ્થગિત કરવી પડી છે.
વિકાસના નામે કોઈપણ ઐતિહાસિક સ્મારકનું અસ્તિત્વ ખતમ કરવાની રાજરમત હવે લોકો પણ જાણે સમજવા માંડ્યા છે. એટલે જ દેશમાં અનેક જગ્યાએ વિકાસના નામે સ્મારકો પર સરકારી યોજનાઓ લાગુ કરીને પછી તેના પર નિયંત્રણો લાદીને તેના મૂળ અસ્તિત્વને ખતમ કરી દેવાની ચાલનો લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
કંઈક આવું જ હાલ દુનિયાભરના બહુજનો માટે સ્વાભિમાન અને સ્વતંત્રતાનું પ્રતિક રહેલી નાગપુરની દીક્ષાભૂમિ મામલે જોવા મળી રહ્યું છે. અહીં મહારાષ્ટ્ર સરકારે પાર્કિંગની યોજના બનાવી હતી. જેનો લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. આ મામલે ગઈકાલે હજારો બહુજનોએ દીક્ષાભૂમિ પહોંચીને આ પાર્કિંગ યોજનાનો વિરોધ કર્યો હતો અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. દીક્ષાભૂમિ એ સ્થળ છે જ્યાં ડો. બાબાસાહેબ આંબેડકરે આજથી 58 વર્ષ પહેલા તેમના ચાર લાખથી વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.
ગઈકાલે સોમવારે હજારો બહુજનોએ નાગપુરમાં જગવિખ્યાત દીક્ષાભૂમિ પર પ્રસ્તાવિત અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સ્થળના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પાર્કિંગના કામ માટે લાવવામાં આવેલા સ્ટીલ, તૈયાર થયેલા કોંક્રિટના સ્તંભ અને કામચલાઉ બાઉન્ડ્રીને નિશાન બનાવી હતી. પ્રદર્શનકારીઓએ અહીં કામ માટે લાવવામાં આવેલા લાકડાના સામાનને આગ લગાડી દીધી હતી.
આ પ્રદર્શકર્તાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થળ પર પહોંચેલી નાગપુર પોલીસે લાઉડસ્પીકર પર લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી અને તેમને ત્યાંથી દૂર જતા રહેવા કહ્યું હતું. પણ પ્રદર્શનકારીઓએ તેના પર ધ્યાન આપ્યું નહોતું.
બીજી તરફ સમગ્ર મામલે વિપક્ષ મહાવિકાસ અઘાડીના નેતાઓએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. વિરોધ વધતા આખરે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેઓ પાર્કિંગ પરિયોજનાને સ્થગિત કરી રહ્યાં છે. ફડણવીસે જણાવ્યું હતું કે, દીક્ષાભૂમિ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારે તેના માટે જરૂરી ફંડ ફાળવ્યું હતું. પણ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતી આ યોજનાને સ્થગિત કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સંબંધિત પક્ષો સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના નેતા નીતિન રાઉત, શિવસેના યુબીટીના આદિત્ય ઠાકરે અને સુષમા અંધારે, એનસીપી શરદ પવારના જીતેન્દ્ર આવ્હાડ અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર સહિત મહાવિકાસ અઘાડીના સિનિયર નેતાઓએ બહુજન સમાજ અને ડો. આંબેડકરના અનુયાયીઓને વિશ્વાસમાં લીધાં વિના આખો પ્રસ્તાવ તૈયાર કરીને અમલમાં મૂકી દેવા બદલ રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.
પ્રકાશ આંબેડકરે સમગ્ર મામલે રાજ્ય સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, વારંવાર વાંધો ઉઠાવવા છતાં દીક્ષાભૂમિ ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ આ પાર્કિંગ યોજનાને આગળ ધપાવવા માટે મકક્મ છે. અહીં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની કોઈએ માંગ નથી કરી. છતાં સરકાર અહીં આ યોજના લાગુ કરવા માંગે છે જે શંકાસ્પદ છે. આ યોજના સાથે વ્યવસાયિક હિતો જોડાયેલા હોઈ શકે છે.
આ પણ વાંચો: શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, કોઈપણ મોટું આયોજન હોય છે ત્યારે સુરક્ષાના કારણોસર અંડરગ્રાઉન્ડ સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે. પણ અહીં તો સરકાર ખુદ તેને આગળ વધારવા જઈ રહી છે.
રાઉત અને આવ્હાડે સરકાર અને ટ્રસ્ટીઓને બહુજન સમાજની આ સ્મારક સાથે જોડાયેલી લાગણીઓ સાથે ચેડાં ન કરવા અને સ્મારકને નુકસાન ન પહોંચાડવા વિનંતી કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, નવું પાર્કિંગ સ્થળ દીક્ષાભૂમિના વિશાળ ગુંબજના પાયાને નુકસાન પહોંચાડી શકે છે.
આ તમામ વિરોધોને ધ્યાનમાં રાખીને હાલ મહારાષ્ટ્ર સરકારે આ પાર્કિંગ યોજનાને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયાભરના બહુજન સમાજ માટે નાગપુર દીક્ષાભૂમિનું આગવું મહત્વ રહેલું છે. 14 ઓક્ટોબર 1956ના રોજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે 4 લાખથી વધુ દલિતો સાથે આ સ્થળ પર બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ડિસેમ્બર 2011માં તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને અહીં દુનિયાના સૌથી મોટા સ્તૂપનું અનાવરણ કર્યું હતું.
વિરોધ કરી રહેલા સ્થાનિક બહુજનોનું માનવું છે કે, દીક્ષાભૂમિમાં પાર્કિંગ યોજનાને બહાને રાજ્ય સરકાર અહીં કોમર્શીયલ પ્રવૃત્તિઓ વધારવા માંગે છે. જે રીતે અમદાવાદમાં ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટના બહાને ગાંધીને ભૂલાવી દેવાનું આયોજન થઈ રહ્યું છે, કંઈક એવું જ અહીં પણ થઈ શકે છે તેવી અમને શંકા છે. આમ પણ નાગપુર આરએસએસનું હેડક્વાટર છે, એટલે સંઘના ઈશારે આ થઈ રહ્યું હોય તેવી આશંકાને પણ નકારી શકાતી નથી.
આ પણ વાંચો: આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે