દેત્રોજના ડાંગરવા ગામના દલિત પરિવારે દીકરીના લગ્નપ્રસંગે ડી.જે. સાથે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું
ઈલોન મસ્કની કંપનીએ બે દિવસ પહેલા જ માણસના મગજમાં ચીપ ફિટ કરીને ટેકનોલોજી ક્ષેત્રે ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ કથિત આઝાદ ભારતના અમૃતકાળમાં જાતિવાદી તત્વો અઢારમી સદી તરફ ધકેલાતા જાય છે, તેમની દહેશત વધતી જાય છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદના દેત્રોજ તાલુકાના ડાંગરવા ગામના એક દલિત પરિવારે પોતાની દીકરીના લગ્નપ્રસંગે ગામના જાતિવાદી તત્વો હુમલો કરી શકે છે તેવી દહેશત વ્યક્ત કરીને આગોતરું પોલીસ રક્ષણ માંગ્યું છે. વાંચો આ રિપોર્ટ.
ગુજરાતમાં જાતિવાદી તત્વો દિનપ્રતિદિન બેફામ બનતા જાય છે. દર વર્ષે લગ્નની સિઝનમાં અનેક ગામોમાં જાતિવાદીઓ દલિત પરિવારોની જાનમાં ડી.જે. વગાડવા, વરઘોડો કાઢવા, ફટાકડાં ફોડવા કે વરરાજા ઘોડી પર ચઢતા દલિતો પર હુમલા કરતા રહે છે. આ વર્ષે પણ આવા એકથી વધુ બનાવો બન્યાં છે. હાલમાં જ મહેસાણા જિલ્લાના ધનપુરામાં આવો જ એક બનાવ બન્યો હતો જેમાં વરરાજા ઘોડી પર બેસીને નીકળતા ગામના માથાભારે જાતિવાદી તત્વોએ દલિત પરિવાર પર હુમલો કર્યો હતો. આવી ઘટના પોતાની દીકરીના લગ્નપ્રસંગમાં ન ઘટે તે માટે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા(ચૂવાળ)ના કાળાભાઈ મકવાણાએ સ્થાનિક મામલતદાર અને દેત્રોજ પોલીસ સ્ટેશનના પીએસઆઈને લેખિત અરજી કરીને પોલીસ રક્ષણ માંગ્યું છે.
અરજીકર્તા કાળાભાઈ મકવાણાએ અરજીમાં લખ્યું છે કે, “તેમની દીકરી સંગીતાના લગ્ન તા. 11 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર છે. તેની જાન અમદાવાદથી આવવાની છે. અગાઉ અમારા ગામમાં અનુસૂચિત જાતિની દીકરીના લગ્ન પ્રસંગે ડી.જે. સાથે વરઘોડો કાઢવા સમયે ગામના કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ અનુસૂચિત જાતિના લોકો લગ્નપ્રસંગે ડી.જે. ન વગાડી શકે તેમ કહીને સામૂહિક હુમલો કર્યો હતો. અમારી દીકરીના લગ્નપ્રસંગે અમદાવાદથી જાન આવવાની છે અને ડી.જે. વગાડવાનું છે. આઝાદ ભારત દેશના બંધારણમાં દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે, તેમ છતાં અમારા ગામ સહિત ગુજરાતના ઘણાં ગામોમાં અનુ.જાતિના લગ્નપ્રસંગે તેઓ ઘોડી પર બેસે, વરઘોડો કાઢે કે ડી.જે. વગાડે તો ગામના રૂઢિચુસ્ત જાતિવાદી લોકો દ્વારા તેમને રોકવામાં આવે છે અને જાતિગત હિંસાઓ અને હુમલાઓ કરવામાં આવે છે. અમારા ગામમાં પણ અગાઉ આ જ રીતે અસામાજિક તત્વોએ દલિતોના લગ્નપ્રસંગે ડી.જે. વગાડવા દરમિયાન હુમલાઓ કર્યા હતા. જે અંગે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાયેલી છે.”
કાળુભાઈએ અરજીમાં આગળ લખ્યું છે કે, “અમને પુરી દહેશત છે કે, અમારી દીકરીના લગ્નપ્રસંગે પણ ગામના કોઈ અસામાજિક તત્વો જાનમાં ડી.જે. વગાડવા દરમિયાન જાતિગત હુમલાઓ કરી શકે છે. જેથી અમને બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારો અંતર્ગત પુરતું પોલીસ રક્ષણ આપી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી કાર્યવાહી કરવા વિનંતી.”
ઉલ્લેખનીય છે કે, ડાંગરવા(ચૂવાળ)માં અગાઉ પણ જાતિવાદી તત્વોએ દલિત પરિવારના લગ્નપ્રસંગે ડી.જે. વગાડવા, વરઘોડો કાઢવા અને ઘોડી પર બેસવા જેવા મામલે દલિત પરિવારો પર હુમલાઓ કરેલા છે. તેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી તેમ છતાં પણ આ પ્રકારની દહેશત સ્થાનિક દલિતોમાં ફેલાયેલી છે. પરિણામે આજેય અહીં દલિત પરિવારો જાન જેવા પ્રસંગે ભયના ઓથાર નીચે જીવે છે.
અરજીકર્તા પરિવારે પોતાની દહેશત સામાજિક કાર્યકર કિરીટ રાઠોડને જણાવતા કિરીટભાઈ તેમની મદદે આવ્યા હતા અને તેમણે દેત્રોજ મામલતદાર અને પીએસઆઈને અરજી કરીને પોલીસ રક્ષણ પુરું પાડવા વિનંતી કરી છે.
આ મામલે કિરીટ રાઠોડ જણાવે છે કે, “એકવીસમી સદીમાં જ્યાં આપણે એકબાજુ ચંદ્ર પર પહોંચી ગયા છીએ. ત્યાં બીજી બાજુ ગુજરાત જાણે અઢારમી સદી તરફ પાછું ધકેલાઈ રહ્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. જાતિવાદી તત્વોમાં કાયદો વ્યવસ્થાનો ડર ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને દલિતો પર અત્યાચાર કરતી વખતે તેઓ જાણે નચિંત હોય તેમ વર્તે છે. જાતિવાદી તત્વોને કાયદાનો જરાય ડર જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. હાલમાં જ મહેસાણાના ધનપુરામાં દલિત પરિવારની જાન પર જાતિવાદીઓએ હુમલો કર્યો હતો. એ પછી પોલીસ રક્ષણ મળ્યું ત્યારે વરઘોડો નીકળી શક્યો હતો. આવું ડાંગરવાના આ પરિવાર સાથે ન બને તે માટે અમે પોલીસ અને મામલતદારને અરજી આપીને પોલીસ રક્ષણ માંગ્યું છે. આઝાદ ભારતનું બંધારણ એક માણસ તરીકે આપણને કેટલાક ચોક્કસ પ્રાકૃતિક અધિકારો આપે છે. પણ જાતિવાદી તત્વો તેને પોતાનો વિશેષાધિકાર સમજીને દલિતો પર હુમલા કરે છે, જે સાંખી લેવાય તેમ નથી. આના માટે જે કરવું પડે તે બધું કરીશું પણ જાતિવાદી તત્વો આ પરિવારને ડરાવીને પોતાનું ધાર્યું ન કરાવી જાય તેના પર અમારી નજર છે.”
આ પણ વાંચો :મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.