દલિત-આદિવાસી સમાજ સાંસદ, ધારાસભ્ય પાસેથી પોતાના કામો આ રીતે કરાવી શકે

સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં પોતાના વિસ્તારમાં થતા કામો કેવી રીતે મંજૂર થતા હોય છે, બજેટ કેવી રીતે ફાળવાતું હોય છે, તેની રકમ કેટલી હોય છે, આ તમામ બાબતો વિશે સમ ખાવા પુરતી પણ જાણકારી હોતી નથી. એ સ્થિતિમાં સ્થાનિક સાંસદ કે ધારાસભ્ય તેમને જવાબ પણ ન આપે તે શક્ય છે. જો કે અહીં આપણે સાંસદ કે ધારાસભ્ય પાસેથી કેવી રીતે કામ કઢાવી શકાય તેની માહિતી આપી છે. સાથે જ કેટલીક એ યોજનાઓની વિગતો રજૂ કરીએ છીએ, જે આપને આપના વિસ્તારમાં થતા સરકારી કાર્યો કરાવતી વખતે મદદરૂપ થશે.

દલિત-આદિવાસી સમાજ સાંસદ, ધારાસભ્ય પાસેથી પોતાના કામો આ રીતે કરાવી શકે

સાંસદ ગ્રાન્ટ - સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ (એમપેલ્ડ યોજના)

આપના વિસ્તારમાં આપના મતોથી ચૂંટાયેલા આપના જનપ્રતિનિધિ એવા સંસદ સભ્યને આપના વિસ્તારના વિકાસના કામો માટે દર વર્ષે રૂ. 5 કરોડની ગ્રાન્ટ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. જે સીધી જ જિલ્લા કલેક્ટરશ્રીના સરકારી બેંક એકાઉન્ટમાં જમા થાય છે.

સ્થાનિક વિકાસના કામો માટે સાંસદે જિલ્લા કલેક્ટરને લેખિતમાં ભલામણ કરવાની હોય છે, જે ભલામણ ભારત સરકારની ગાઇડલાઈન મુજબ હોય તો ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે.

ગ્રાન્ટ સીધી કોઈ સાંસદને આપવામાં આવતી નથી પણ તે જે કામ સૂચવે તે જ કામ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આવતું હોય તો મંજૂર થાય.

અનુસૂચિત જાતિ રહેણાંક વિસ્તારના વિકાસ માટે દર વર્ષે રૂ. 5 કરોડની સાંસદની આ ગ્રાન્ટમાંથી 14 ટકા લેખે 14*5=70 લાખ અલગ જ અનુસૂચિત જાતિ વર્ગના વિકાસ માટે ફાળવવાના હોય છે.

આપણા વિસ્તારના કામ માટે આપણે ચૂંટીને મોકલેલ સંસદ સભ્યને રૂબરૂ અથવા ટપાલ દ્વારા આપણી માંગણી લેખિતમાં આપવી જોઈએ. જેથી તે તેઓના લેટરપેડ પર ભલામણ મોકલી શકે.

ધારાસભ્ય ગ્રાન્ટ

સ્થાનિક વિસ્તારના વિકાસ માટે આપણે ચૂંટીને મોકલેલ ધારાસભ્યને રાજ્ય સરકાર દર વર્ષે 1.5 (દોઢ) કરોડની ગ્રાન્ટ આપે છે. મોટા શહેરોમાં આ ગ્રાન્ટ રૂ. 2.5 કરોડ હોય છે, જે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ વાપરવાની હોય છે. આ ગ્રાન્ટ પણ સીધી ધારાસભ્યને મળતી નથી પણ જિલ્લા કલેકટરના સરકારી એકાઉન્ટમાં જમા થાય છે. આપણે આપણી વિકાસના કામોની માંગણી લેખિતમાં ધારાસભ્યને રૂબરૂ અથવા ટપાલથી મોકલી શકાય. જે બાદ તેઓ જિલ્લા કલેક્ટરને ભલામણ પત્ર મોકલી શકે.

સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવાંની અમલીકરણ એજન્સી જીલ્લા આયોજન કચેરી હોય છે.

દર બીજા અને ચોથા શનિવારના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન મિટીંગ થાય છે જેમાં વિકાસના કામોની ચર્ચા અને સમીક્ષા થાય છે. આ મિટીંગમાં તમામ ટોપના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે.

જીલ્લા પંચાયત સભ્યો/મહાનગર પાલિકાના કોર્પોરેટરોને પણ સરકાર તરફથી રૂ. 20 થી 30 લાખ સુધીની ગ્રાન્ટ પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા માટે ફાળવાય છે.

ગ્રામ પંચાયતમાં વિકાસ માટે અનેક જાતની ગ્રાન્ટ આવે છે જેમાં નાણાં પંચની, 15 ટકા વિવેકાધીન, ખાસ અંગભૂત યોજના, એટીવીટી(આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો), 5 ટકા પ્રોત્સાહક ગ્રાન્ટ, પર્ફોમન્સ ગ્રાન્ટ, સહિતની અનેક પ્રકારની ગ્રાન્ટ ડાયરેક્ટ સરકાર આપે છે.

SCCP-TSP-ખાસ અંગભૂત યોજના (અનુસૂચિત જાતિ સબ-પ્લાન અને ટ્રાયબલ સબ-પ્લાન) 

અનુસૂચિત જાતિ વર્ગના લોકોના વિકાસ માટે વસ્તીના ધોરણે ગુજરાત રાજ્યના બજેટમાં જેટલું બજેટ હોય તેના 7 ટકા લેખે બજેટ ફાળવણી કરવાની જોગવાઈ છે. પરંતુ તે 4 થી 4.5 ટકા જેટલું જ ફાળવાય છે. આદિવાસીઓ માટે 14 ટકા ફાળવણી કરવાની જોગવાઈ છે. પણ સરકાર 7 થી 10 ટકા બજેટની જ ફાળવણી કરે છે. 

વસ્તીના ધોરણે ભારત સરકારના બજેટમાં અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે કેન્દ્ર સરકારના બજેટમાં વસ્તીના ધોરણે 14 ટકા લેખે બજેટ ફાળવણી કરવાની હોય છે પણ ભારત સરકાર બજેટમાં 8 ટકાની આસપાસ રકમની ફાળવણી કરે છે. આદિવાસીઓના વિકાસ માટે કેન્દ્ર સરકારના બજેટમાં વિકાસ માટે વસ્તીના ધોરણે 7 ટકા રકમની ફાળવણી કરવાની હોય છે, પણ ભારત સરકાર 4 ટકાની આજુબાજુ જ બજેટમાં રકમની ફાળવણી કરે છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના લોકોના વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટે વસ્તીના ધોરણે રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં વિકાસ માટેની અલગ રકમની ફાળવણી પ્લાનિંગ કમિશનના 1979ની ગાઈડલાઈન મુજબ કરવાની હોય છે. પરંતુ બજેટમાં પૂરતી રકમની ફાળવણી થતી નથી, જે ફાળવણી થાય છે તે રકમ પૂરતી વપરાતી નથી, અને અમુક રકમ અન્ય જગાએ ડાયવર્ટ કરીને વાપરી નાખવામાં આવે છે, જેથી બંધારણમાં અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકોને જે આર્થિક અધિકારો આપવામાં આવ્યા છે તેનો ભંગ થાય છે. આવી સ્થિતિમાં આપણી ફરજ છે કે, આ યોજનાઓ વિશે જાણકારી રાખીએ અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરીએ.

કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર અને નવસર્જન ટ્રસ્ટના સક્રિય કાર્યકર છે.)

આ પણ વાંચો : સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.