છત્રપતિ શાહુજી મહારાજ અને રાજકોટ વચ્ચે શું કનેક્શન છે?

બે દિવસ પહેલા જેમનો 150મો જન્મદિવસ ઉજવાયો તે મહાનાયક શાહુજી મહારાજનું સૌરાષ્ટ્ર સાથે, એમાં પણ રાજકોટ સાથે ખાસ કનેક્શન રહ્યું છે. વાંચો આ રિપોર્ટ.

છત્રપતિ શાહુજી મહારાજ અને રાજકોટ વચ્ચે શું કનેક્શન છે?
image credit - khabarantar.com

ચંદુ મહેરિયા

કોલ્હાપુરનરેશ છત્રપતિ શાહુ મહારાજ ( જન્મ -  ૨૬ જૂન ૧૮૭૪, અવસાન ૬ મે, ૧૯૨૦)ની આવરદા તો હતી માંડ અડતાળીસ વરસની. પરંતુ આટલા ટૂંકા જીવનકાળમાં એમણે સમાજ સુધારણાના એવા તો બેમિસાલ કામો કર્યા હતા કે  ભારતના સામાજિક આંદોલનના ઈતિહાસમાં તેઓનું માનભર્યું સ્થાન છે. ૧૮૯૦માં મહાત્મા ફુલેનું અવસાન થાય છે અને ૧૯૧૯માં ડો. આંબેડકર જાહેરજીવનમાં પ્રવેશે છે તે ગાળામાં શાહુ મહારાજે કરેલા કામો ફુલે-આંબેડકર વચ્ચે અવકાશપૂરક નહોતા પરંતુ તેની આગવી અને અમીટ છાપ છે. 

છત્રપતિ શિવાજીના ત્રીજી પેઢીના વંશજ  અને તેમણે સ્થાપેલ મરાઠા સામ્રાજ્યના પાંચમા છત્રપતિ શાહુ મહારાજ રાજકુળમાં જન્મ્યા નહોતા. શિવાજીની જેમ તેઓ પણ જન્મે શૂદ્ર હતા. કોલ્હાપુરના રાજવી શિવાજી ચોથાની હત્યાથી તેમના સંતાનવિહોણા વિધવા આનંદીબાઈએ જાગીરદાર જયસિંહરાવ ઘાટગેના દસ વરસના પુત્ર યશવંતરાવને ૧૮૮૪માં દત્તક લીધા હતા. આનંદીબાઈના આ દત્તક પુત્ર એ જ કોલ્હાપુરનરેશ શાહુ મહારાજ. ગુજરાત સાથે શાહુ મહારાજનો મહત્વનો નાતો રહ્યો છે. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. વડોદરાનાં મરાઠા સરદારનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે તેમના લગ્ન થયાં હતાં.

વીસ વરસની વયે ૧૮૯૪માં જ્યારે શાહુ મહારાજે રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારનો સમાજ રૂઢિદાસ્ય, ભીષણ વર્ણવાદ અને આભડછેટ,  મહિલાઓની બદતર હાલત, નિરક્ષરતા, ગરીબી અને ગુલામીમાં સબડતો હતો. યુવાન રાજવી શાહુ પણ તે માંહેલા જ હતા. તેમની કેફિયત પ્રમાણે તેઓ કન્જર્વેટિવ કે પુરાણપંથી હતા.જ્ઞાતિભેદ ટકવો જોઈએ અને તેનું પાલન થવું જોઈએ તેવું માનનારા હતા. આ પ્રકારના જ્ઞાતિગુમાનથી અન્યનો વિકાસ રૂંધાય છે તેનું પણ તેમને ભાન નહોતું એમ પણ તેમણે લખ્યું છે. 

કોલ્હાપુર રાજ્યની પ્રજાની વચ્ચે રહેતા-ફરતાં અને પુરોહિત વર્ગના પોતાના પ્રત્યેના વર્તનના જાત અનુભવથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને વિચારો બદલાયા. તેમના સામાજિક સુધારણાના કામોનો રાજ્યના કથિત ઉચ્ચ વર્ણના લોકોએ ભારે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે રાજગાદી છોડીશ પરંતુ સામાજિક પ્રતિબધ્ધતાના કાર્યોમાં પીછેહઠ નહીં જ કરું. ડો.આંબેડકર સાથેનો તેમનો સંબંધ તો અઢીએક વરસનો (૧૯૧૯ થી ૧૯૨૨)  રહ્યો. પરંતુ બાબાસાહેબે તેમને સામાજિક લોકતંત્રના આધારસ્તંભ કહી બિરદાવ્યા એ કક્ષાના તેમના  કામો હતા. 

આ પણ વાંચોઃ કોલ્હાપુરમાં ત્યારે બ્રાહ્મણોની વસ્તી 4 ટકા હતી, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા

કોલ્હાપુરના રાજવહીવટમાં એક જ્ઞાતિવિશેષનું કે બ્રાહ્મણોનું પ્રભુત્વ છે અને વહીવટ સર્વસમાવેશી નથી તેવું શાહુ મહારાજના ધ્યાનમાં આવ્યું. સ્વતંત્ર ભારતમાં આજે પણ શક્ય નથી તે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તેમણે ૧૯૦૧માં કરાવી હતી. રાજ્યવહીવટના મહત્વના ૭૧ અધિકારીઓમાં ૬૦ અને ૫૦૦ કારકુનોમાં ૪૯૦ બ્રાહ્મણો હતા. એટલે ૨૬મી જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે અભિનવ પહેલ કરીને  કથિત અસ્પૃશ્યો અને પછાતો માટે ૫૦ ટકા અનામત દાખલ કરી હતી. તેથી આજે પણ તેઓનું અનામતના જનક તરીકે સ્મરણ કરવામાં આવે છે.

તેઓ રાજ્યના વહીવટમાં તમામ જ્ઞાતિઓની સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા. અનામત દ્વારા સામાજિક ન્યાયનું તેમનુ કદમ  સફળ થયું હતું. અમલના દસ જ વરસમાં, ૧૯૧૨માં, કોલ્હાપુર રાજ્યમાં ૯૫માંથી ૬૦ અધિકારીઓ બિનબ્રાહ્મણો હતા. શાહુ મહારાજ તેથી અટક્યા નહીં. તેમણે કોલ્હાપુર નગરપાલિકામાં પણ કથિત અછૂતો માટે અનામત બેઠકો મુકરર કરી. તેના લીધે જ તેમની રાજવટ દરમિયાન એક દલિત કોલ્હાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

સમાજ સુધારણાના કોઈ કામો શાહુ મહારાજે બાકી રાખ્યા નહોતા. મહાત્મા ફૂલેના કાર્યોનો તેમના પર જબ્બર પ્રભાવ હતો. તેમની સંસ્થા સત્ય શોધક સમાજની તેમણે પોતાના રાજ્યમાં રચના કરી અને ફુલેના કાર્યો આગળ ધપાવ્યા. ફુલે-આંબેડકરની જેમ શાહુ પણ વંચિતોના વિકાસમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા હતા. ૧૯૧૨માં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યુ અને પાંચ વરસ પછી ૧૯૧૭માં નિ:શુલ્ક કર્યું હતુ. ૫૦૦ થી ૧૦૦૦ની વસ્તીના ગામોમાં પ્રાથમિક શાળા ખોલી.  

શાળાઓમાં દલિતો-પછાતો પ્રત્યે કોઈ ભેદભાવ આચરવામાં ના આવે તે માટેનું ફરમાન જારી કર્યું.  તેમના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યે આર્થિક મદદ કરી. જ્ઞાતિના વિરોધી હોવા છતાં તત્કાલીન સમયની સ્થિતિ પારખીને બ્રાહ્મણ, મરાઠા, મહાર, ક્ષત્રિય, વૈશ્ય માટે જ નહીં ખ્રિસ્તી, મુસલમાન અને જૈનો માટે પણ અલગ હોસ્ટેલ્સ શરૂ કરી હતી.  હાયર એજ્યુકેશન માટે કોલ્હાપુર શહેરમાં જ ૨૨ હોસ્ટેલનું નિર્માણ કર્યું હતું. 

રાજર્ષિ શાહુ ડો.આંબેડકરના સાથી, સમર્થક અને સહાયક હતા. ૧૯૧૯માં તેઓ સામે ચાલીને નવ યુવાન આંબેડકરને મળવા મુંબઈ ગયા હતા. ૧૯૧૯માં માણગાંવ પરિષદના અધ્યક્ષ તરીકે તેમણે આંબેડકરની પ્રતિભા અને પ્રતિબધ્ધતા પારખીને દલિતોને તેનો સાચો નેતા મળી ગયો છે અને તે તેમનો ઉધ્ધારક બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બાબાસાહેબને એમના અધૂરા વિદેશ અભ્યાસ માટે તો એમણે આર્થિક સહાય કરી તેમના વિદેશવાસ દરમિયાન પત્ની અને બાળકોને સાચવ્યા. જે જમાનામાં સોનુ તેર રૂપિયે તોલો હતું ત્યારે તેમણે આંબેડકરના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ ને રૂ. ૨૫૦૦ની માતબર સહાય કરી હતી.

રાજ્યના વહીવટ, શિક્ષણ અને દવાખાનાઓમાં આભડછેટનું આચરણ ના થાય તે માટે તેમણે નિયમો ઘડ્યા હતા. જ્ઞાતિને તેઓ સમાજના સર્વાંગીણ  વિકાસના માર્ગનું રોડું માનતા હતા. એટલે તેનું સંપૂર્ણ નિર્મૂલન થાય તે માટેના તેમના પ્રયાસો હતા. જ્ઞાતિભેદનો વિરોધ કરનારા પણ જ્યારે જ્ઞાતિદ્વેષ ના રખાવો જોઈએ એમ કહેતા ત્યારે શાહુ મહારાજનો જવાબ રહેતો કે જ્ઞાતિને કારણે જ બેઉ છે એટલે એક સારું ને બીજું નહીં સારું એવું ન ચાલે.

આ પણ વાંચોઃ સાવિત્રીબાઈ ફૂલેઃ બેટી બચાવો અભિયાનના અસલી આઈકોન

મહિલાઓની સ્થિતિ સુધારવા તેમણે રાજ્યમાં મહિલાઓ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. દીકરીઓને પિતાની સંપત્તિની વારસ  ઠેરવતા કાયદા ઘડ્યા. બાળલગ્નને પ્રતિબંધિત કર્યા તો વિધવા વિવાહનું સમર્થન કર્યું હતું. દલિત મહિલાઓના જાતીય શોષણની ધાર્મિક પ્રથા દેવદાસી પર પ્રતિબંધ લાદ્યો. આંતરજ્ઞાતિય લગ્નોને પણ મંજૂરી અને પ્રોત્સાહન આપ્યા હતા. બાળમજૂરી જ નહીં વેઠપ્રથા પણ બંધ કરાવી હતી.

થોડી જમીનના ટુકડા માટે આખા કુટુંબે ગામની મફત સેવા કરવાની બલુંતદારી પ્રથામાંથી અછૂતોની મુક્ત કરાવી આર્થિક પરાધિનતામાંથી છોડાવ્યા હતા. ખેડૂતો માટે સહકારી ધોરણે મંડળીઓ બનાવી બજાર પૂરું પાડ્યું. તેમને ખેતીમાં પ્રયોગો કરવા કે ખેતી સુધારવા વિદેશથી નિષ્ણાતો બોલાવી માર્ગદર્શન અપાવ્યું. આધુનિક કૃષિના સાધનો ખરીદવા નાણાંકીય મદદ કરી.
બ્રિટિશકાલિન ભારતના દસ પ્રભાવશાળી રાજ્યો પૈકીના એક કોલ્હાપુરમાં શાહુજીએ ધર્મસ્થળોની સંપત્તિ અને દાનને લોકહિતના કાર્યોમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. સદી પૂર્વે મંદિરોના પૂજારી તરીકે મરાઠાઓની નિમણૂક કરવાનો નિર્ણય ભારે વિરોધ છતાં અમલી બનાવ્યો.  બિનબ્રાહ્મણ પૂજારીઓની સમયબધ્ધ તાલીમ માટે વ્યવસ્થા કરી. તમામ વિદ્યાર્થીઓને સમાન ધોરણે શાસ્ત્રોનું જ્ઞાન મળે તે માટે વૈદિક શાળાઓ સ્થાપી હતી. 

સમાજ સુધારક શાહુએ આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખ્યો હતો. ૧૯૦૬માં એમણે સ્પિનિંગ અને વિવિંગ મિલ સ્થાપી ઉદ્યોગો તરફ પ્રજાને વાળી. ૧૯૦૭માં ભોગાવતી નદી પર વિખ્યાત ઈજનેર વિશ્વેશ્વસરૈયાના માર્ગદર્શનમાં રાધાનગરી બંધ બંધાવવો શરૂ કર્યો હતો. બંધને કારણે નદીનું પાણી રોકી પુર અને દુકાળથી લોકોને બચાવ્યા, તો પીવાના અને સિંચાઈના પાણી ઉપરાંત બંધને લીધે જળવિદ્યુત ઉત્પન્ન કરવાનું ગોઠવ્યું. આજે પણ રાધાનગરી બંધ શાહુ મહારાજના સ્મૃતિ થાનક તરીકે હયાત છે.

ચૂંટણી ટાણે ગરીબો કે દલિતોના વોટ મેળવવા કે તેમની વોટબેન્ક્નું સમર્થન હાંસલ કરવા આજના રાજનેતાઓ તેમના ઘરે વાળુપાણી કરવા પહોંચી જાય છે. પરંતુ શાહુ મહારાજનો આભડછેટ નાબૂદી અને દીનદુખિયા પ્રત્યેની સંવેદનાનો અભિગમ સાચા દિલનો અને નોખો હતો. અસ્પ્રુશ્યતાનો ભોગ બનેલા રાજમહેલના દલિત કર્મચારી ગંગારામ કાંબળેને નોકરી છોડાવી મહારાજે મદદ કરી ચાની લારી ચાલુ કરાવી. અછૂત ગંગારામની ચા કોઈ પીવે નહીં એટલે લોકસંપર્ક કે શિકારે જતા શાહુ મહારાજ રોજ અચૂક ગંગારામની લારીએ જતા અને તેની ચા પીતા. સાથે આવેલા સૌને પીવડાવતા. આ રીતે મહારાજે કોઈ દબાણ કે ધાકધમકી સિવાય ખુદના આચરણથી દલિતની ચા સૌને પીતા કર્યા. અને આભડછેટ અંશત દૂર કરી.  મહારાષ્ટ્ર અને ભારતના આવા અનન્ય સમાજ સુધારક શાહુ મહારાજને હાલના તેમના દોઢસોમા જન્મદિન પર્વે આદરભેર સલામ. 
maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.