સાહેબ, ગુજરાતીઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે....

સુરતમાં તક્ષશીલાકાંડ, મોરબી ઝૂલતા પૂલ હોનારત, વડોદરા હરણી બોટકાંડ અને હવે રાજકોટ ગેમ ઝોન કાંડથી વ્યથિત એક મહિલાએ મુખ્યમંત્રીને કંઈક આ રીતે વ્યથા ઠાલવી છે.

સાહેબ, ગુજરાતીઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે....
all image credit - Google images

ગુજરાતના મુખ્યમંત્રીને  ખુલ્લો  વેદનાપત્ર
 

માનનીય મુખ્યમંત્રીશ્રી,

ભારે દુઃખ સાથે જણાવવાનું  રાજકોટ ગેમ ઝોનમાં હત્યાકાંડ સર્જાયો એવા સમાચાર સાંભળીને  સૌ માનવતાવાદીઓનું હૈયું હચમચી ગયું છે. આખું ગુજરાત હીબકાં ભરી રહ્યું છે અને જ્યારે ચારેકોર હાહાકાર મચી ગયો હોય ત્યારે હત્યાકાંડના સ્થળ ઉપર ઉભા રહીને સવાલ પૂછાવા જોઈએ. ગુજરાત સરકારના તમારી પાર્ટીના રાજકોટના ધારાસભ્યે ચૂંટણી લડતી વખતે રાજકોટની પ્રજા ને મોટા મોટા વાયદા અને વચનો આપ્યા હતા. એ વખતે ખોબલે ને ખોબલે મત લેનાર તમારા ધારાસભ્યએ પ્રજાની સેવા અને સલામતીનું વચન તો પુરૂ ન કર્યું. ઉલટાનું પ્રજાના બની બેઠેલા, નામ પૂરતા સેવક એવા  શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ  રમેશભાઈ ટીલાળાને જ્યારે મીડિયા અને પત્રકારો ગેમ ઝોન હત્યાકાંડ બાબતે સવાલ કરતા હોય અને આપના રાજકોટના ધારાસભ્યના વળતા જવાબમાં ચેહરા પર શોક, દુઃખ-દર્દ, લાગણી અને ગમગીનીનો એક છાંટો પણ દેખાય નહીં અને મોતનો મલાજો જાળવવાની જગ્યાએ મલકાઈ રહ્યાં હોય એનો  અર્થ એટલો જ થાય કે એક ધારાસભ્ય તરીકે તો ઠીક પરંતુ આ વ્યક્તિની માણસ તરીકેની લાયકાત પણ ગેમ ઝોન હત્યાકાંડમાં બળી ને ખાખ થઈ ગઈ છે. આપની સરકારના સદર ધારાસભ્ય તો ઠીક પણ તેઓ સારા માણસ પણ બની શક્યાં નહીં અને દુઃખ પ્રગટ કરવાની દાનત પણ ના હોય તો આ ગરિમામય પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને નૈતિક ધોરણે પ્રજાના ચરણોમાં પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ. અને હા, મને તો શંકા છે કે આપની સરકારના ધારાસભ્યશ્રી એટલા માટે તો આવું હાસ્ય નથી રેલાવી રહ્યાં ને કે  છાશવારે સર્જાતા હત્યાકાંડ બાદ આપના કમલમમાં ગોષ્ઠી  થતી હશે ત્યારે આવી રીતે હસવું એ સહજ બની ગયું હશે??

અમે જાણીએ છીએ કે જનતા માટે બનેલું ગાંધીનગરનું આખેઆખું બિલ્ડીંગ ઈંટો અને પથ્થરથી બનેલું છે પરંતુ એમાં એસી ઓફિસમાં બેસીને પ્રજાની સુખાકારી માટેના વહીવટ કરનારાના દિલ પણ આટલી હદે પથ્થરના બનેલા છે એ જાણીને સાહેબ પથ્થર પણ પીગળી ગયો હશે. આપના કુશાસનમાં ભ્રષ્ટાચારના રંગમાં રંગાઈ ગયેલા ભ્રષ્ટ અધિકારીઓને ના વાંકે, એમના પાપે અને ભ્રષ્ટ અધિકારીઓને  છાવરનાર  તમારી સરકારના હસ્તે, હસતી-રમતી ખેલતી 35 જિંદગીને કફન ભેટમાં મળ્યું છે. તેમ છતાં પણ જાણે કે કોઈપણ પ્રકારનો ફરક પડવાનો જ નથી એવું વારંવાર સર્જાતા હત્યાકાંડ પરથી જનતાને પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ફરક માત્રને માત્ર જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ પરિવારજનોને જ પડશે. જે પરિવારે પોતાના વહાલસોયા સ્વજનને ગુમાવ્યા છે એમને તો પરત હેમખેમ લઈ આવવાની કોઈ તાકાત નથી પરંતુ આવા હત્યાકાંડ રોકવાની તાકાત સને સત્તા બંને તમારી સરકારના હાથમાં હોવા છતાં પણ હત્યાકાંડનો સિલસિલો અવિરતપણે ચાલુ જ રહ્યો છે, અને દર વખતની જેમ આ વખતે પણ માણસની જિંદગીની કિંમત ચાર લાખ રૂપિયા ચૂકવીને આપની સરકારે તો આ વખતે પણ પોતાની નૈતિક જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી જ લીધા છે એવું લાગી રહ્યું છે. 

દેખાડો પણ ગજબનો કરવામાં આવી રહ્યો છે. દરેક ન્યૂઝ ચેનલમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ ચમરબંધીને  છોડવામાં નહીં આવે, તપાસના આદેશ આપી દીધાં છે, ટુકડીઓ બનાવીને ચેકિંગ હાથ ધરી દીધું છે, ફાયર સેફટીની મંજૂરી લીધી હતી કે કેમ એની પણ તપાસ થઈ રહી છે, આ વખતે તો દોષિતોને છોડવામાં નહીં જ આવે, આ વખતે તો કડક એક્શન લેવામાં આવશે, એજન્સીઓના માલિકોને તો જેલના સળિયા પાછળ ધકેલી દઈશું. સીટની રચના કરવામાં આવી છે વગેરે વાતોના ફીફાં ખાંડવામાં આવી રહ્યાં છે. થોડાં દિવસો ન્યૂઝ ચેનલોમાં પણ આ સમાચાર સતત ચાલશે અને પછી ફરી પરિસ્થિતિ જેમની તેમ થઈ જશે એવી ભીતિ સેવાઈ રહી છે.

તમારી સરકાર છાતી ઠોકીને સંવેદનશીલ હોવાના દાવાઓ કરતી હોય છે. પોસ્ટરો, બેનરો અને ભાષણોમાં તો ગુજરાત સરકારની સંવેદનશીલતાને વારંવાર પ્રોજેક્ટ કરાય છે. પણ વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે, લોકો મૂરખ નથી. અમે જોઈ છે તમારી સંવેદનશીલતા, જ્યારે સુરતમાં તક્ષશીલા કાંડ સર્જાય છે ત્યારે થોડા સમય માટે પ્રગટ થાય છે. અને આગ ઠંડી થતાની સાથે જ તમારી સંવેદનશીલતા પણ બરફ જેવી ઠંડી થઈ જાય છે. તમારી સરકારની સંવેદનશીલતા અચાનક ત્યારે ઝૂલતી દેખાય છે, જ્યારે મોરબીના ઝૂલતા પૂલ પરથી 135 જિંદગીઓ નદીમાં ખાબકે છે અને ડૂબી મરે છે. જ્યારે ગુજરાતનું ભવિષ્ય એવા નાના ભૂલકાંઓ વડોદરાના હરણી બોટકાંડમાં જીવ ગુમાવે છે ત્યારે એમાં અમને તમારી સંવેદનશીલતા ડૂબતી દેખાય છે. 

આ પણ વાંચો: અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!

પણ હવે અમને ખબર પડી ગઈ છે કે તમારા હૃદય પથ્થરના બની ચૂક્યા છે. તમે સૌ અબકી બાર 400 પારના નારાને સાર્થક કરવામાં વ્યસ્ત રહો છો. તમને અમારા માટે ફુરસદ ત્યારે જ મળે છે જ્યારે રાજકોટ, સુરત, મોરબી કે વડોદરા જેવો મોટો હત્યાકાંડ સર્જાય છે. ત્યારે તમે સૌ સંવેદનશીલતાનો અંચળો ઓઢીને નીકળી પડો છો અમને સાંત્વના પાઠવવાનો દેખાડો કરવા. પરિસ્થિતિ એવી છે કે તમારી છત્રછાયામાં ભ્રષ્ટાચારીઓ સલામતીનો અનુભવ કરતા હશે પણ નિર્દોષ જનતા સુરક્ષિત નથી. આ રહ્યાં તેના કેટલાક ઉદાહરણો,

૧) સુરત તક્ષશિલા અગ્નિકાંડ  - ૨૨ વિદ્યાર્થીઓના મોત  ૨) મોરબી ઝૂલતા પૂલ હોનારતમાં - ૫૫ બાળકો સહિત ૧૩૫ લોકોના મોત
૩) રંઘોળા અકસ્માત દુર્ઘટના - ૩૬ મોત 
4) કાંકરીયા રાઈડ કાંડ - ૨ બાળકો હોમાયા
5) ભરૂચ હોસ્પિટલ આગકાંડ - ૧૮ મોત
6) શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ - ૮ મોત
7) ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ - ૬ મોત
8) અમદાવાદ-સુરત રાજકોટ BRTS અકસ્માત - ૭૦થી વધુના મોત,  નબિરાકાંડથી હિટ એન્ડ રનમાં થતા મોત તો જુદા.
(9) વિવિધ લઠ્ઠાકાંડ-  100 લોકોના મોત
૧૦) રખડતા કૂતરા અને ઢોરથી - ૧૦૦થી વધુ  લોકોએ જીવ ખોયા 
૧૧) સુરસાગર હત્યાકાંડ - 22 લોકોના મોત
 (12) વડોદરા  હરણી બોટકાંડ  - 16 મોત
 

આ સિવાય વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં અનેકના મોત અને ઓવરલોડ બેફામ સ્પીડથી ચાલતા વાહનોમાં અકસ્માતથી મોતનો આંકડો તો જુદો.

આવા તો અનેક દુઃખદ બનાવો બન્યાં છે. આ તમામ હત્યાકાંડ સર્જનારા જે તે જગ્યાના માલિકો, જવાબદાર અધિકારીઓને તેમની જવાબદારીનું ભાન કરાવી સજા અપાવો તેવી રજૂઆત કરી રહી છું. ગુજરાતમાં ફરી આવા હત્યાકાંડો નહીં સર્જાય એ માટે તમારી નૈતિક જવાબદારી અને ફરજ નિભાવી બતાવો તો અમે પણ તમારી સંવેદનશીલ સરકાર પર ગર્વ કરીશું. પણ જો જવાબદારી કે ફરજ નિભાવવામાં ઉણાં ઉતરતા રહેશો અને ફરી આ જ રીતના હત્યાકાંડોનું પુનરાવર્તન થતું રહેશે તો એટલું સમજી લો કે હવે ગુજરાતીઓની સહનશક્તિ ખૂટી છે.

લી. 

પીડા અનુભવનાર ગુજરાતીઓ વતી

ચંદ્રિકા સોલંકી

આ પણ વાંચો: તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.