દલિત પરિવારના 4 સભ્યો પર માથાભારે તત્વોએ ટ્રેક્ટર ચડાવી દીધું

દલિત પરિવારની બાપદાદા વખતની ખેતીની જમીન પડાવી લેવા માટે માથાભારે તત્વોએ દલિત પરિવાર પર સામૂહિક હુમલો કર્યો હતો, જેમાં ચાર લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું.

દલિત પરિવારના 4 સભ્યો પર માથાભારે તત્વોએ ટ્રેક્ટર ચડાવી દીધું

દલિત પરિવારની બાપદાદા વખતની જમીન પડાવી લેવા માટે કથિત સવર્ણો કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી. ખાસ કરીને ગામડાઓમાં આઝાદી બાદ જે કેટલાક ગણ્યાંગાંઠ્યા દલિતો પાસે ખેતીની જમીન છે તે પડાવી લેવા માટે ગામના કથિત માથાભારે સવર્ણો સામ-દામ-દંડ-ભેદ એમ કોઈ પણ રીત અપનાવી લે છે. કેમ કે, તેમને ખબર છે કે ગામડાઓમાં કાયમી આવકનો એકમાત્ર સ્ત્રોત ખેતીની જમીન છે અને તે કોઈપણ હિસાબે દલિતો પાસે ન રહેવી જોઈએ. દલિતોને કાયમ માટે ખેતમજૂર રાખવામાં તેમની પાસે ખેતીની જમીન ન હોવું સૌથી મોટી સમસ્યા છે. જે થોડાંઘણાં દલિતોએ આજે પણ બાપદાદા વખતની ખેતીની જમીન સાચવી રાખી છે તેઓ આજે આર્થિક રીતે કથિત સવર્ણો જેટલા જ સદ્ધર થઈ ગયા છે. જાતિવાદી તત્વોને આ બાબત કાયમથી ખટકતી આવી છે અને એટલે જ તેઓ દલિતોની જમીન ઓળવી જવાના પેંતરા રચતા રહે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાળામાં બે સગા ભાઈઓ પર જમીનને લઈને સામૂહિક હુમલો થયો હતો, કંઈક આવી જ વધુ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં દલિત પરિવારની બાપદાદા વખતની જમીન પડાવી લેવા માટે ગામના જાતિવાદી તત્વો લાંબા સમયથી તેને હેરાન કરતા હતા. પણ દલિત પરિવારે મચક ન આપતા આ પરિવારના ચારેય સભ્યો પર જાતિવાદીઓએ સામૂહિક હુમલો કર્યો હતો અને પરિવાર પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. આ પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મામલો મહિલા અત્યાચાર માટે કુખ્યાત રાજસ્થાનનો છે. અહીંના ચુરૂ જિલ્લાના સરદારશહેર તાલુકાના ભાણીપુરા પોલીસ સ્ટેશનમાં આવતા નાના ભોજાસર ગામમાં માથાભારે તત્વોએ એક દલિત પરિવારની બાપદાદાની જમીન પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પરિવારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમણે ભેગાં થઈને દલિત પરિવાર પર ઘાતક હુમલો કરી દીધો. તેમને લાકડીઓ અને પાઈપોથી નિર્દય રીતે મારવામાં આવ્યો. એટલું જ નહીં, આ લોકોએ દલિત પરિવારના સભ્યો પર ટ્રેક્ટર ચડાવીને તેમને કચડી નાખવા પ્રયત્ન કર્યો હતો.

માથાભારે તત્વો પર કોઈ કાર્યવાહી નથી કરાઈ

મોટાભાગના એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ આ મામલામાં પણ પોલીસ માથાભારે તત્વોને છાવરતી હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. કેમ કે, પીડિત દલિત પરિવાર પર લાકડીઓથી હુમલો કરવાનો અને ટ્રેક્ટર ચડાવી દેવાની સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હોવા છતાં પોલીસે માથાભારે તત્વો સામે કોઈ કાર્યવાહી કરી નથી. પીડિત દલિત પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમ છતાં પોલીસે માથાભારે તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરી નથી.
પતિ-પત્ની સહિત 4 લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું

આ પણ વાંચો: ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો

આ ઘટનામાં દલિત પરિવારના પતિ-પત્ની સહિત ચાર જણાં પણ એક ડઝન કરતા પણ વધુ માથાભારે તત્વોએ મળીને હુમલો કરી દીધો હતો. તેમણે દલિત પરિવારના હાથ-પગ ભાંગી નાખ્યા હતા, માથું ફોડી નાખ્યું હતું. હાલ આ પરિવારના ચારેય સભ્યોની ચુરૂની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દલિત પરિવારની જમીન પડાવી લેવાનું ષડયંત્ર

આ મામલે સરદાર શહેરના ભાણીપુરા પોલીસ સ્ટેશનમાં આવતા નાના ભોજાસર ગામની 40 વર્ષીય દલિત મહિલા ગુરપ્રીત કૌરે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેના સસરા દ્વારા ખરીદવામાં આવેલું તેમનું ખેતર છે. તેઓ ખેતરમાં જ મકાન બાંધીને રહે છે, ત્યાં પોતાનો બોરવેલ પણ છે. ગામના માથાભારે જગદીશ સિંહ અને તેમનો પરિવાર આ જમીન પડાવી લેવા માટે તેમની સાથે સતત દુશ્મનાવટ રાખે છે, જેને લઈને પહેલાના કેસો પણ ચાલે છે. ગત તા. 15 મે 2024ના રોજ જગદીશ સિંહ, દુર્ગ સિંહ, રૂપસિંહ, સુમેર સિંહ, જયપાલ સિંહ, લાડુ સિંહ, રાજૂ સિંહ, કાળુ સિંહ, ભાણી સિંહ, ભેરૂ સિંહ, સરદાર સિંહ, દિલીપ સિંહ સહિત પાંચ અન્ય લોકો ગેરકાયદે રીતે અમારા ખેતરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે ખેતરમાં લાગેલી પટ્ટીઓ પણ તોડી નાખી અને પશુઓને પણ ખીલેથી છોડીને ભગાડી દીધાં. ખેતર ફરતેની કાંટાળી વાડને પણ આગ ચાંપી દીધી.

આ વખતે તમે બચી ગયા પણ હવે જાનથી મારી નાખીશું

ગુરપ્રીત કૌરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મારા પતિ, દીકરા અને દીકરીએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમના પર લાકડીઓ અને પાઈપો લઈને આવેલા આ લોકોએ હુમલો કરી દીધો. બધાંએ એકસંપ થઈને અમને માર મારવા લાગ્યા. એક વ્યક્તિએ મારા પતિ, દીકરા અને દીકરી પર ટ્રેક્ટર ચડાવી દઈને તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જેમાં ત્રણેયના હાથપગ ભાંગી ગયા છે અને માથું ફૂટી ગયું છે. હોબાળો થતા ગામના અન્ય લોકો આવી પહોંચ્યા. જેના કારણે તેઓ ત્યાંથી ભાગી ગયા. જો કે જતા પહેલા તેઓ અમને જાતિસૂચક ગાળો દઈને ધમકી આપતા ગયા છે કે, તમે લોકો બીજી વખત બચી ગયા છો, તમારા નસીબ સારા છે. અમે ફરી એકવાર આવીશું અને એ વખતે તમને ખતમ કરી દઈશું.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

પોલીસે આ મામલામાં એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે, પણ હજુ સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.(આવું એટ્રોસિટીના લગભગ દરેક મોટા કેસોમાં થતું હોય છે. જેમાં કાયદામાં જોગવાઈ હોવા છતાં પોલીસ કથિત સવર્ણ માથાભારે તત્વોને છાવરે છે.) આ કેસની તપાસ કરી રહેલા સરદાર શહેરના ડીએસપી અનિલ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.(દલિત અત્યાચારના કેસોમાં આ પણ હવે એક નવી પેટર્ન સેટ કરવામાં આવી રહી છે. જેમાં દલિતોને માર્યા પછી તેમની ફરિયાદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે.) કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ થશે.

આ પણ વાંચો: માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.