અમરેલીના ચિત્તલમાં આજે સંવિધાન સન્માન મહોત્સવ ઉજવાશે
75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો શું છે તેની વિશેષતા.

આઝાદ ભારતને લોકશાહી વ્યવસ્થાની અણમોલ ભેટ આપનાર મહાનાયક ડો.આંબેડકરે બંધારણ સભાની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન પદ પરથી ભારતના બંધારણની રચના કરીને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ દેશને અર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારતભરમાં બહુજન સમાજ દ્વારા તેની અલગ અલગ રીતે ઉજવણીઓ થઈ રહી છે.
આવી જ એક અનોખી ઉજવણી અમરેલી જિલ્લાના ચિત્તલમાં આજે થવા જઈ રહી છે. જ્યાં રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા સંવિધાન સન્માન મહોત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે. 75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢ, અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ ઉમટી પડશે.
આજે રાત્રે 9.00 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં બહુજન સમાજના બે તેજસ્વી યુવા વક્તાઓ આયુ. મયૂર વાઢેર અને આયુ. ડૉ. ભાવિન પરમાર મુખ્ય વક્તવ્ય આપશે. આ સાથે જ વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડની ભીમ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉમટી પડશે.
કાર્યક્રમમાં ભીમપુત્રી સ્વરા વાણવીને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે પણ પોતાની વાતોથી ઉપસ્થિત ભીમબંધુઓને મહાનાયક ડો.આંબેડકરના કાર્યોને યાદ કરાવશે.
આ કાર્યક્રમમાં પોતાની આદિવાસી કળાને કારણે સોશિયલ મીડિયાથી જાણીતા બનેલા અર્ધનારી પાયલ રાઠવા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમ વિશે વધુ જાણકારી મેળવવા માટે આપ રાજરત્ન ફાઉન્ડેશન ચિત્તલ દ્વારા આપવામાં આવેલા 96871 52635, 81603 84544 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: રાજરત્ન ફાઉન્ડેશનના 50 જેટલા યુવાનોએ એકસાથે મતદાન કર્યું