ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો

મનોરોગીએ તેના સાગરિતો સાથે ટ્રેક્ટર લઈ દલિત પરિવારના ખેતરે પહોંચી ગયો અને હુમલો કરી દીધો. દલિત યુવકને બચાવવા વચ્ચે પડનાર તેની પત્નીને જાતિવાદીઓએ માર માર્યો.

ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો
image credit - Google images

રાજસ્થાનમાં એક મેઘવાળ યુવકની હત્યાનો મામલો ચગેલો છે, તેમાં ન્યાય નથી મળ્યો ત્યાં હવે અન્ય એક ગામમાં એક મનોરોગી જાતિવાદી તત્વે સાથીઓ સાથે મળીને એક દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં દલિત યુવકને બચાવવા માટે વચ્ચે પડેલી તેની પત્નીને પણ જાતિવાદી તત્વોએ લાકડીઓથી માર માર્યો હતો.

નાગૌર જિલ્લાના તાંતવાસ ગામની ઘટના

ઘટના નાગૌર જિલ્લાના તાંતવાસ ગામની છે. અહીં એક દલિત પરિવાર પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લુખ્ખા તત્વો પતિ-પત્નીને મારતા અને ધમકાવતા જોઈ શકાય છે.

પીડિત બીરબલ રામ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી રિપોર્ટમાં જણાવ્યું છે કે, 7 ડિસેમ્બરે જાતિવાદી માનસિકતાનો ગુલાબ સિંહ અને તેના સાથીઓ તેમણે ખેતરમાં લગાવેલી લોખંડની જાળી તોડવા માટે ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો ગુલાબ સિંહે તેના પર લાકડીઓથી હુમલો કર્યો.

બીરબલ મેઘવાળના પત્નીને પણ માર માર્યો

બબાલનો અવાજ સાંભળીને બીરબલ મેઘવાળની પત્ની પારુ દેવી વચ્ચે પડી તો આરોપીઓએ તેને પણ લાકડીઓ વડે માર માર્યો, જેના કારણે પારુ દેવીને એક હાથમાં ગંભીર ઈજા થઈ. હુમલાખોરોએ જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની મોટરસાઇકલને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

ત્રણ લોકો સામે કેસ નોંધાયો

બીરબલ મેઘવાળના રિપોર્ટ પર પોલીસે ગુલાબ સિંહ, પ્રેમ સિંહ અને નરેન્દ્ર સિંહ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. નાગૌરના પોલીસ અધિક્ષક નારાયણ તોગસે જણાવ્યું કે મુખ્ય આરોપી માનસિક રીતે બીમાર છે અને જોધપુરમાં તેની સારવાર ચાલી રહી છે. કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને એસસી-એસટી સેલના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.

સાંસદે સંસદમાં દલિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો

આ ઘટના બાદ ફરી એકવાર દલિતો પરના અત્યાચારની ચર્ચા શરૂ થઈ છે. આ ઘટના નાગૌરમાં પહેલાથી ચાલી રહેલા કેસોમાં ઉમેરો કરે છે. લોકસભા સાંસદ હનુમાન બેનીવાલે સંસદમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા રાજસ્થાનમાં દલિતો પર વધી રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે સરકારે દલિતોને તેમના બંધારણીય અધિકારો આપવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે. કાયદો હોવા છતાં દલિત સમુદાયને સમાનતાના અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ તપાસ શરૂ

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. દલિત સંગઠનોએ આ કેસમાં ઝડપી ન્યાય અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે. પોલીસ અધિક્ષક નારાયણ ટોગસે જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે. એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતોને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: 'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.