કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે
દલિતોને બુદ્ધ અને આંબેડકરી વિચારધારા તરફ આગળ વધતા રોકવા RSS ના ઈશારે નવો આઈડિયા અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે.
ભારતમાં સમય જતા બહુજન સમાજના વધુને વધુ લોકો ડો. આંબેડકરના રસ્તે ચાલીને શિક્ષિત, સંગઠિત બનીને સમાજ માટે સંઘર્ષ કરતા થઈ રહ્યાં છે. જેના કારણે જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. દલિત-આદિવાસી-ઓબીસી સમાજ કદી એક ના થાય અને તેમનું રાજ કાયમ રહે તે માટે મનુવાદીઓ સમયાંતરે નિતનવા પેંતરાઓ અજમાવતા રહે છે. હાલ દિનપ્રતિદિન બહુજન સમાજ જાતિવાદી હિંદુ ધર્મથી દૂર જઈ રહ્યો છે. મનુવાદી વર્ણવ્યવસ્થા તેમને અન્યાય કરી રહી હોવાનું સમજી ચૂકેલા દલિતો પોતાનું રાજકીય અસ્તિત્વ ઉભું કરવા મથી રહ્યાં છે, જેના કારણે સવર્ણ હિંદુઓ માટે કામ કરતું RSS એક્ટિવ થઈ ગયું છે અને તેણે ફરી દલિતોને હિંદુ ધર્મ સાથે ગમે તે ભોગે જોડી રાખવા નવો પેંતરો અજમાવ્યો છે.
કુંભમેળાના બહાને દલિત મતો સાધવાનો પેંતરો
મળતી માહિતી મુજબ આ વખતે મહાકુંભ 2025ની તૈયારીઓના ભાગરૂપે પ્રયાગરાજમાં હિન્દુ સંતોની પ્રતિષ્ઠિત સંસ્થા જુના અખાડાએ મહાકુંભ દરમિયાન 370 દલિતોને સંત દીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલા પાછળ જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી મહેન્દ્રાનંદ ગીરીનો મોટો ફાળો છે, જેઓ સનાતન ધર્મમાં દલિત સમુદાયને યોગ્ય સ્થાન આપવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. આ આખો પ્લાન સંઘના ઈશારે ગોઠવાયો હોવાનું કહેવાય છે. સૂત્રોના મતે, આરએસએસ માને છે કે, દલિતોને સંતોનો દરજ્જો આપવાથી દલિતોનું હિંદુ ધર્મ સાથેનું જોડાણ મજબૂત બનશે અને એ રીતે ભાજપને સત્તામાં ટકી રહેવામાં મદદ મળશે.
સંઘના ઈશારે અખાડાઓએ રાજકીય દાવ ખેલ્યો
આ મામલે જૂના અખાડાના વડા સ્વામી મહેન્દ્રાનંદ ગિરીએ જણાવ્યું હતું કે સંત સમાજમાં દલિત સમાજને સન્માન અને અધિકાર આપવાના હેતુથી આ પહેલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં જાતિ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. દલિતોને સંતની દીક્ષા આપવાથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે કે કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ ધર્મની સેવા કરવાને પાત્ર છે. આ પહેલમાં કુલ 907 લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 370 દલિત છે. આ તમામ દલિતોને મહાકુંભ દરમિયાન સંત તરીકે માન્યતા આપવામાં આવશે.
અહીં સવાલ એ થાય કે કોણ સંત હશે અને કોણ નહીં, તે જે તે વ્યક્તિના ચરિત્ર, આચરણ અને વાણી-વર્તન પરથી નક્કી થાય, જૂના અખાડા કોણ છે એ નક્કી કરનાર કે કોણ સંત છે અને કોણ નહીં? તેઓ કોણ છે સંત તરીકેની પદવી આપનાર, તેમને આ ઓથોરિટી કોણે અને ક્યારે આપી? આ સવાલના જવાબો અંગે દલિતો વિચારી રહ્યાં છે.
નવનિયુક્ત સંતોને વિવિધ જવાબદારીઓ સોંપાશે
આ નવનિયુક્ત દલિત સંતોને મહાકુંભમાં વિવિધ હોદ્દાઓ અને જવાબદારીઓ આપવામાં આવશે, જે સમાજમાં તેમની ભૂમિકાને મજબૂત બનાવશે. જેમાં મહામંડલેશ્વર, મંડલેશ્વર, મહંત, પીઠાધીશ્વર, શ્રીમહંત, થાનાપતિ સહિત અનેક મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થશે. આનાથી દલિતોને તેમના ધર્મમાં સમાન રીતે સેવા અને યોગદાન આપવાની તક મળશે અને તેમનું આત્મસન્માન પણ વધશે
આ સાધુ સંતોને કોણ સમજાવે કે દલિતો ધર્મની સેવા કરવા નથી માંગતા, તેમને સારું શિક્ષણ, રોજગારી અને સન્માનજનક જીવન જોઈએ છે અને તે વર્ણવ્યવસ્થાથી ગ્રસ્ત હિંદુ ધર્મમાં તેમને કદી મળી શકે તેમ નથી. દરરોજ તેમના પર જાતિ આધારિત ભેદભાવ રાખી માર મારવામાં આવે છે, તેમની સાથે આભડછેટ પાળવામાં આવે છે. આ સંતો આભડછેટ દૂર કરવાનું વિચારતા નથી, તેના માટે સવર્ણોને સુધારવાની કોઈ ચળવળ કે આંદોલન ચલાવતા નથી અને દલિતોને હિંદુ ધર્મની સેવા કરવાની તક આપવાની વાતો કરી ભ્રમમાં નાખે છે.
આ પહેલ પાછળ અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી હરિગિરિનું માર્ગદર્શન રહેલું છે. તેમણે સ્વામી મહેન્દ્રાનંદ ગિરીને આ પગલું ભરવા કહ્યું છે. તેમનું માનવું છે કે ધર્મના પ્રસારમાં દલિતોને પણ એવું જ સન્માન મળવું જોઈએ જેવું અન્ય સંતોને મળે છે.
મૌજગીરી આશ્રમ દલિત સંત સમાજને વિસ્તારવા મથી રહ્યો છે
લગભગ ચાર મહિના પહેલા દલિત સમાજમાંથી આવતા કૈલાશાનંદને મૌજગીરી આશ્રમમાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું. સ્વામી મહેન્દ્રાનંદ ગિરીએ જણાવ્યું કે આવી જ રીતે હવે મહાકુંભ દરમિયાન 370 દલિતોને સંત દીક્ષા આપવામાં આવશે. આ પહેલ દલિત સમુદાયને ધર્મના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો પ્રયાસ છે અને સમાજમાં તેમના યોગદાનને વધુ સન્માન આપશે.
ધર્મમાં સમરસતાની ભેળસેળ અને સત્તાનો સ્વાર્થ
મહાકુંભ દરમિયાન દલિત સમાજને સંતની પદવી આપવાનો નિર્ણય સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અખાડાના સંતોનું માનવું છે કે, આવું કરવાથી દલિતોમાં હિંદુ ધર્મ પ્રત્યે એક સકારાત્મક સંદેશ જશે કે આ ધર્મ કોઈ ચોક્કસ જાતિ માટે નથી પરંતુ દરેક માટે છે. સંત સમાજમાં દલિત સમાજને સામેલ કરીને તેમને એક મહત્વની ઓળખ આપવામાં આવી રહી છે. તેની પાછળ લાંબા ગાળાનું આયોજન છે. આ દલિત સંતોને અખાડાઓ સંઘના ઈશારે જે દલિત વિસ્તારો ભાજપ-સંઘની વિચારધારાની અલગ મત ધરાવે છે ત્યાં પ્રવાસે મોકલશે અને ત્યાં તેઓ હિંદુ ધર્મનો પ્રચાર કરી દલિતોને હિંદુત્વ તરફ વાળવા પ્રયત્ન કરશે. એ રીતે હિંદુત્વની વોટબેંકને સાધવામાં આવશે અને બહુજન રાજનીતિના મજબૂત થઈ રહેલા ગઢમાં ગાબડાં પાડવામાં આવશે.
દલિતોને નહીં, સમજાવવાની જરૂર સવર્ણોને છે
અખાડાઓનું માનવું છે કે, આ પહેલ આગામી સમયમાં સમાજમાં જાતિ આધારિત ભેદભાવ ઘટાડવામાં મદદ કરશે. 370 દલિતોને સંતની પદવી આપવાથી ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતાની દિશામાં પણ મોટું પરિવર્તન આવશે.
આધારભૂત સૂત્રોના મતે, અખાડાના આ સંતોની પહેલને લઈને મીડિયામાં ભલે સમરસતાના દાવાઓ થઈ રહ્યાં હોય પરંતુ આખો મામલો દલિતોને હિંદુત્વ સાથે જોડી રાખવાનો છે. હાલ વધુને વધુ દલિતોનો ભાજપ-સંઘની જાતિવાદી રાજનીતિથી મોહભંગ થઈ રહ્યો છે. જે રીતે એસસી-એસટી એક્ટમાં ક્રિમીલેયર લાગુ કરાયું, તેમની અનામતમાં ભાગલા પડાયા, અનામતનો ક્વોટા ભરવામાં નથી આવતો, સરકારી ધંધા સંઘ સાથે જોડાયેલા સવર્ણ કોન્ટ્રાક્ટરોને આપી દલિતો-આદિવાસીઓની અનામતને ખતમ કરી દેવાઈ આ આખી ગેમ દલિતો સમજતા થઈ ગયા છે અને એટલે જ તેઓ ભાજપ-સંઘથી વિમુખ થઈ રહ્યાં છે. ભાજપ કે સંઘના નેતાઓ સીધા દલિતો વચ્ચે જઈને તેમની સાથે રહેવા સમજાવી શકે તેમ નથી. આથી તેમણે હવે દલિત સંતોને આગળ કરવાનો પેંતરો રચ્યો છે. સંઘ જેવા સંગઠનો સવર્ણોને તેમની જાતિવાદી માનસિકતા બદલવા સમજાવતા નથી, તેઓ દલિતો સાથે રખાતી અસ્પૃશ્યતા દૂર કરવા, આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાથી દૂર રહે છે. ત્યારે જોવાનું એ રહેશે કે દલિતો તેમની આ ચાલને કેવી રીતે લે છે.
આ પણ વાંચો: દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે