અયોધ્યામાં દિવાળીની રાત્રે જ લાકડી-ધોકા વડે માર મારીને દલિત યુવકની ઘાતકી હત્યા

મનુવાદીઓની કથિત રામરાજ્યની નગરી અયોધ્યામાં દિવાળીના દિવસે જ એક દલિત યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

અયોધ્યામાં દિવાળીની રાત્રે જ લાકડી-ધોકા વડે માર મારીને દલિત યુવકની ઘાતકી હત્યા
Photo By Google Images

એક બાજુ અયોધ્યામાં કહેવાતો રામરાજ્યનો સમર્થક વર્ગ લાખો દિવડાં પ્રગટાવી દિવાળીની ઉજવણીમાં મગ્ન હતો, બીજી તરફ એ જ દિવાળીની રાત્રે લાકડીધોકાઓ વડે નિર્દયતાથી માર મારીને એક દલિત યુવક (18)ની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બિકાપુર કોતવાલી વિસ્તારના જલાલપુર માફી પિપરી તિરાહાના પ્રયાગરાજ હાઈવે પાસે બની હતી. યુવકની હત્યા કર્યા બાદ તેની લાશ અહીં ચાલતી કાશી જલપાનની દુકાન પાછળ ફેંકી દીધી હતી. મૃતક યુવકની ઓળખ જલાલપુર માફી નિવાસી મુકેશ કુમાર રામદુલારે કોરી તરીકે થઈ છે.  

મીડિયા રિપોર્ટ પ્રમાણે મૃતક યુવક મુકેશ કુમાર ખાનગી ડ્રાઈવર હતો. દિવાળીના દિવસથી ત્રણ દિવસ પહેલા મુંબઈથી ઘરે આવ્યો હતો. દિવાળી (રવિવાર)ની રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં ઘરે વાત કર્યા બાદ તે રોજીંદા કામે નીકળી ગયો હતો અને મોડી રાત સુધી ઘરે પરત આવ્યો ન હતો. મૃતકના મોટા ભાઈ સુરેશ કુમારે જણાવ્યું કે રાત્રે લગભગ 1 વાગે ગામના એક યુવકે તેના મોબાઈલ પર ફોન કરીને માહિતી આપી કે તેનો નાનો ભાઈ મુકેશ કુમાર કાશી હોટલની પાછળ ઘાયલ હાલતમાં પડેલો છે.

ગંભીર રીતે ઘાયલ મુકેશ કુમારને ઘટનાસ્થળે પહોંચેલા પરિવારના સભ્યો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બીકાપુર લઈ ગયા. તપાસ બાદ ઈમરજન્સી ડોક્ટર ધર્મેન્દ્ર રંજને તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટર ધર્મેન્દ્ર રંજને જણાવ્યું કે યુવકના આખા શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા અને આખું શરીર કાળું થઈ ગયું હતું. માર માર્યા બાદ ગળુ દબાવીને યુવાનની હત્યા કરવામાં આવી હોવાના સંકેતો મળી રહ્યા છે. દિવાળીની રાત્રે હત્યા થયાની માહિતી મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

સોમવારે સવારે એસપી રૂરલ સિવાય સીઓ ડો.રાજેશ તિવારી, ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજેશ કુમાર રાય સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નિરીક્ષણ કર્યું અને ઘટનાની માહિતી લીધી હતી. સરપંચ મુકેશ નિષાદે જણાવ્યું કે મૃતકનું પૈતૃક ઘર કોતવાલી વિસ્તારના ઉસરી મનાપુર ગામમાં છે. આશરે 25 વર્ષ પહેલા મૃતકના પરિવારજનોએ જલાલપુર માફીમાં જમીન ખરીદી હતી અને અહીં કાયમી રહેઠાણ બનાવ્યું હતું.

મૃતક ત્રણ ભાઈમાં નાનો હતો અને ટ્રક ડ્રાઈવર હતો. દિવાળીના ત્રણ દિવસ પહેલા યુવાન મુંબઈથી દિવાળી માટે ઘરે આવ્યો હતો. મૃતક યુવકના પિતાનું અવસાન થયું છે. પરિવારમાં એક વૃદ્ધ માતા છે. પરિવાર એકદમ ગરીબ છે. સમાચારપત્રોમાં પ્રકાશિત અહેવાલો મુજબ પોલીસ ઓફિસર ડૉ.રાજેશ તિવારીએ જણાવ્યું કે હજુ સુધી ફરિયાદ મળી નથી. ફરિયાદના આધારે રિપોર્ટ દાખલ કરવામાં આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના ટૂંક સમયમાં બહાર આવશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આગળ વાંચોઃ આંધ્રપ્રદેશમાં સીધીકાંડ જેવી ઘટનાઃ 6 લોકોએ દલિત યુવકને માર મારી માથે પેશાબ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.