ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લોકોનો મોળો પ્રતિસાદ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સરકારે શરતોને આધિન દારૂના સેવનની છૂટ આપી હતી. પણ તેને મોળો પ્રતિસાદ મળ્યો છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લોકોનો મોળો પ્રતિસાદ
image credit - Google images

ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ફક્ત એક જગ્યાએ શરતો સાથે દારૂ સેવનની ખુલ્લી છૂટ આપવામાં આવી છે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જ નહીં, દેશના પ્રથમ સ્માર્ટ સિટી એવા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરતોને આધીન રહીને દારૂ સેવનની મંજૂરી અપાઈ હતી. દારૂબંધીમાંથી મુક્તિ આપવાના કારણે ગિફ્ટ સિટી ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી. જો કે, સરકાર દ્વારા દારૂ સેવનમાંથી મુક્તિ અપાઈ છે તેમ છતાં ગિફ્ટસિટીમાં દારૂ સેવનને લઈને મોળો પ્રતિસાદ મળ્યો છે.

ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત, જી-20 જેવી વિવિધ મહત્વના કાર્યક્રમો ગાંધીનગરમાં યોજાઇ રહ્યા છે. ત્યારે વિદેશી મહાનુભાવોને દારૂ સેવનને લઈને સાચવવામાં મુશ્કેલઇ પડી રહી રહી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં બનેલી સ્માર્ટ સિટી ગિફ્ટસિટીમાં દેશની જ નહીં વિદેશી કંપનીઓએ પોતાની ઓફિસિસ શરૂ કરી છે. એટલે કે, ગુજરાતમાં વિદેશી બિઝનેસનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજયમાં દારૂબંધીને લગતા કેટલાક નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે. જેના અંતર્ગત ગત વર્ષના અંતમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં શરતોને આધીન દારૂસેવન માટે મુક્તિ આપવામાં આવી હતી. ગિફ્ટ સિટીમાં દારૂસેવન માટે મુક્તિ આપવાના રાજ્ય સરકારની મંજૂરીને લઈને તે સમયે વિવાદ પણ ઉઠ્યો હતો.

આ સમયે રાજ્ય સરકાર દ્વારા એવી દલીલ કરાઇ હતી કે, વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે. ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાના લાયસન્સ અપાયા હતા. આ દરમિયાનમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં સામે આવ્યું છે કે, ગિફ્ટસિટીમાં છેલ્લા ચાર મહિનામાં કેટલો દારૂ પીવામાં આવ્યો છે?

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગિફ્ટ સિટીમાં છેલ્લા ચાર મહિનામાં એટલે કે તા. 1 માર્ચ-2024 થી તા. 25 જૂન 2024 સુધીમાં કુલ 650 લિટર દારૂનું સેવન (વેચાણ) થયું હતું. જેમાંથી ફક્ત 450 લીટર બિયરનું સેવન (વેચાણ) થયું છે.

આ પણ વાંચો: જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?

ગિફ્ટસિટીમાં તા. 1 માર્ચથી માત્ર 500 કર્મચારીઓએ જ દારૂ સેવન માટેની પરમિટ માટે અરજી કરી છે. અને તેમને આ માટેની પરમિટ (લાઇસન્સ) આપવામાં આવી છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં અંદાજિત 24,000થી વધુ વ્યક્તિઓ કામ કરે છે. જ્યારે તા. 1 માર્ચથી માત્ર 250 મુલાકાતીઓ માટેની પરમિટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના નશાબંધી વિભાગ દ્વારા ગિફ્ટસિટીમાં ગત તા. 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના આંકડા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. સરકારના આંકડા પરથી એવું સામે આવ્યું છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ સેવનની ખુલ્લેઆમ છૂટછાટ અપાઈ હોવા છતાં અહીં એટલી માત્રમાં દારૂનું સેવન કે વેચાણ થયું નથી.

આ નિયમોને કારણે દારૂ સેવન કે વેચાણ ઓછું થયું?

ગિફ્ટ સિટીના પરમિટ સાથે દારૂ સેવનની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. ઓછા દારૂ સેવન કે વેચાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગિફ્ટ સિટીની અંદર વેચાતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનો કરતા ત્રણ ગણી વધારે છે. બીજું મોટું કારણ એ છે કે, મહેમાન (વિઝિટર)ની સાથે યજમાન (હોસ્ટ)નું દરેક સમયે સાથે હોવું જરૂરી છે. અહીં હોસ્ટ એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી છે. તેથી વિઝિટરે પણ ગિફટસિટીમાં દારૂ સેવન માટે વધુ રસ દાખવ્યો નથી. જેના કારણે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને ખૂબ જ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આ આંકડાઓ સાબિત કરી રહ્યાં છે. સરકારે છૂટછાટ તો આપી દીધી છે પણ દારૂ સેવનમાં કે વેચાણમાં ગુજરાતીઓએ રસ દાખવ્યો નથી.

આ ગાઈડલાઇન પણ અવરોધરૂપ બની

રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ સેવન અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂ સેવનની મંજૂરી આપવામા આવી છે. જેથી બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો અહી એટલે કે, ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહિ કરી શકે. ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટસિટીમાં દારૂનું સેવન શકશે નહિ.

આ પણ વાંચો: હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.