12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત

તાંત્રિક વિધિથી લોકોના રૂપિયા ચાર ગણા કરી આપવાની લાલચ આપી અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર વઢવાણના ભૂવાનો ચકચારી ખેલ.

12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત
image credit - Google images

તાંત્રિક વિધિ કરીને લોકોના પૈસા ચાર ગણા કરી આપવાની લાલચ આપી તેમને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી, રૂપિયા લઈ ફરાર થઈ જનાર કથિત ભૂવાનું મોત થયું છે. મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના નવલસિંહ ચાવડા નામના આ કથિત ભૂવાને સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલા એક વ્યક્તિને આ જ મોડસ ઓપરેન્ડીથી મોતને ઘાટ ઉતારવાના કાવતરા સબબ ઝડપી પાડ્યો હતો. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં હતો અને તેના રિમાન્ડ ચાલી રહ્યા હતા. એ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. ગઈકાલે પોલીસ કસ્ટડીમાં અચાનક તેની તબિયલ લથડતા લોક અપમાં જ ઢળી પડ્યો હતો અનો ઉલટી કર્યા બાદ મોતને ભેટ્યો હતો. આરોપી કથિત ભૂવા નવલસિંહે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે અત્યાર સુધીમાં તેણે તાંત્રિક વિધિના નામે 12 લોકોની હત્યા કરી નાખી હતી.

તાંત્રિક વિધિથી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપતો

આરોપી નવલસિંહ ચાવડા પૈસાદાર લોકોને શીંશામાં ઉતારતો હતો અને તેમને તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપતો હતો. આ રીતે તેણે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં અનેક લોકોને છેતર્યા હતા. અમદાવાદમાં તેણે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તેણે તાંત્રિક વિધિના નામે સોડિયમ નોઇટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાને મસાણી મેલડી માતાનો ભૂવો કહેતો નવલસિંહ આ રીતે અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો, તેવી તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. છેલ્લે તેણે તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકને લૂંટી લીધો હતો અને બાદમાં તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સમયસર પહોંચી જતા ફેક્ટરી માલિકનો આબાદ બચાવ થયો હતો.

મામલો શું હતો? 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને કથિત ભૂવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ કરીને તેમના રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. આ માટે નવલસિંહે ફેક્ટરીના માલિકને 1લી ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળું પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી નવલસિંહ બધાં રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો.

પરંતુ નવલસિંહના જ એક મિત્રએ પોલીસને આખા મામલાની જાણ કરી દેતા સરખેજ પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિક અભિજિતસિંહનો જીવ બચી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે નવલસિંહની ચાલમાં ફસાયેલો અભિજિતસિંહ તેનો કૌટુંબિક સંબંધી થાય છે.

મસાણી મેલડી નામે યુટ્યુબ ચેનલ ચલાવતો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભૂવો નવલસિંહ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી હતો અને લોકોમાં પોતાનો પ્રભાવ ઉભો કરવા માટે થઈને મસાણી મેલડી નામની યુટ્યૂબ ચેનલ ચલાવતો હતો. જેમાં તે આ જ પ્રકારના તંત્ર વિદ્યા અને મેલડી માતાની શક્તિના વીડિયો બનાવી પોતાને શક્તિશાળી ભૂવા તરીકે સ્થાપિત કરતો હતો. યુટ્યૂબ ચેનલના તેના વીડિયો જોઈને અનેક લોકો તેના પ્રભાવમાં આવી જતા હતા. થોડા દિવસ પહેલાં જ તે અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. તે વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો અને ત્યાં ભૂવા તરીકે તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. યુટ્યૂબ ચેનલમાં તે તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો.

ક્રાઈમ પેટ્રોલ શો જોઈને ગુનો શીખતો

સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નવલસિંહ જાણીતો ટીવી શો ક્રાઈમ પેટ્રોલ નિયમિત રીતે જોતો હતો અને તેમાંથી જ તે સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવાનું શીખ્યો હતો. તેણે કોઈ લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યુ હતું. તે તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપી પૈસાદાર લોકોને મોટી રકમ લઈને અવાવરૂ જગ્યાએ બોલાવતો. જ્યાં તે વિધિના બહાને તેમને સોડિયમ નાઈટ્રેટ પીવડાવી દેતો, જેથી તે વ્યક્તિનું મોત થઈ જતું અને નવલસિંહ રૂપિયા લઈને ફરાર થઈ જતો. વિધિ પહેલા તે વ્યક્તિ પાસેથી મોતને લઈને ચિઠ્ઠી લખાવી લેતો હતો, જે પછી મરનાર વ્યક્તિના ખિસ્સામાં મૂકી હત્યાને આપઘાતમાં ખપાવી દેતો. આ રીતે તે 12 જેટલી હત્યાઓ કરી ચૂક્યો હોવાનું કબૂલ્યું હતું. તેણે અભિજિતસિંહ રાજપૂતને રૂ. 15 લઈને વિધિ માટે બોલાવ્યો હતો. જો કે તેના સાથીએ પોલીસને આખા મામલાની જાણ કરી દેતા નવલસિંહનો ભાંડો ફૂટી ગયો હતો અને સરખેજ પોલીસે તેને ઝડપી લીધો હતો. હવે તે ખુદ ગુના કબૂલ કર્યા બાદ વોમીટ થતા મોતને ભેટ્યો છે.

બહુજન સમાજે આમાંથી શું શીખવાનું છે?

આ ઘટનામાંથી બહુજન સમાજના લોકોએ એટલું જ શીખવાનું કે તાંત્રિક વિધિ એક પ્રકારની અંધશ્રદ્ધા છે, તેનાથી કદી કોઈનું ભલું કે બુરું કરી શકાય નહીં. તે મનુવાદીઓના ભગવાન જેવું જ છળકપટ છે. તેમાં પડવું નહીં, કહેવાતા ભૂવાઓ જો રૂપિયા ચાર ગણાં કરી શકતા હોય તો તેઓ ખુદ કેમ માંગતા ફરે છે? તેમનો પરિવાર કેમ કામ ધંધા કરીને ઘર ચલાવે છે. કેમ મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી તેમનાથી વધારે પૈસાદાર છે? ઈશ્વરી શક્તિ જેવું કશું હોતું નથી, તમારે તમારો ઉદ્ધાર જાતે કરવાનો છે અને તેના માટે લક્ષ્ય નક્કી કરી યોગ્ય દિશામાં મહેનત કરીને ફળ મેળવી શકાય છે, નહીં કે નવલસિંહ જેવા ઢોંગી તાંત્રિકો કે ભૂવાઓ પાસે વિધિ કરાવવાથી

આ પણ વાંચો: વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.