VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી
દેશના ન્યાયતંત્રમાં RSSની વિચારધારામાં માનતા જજો હવે ખૂલીને સામે આવી રહ્યાં છે. અગાઉ એક જજે કોર્ટમાં સંઘની પ્રશંસા કરી હતી, હવે આ જજ તેનાથી એક ડગલું આગળ ગયા છે.
અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ શેખર કુમાર યાદવ ગઈકાલે 8 ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, પરંતુ તેઓ ઈચ્છે છે કે તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ભારત છે અને તે તેની બહુમતી વસ્તીની ઈચ્છા અનુસાર ચાલશે.
આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમાર યાવદ(Justice Shekhar Kumar Yadav) એ વધુમાં કહ્યું કે, "અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખ જોઈ અમને દુઃખ થાય છે. પણ તમને એવું નથી લાગતું. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો ત્યારે તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?"
એક મીડિયા રિપોર્ટ મુજબ તેણે ભારતની બહુમતી વસ્તી વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને તે પોતાની બહુમતી વસ્તીની ઈચ્છા પ્રમાણે ચાલશે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?
હિંદુ રીતિ-રિવાજો અને મહિલાઓના આદર અંગે તેમણે કહ્યું હતું કે, "અમને એવી અપેક્ષા નથી કે તમે લગ્ન કરતી વખતે અગ્નિની આસપાસ સાત ફેરા લેશો. અમે અપેક્ષા નથી રાખતા કે તમે ગંગામાં ડૂબકી મારશો. પરંતુ અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તમે દેશની સંસ્કૃતિ, દેવતાઓ અને મહાન નેતાઓનો અનાદર ન કરો. હિંદુ શાસ્ત્રો અને વેદોમાં દેવી ગણાતી સ્ત્રીનું તમે અપમાન ન કરી શકો."
ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં VHP legal cell દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જસ્ટિસ શેખર કુમાર યાદવે 'UCCની બંધારણીય આવશ્યકતા' વિશે વાત કરી. એ દરમિયાન જસ્ટિસ શેખર કુમારે કહ્યું હતું કે, "તમે ચાર પત્નીઓ રાખવાનો, હલાલા કરવાનો અથવા ટ્રિપલ તલાકના હકનો દાવો ન કરી શકો. મહિલાઓને ભરણપોષણ આપવાનો ઇનકાર અને અન્ય પ્રકારનો અન્યાય કામ કરશે નહીં. શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સંમતિ આપી હતી કે પીડિત છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ ભથ્થું આપવામાં આવે. પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે કેટલાક લોકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું."
જસ્ટિસ શેખર કુમારે વધુમાં કહ્યું કે હિંદુ સમાજે સતી પ્રથા અને બાળ વિવાહ સહિત અનેક ખરાબ પ્રથાઓમાંથી મુક્તિ મેળવી છે. ભૂલો સ્વીકારીને સમયસર સુધારી લેવામાં કંઈ ખોટું નથી. હિંદુ હોવાને કારણે તે પોતાના ધર્મનું સન્માન કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમની અન્ય ધર્મો કે આસ્થાઓ પ્રત્યે દુર્ભાવના છે.
આ પણ વાંચોઃ "હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ
UCC પર વાત કરતા તેણે કહ્યું, "યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની હિમાયત કરનાર માત્ર RSS, VHP કે હિન્દુઓ જ નથી. દેશની સર્વોચ્ચ અદાલત પણ આનું સમર્થન કરે છે. જો કે, તેણે વધુમાં કહ્યું કે તેમણે જે કહ્યું તે કોઈ ખાસ ધર્મ માટે નથી. આ આપણા બધાં પર લાગુ પડે છે. દરેક ધર્મે પોતે બધી ખોટી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો દેશ તમામ નાગરિકો માટે સમાન કાયદા લાવશે."
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 2025માં તેનું શતાબ્દી વર્ષ ઉજવશે. સાથે જ એ પણ જણાવ્યું કે કેવી રીતે સંઘ પરિવાર અને તેની પાંખ VHP 'મહત્વપૂર્ણ મુદ્દાઓ' પર કામ કરી રહી છે. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પણ પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે આ વાત કરવા પર તેમન કોઈ સવાલ નહીં કરી શકે. કારણ કે તેઓ કાયદાની વાત કરી રહ્યા છે અને મીડિયા આ ભાષણમાં જે ઈચ્છે તે છાપી શકે છે. આ કાર્યક્રમમાં અન્ય એક સિટીંગ જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું પરંતુ ત્યાં કોઈ ભાષણ આપ્યું ન હતું.
આ પણ વાંચોઃ નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...