SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ મુદ્દે માયાવતીએ શું કહ્યું?
એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે બસપા સુપ્રિમોએ આખરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. વાંચો બહેનજીએ શું કહ્યું.
SC, ST અનામતમાં અનામતના નિર્ણય સામે સમગ્ર બહુજન સમાજ જેમના તરફ આશા ભરી મીટ માંડીને જોઈ રહ્યો હતો તે બસપા સુપ્રીમો માયાવતીએ અંતે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. બહેનજીએ કહ્યું છે કે, સામાજિક દમનની સરખામણીમાં રાજકીય દમન કંઈ જ નથી. અને અનામતમાં ભાગલા પાડવા યોગ્ય નથી.
કોર્ટે એસસી/એસટી જાતિઓમાં પેટા-શ્રેણીને પણ મંજૂરી આપતા કહ્યું છે કે પછાત જાતિઓમાં પણ પેટા-શ્રેણી બનાવવી જોઈએ અને ક્વોટાની અંદર ક્વોટા આપવો જોઈએ. આ ઉપરાંત ઘણી એવી જ્ઞાતિઓ છે જે હજુ પણ ખૂબ પછાત છે અને ક્વોટા હોવા છતાં તેઓ પ્રગતિ કરી શકી નથી. જેની સામે બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
બહેનજીએ કહ્યું છે કે, "સામાજિક દમનની સરખામણીમાં રાજકીય દમન કંઈ નથી. શું દેશના કરોડો દલિતો અને આદિવાસીઓનું જીવન દ્વેષ અને ભેદભાવ મુક્ત, આત્મસન્માન અને સ્વાભિમાની બની શક્યું છે? જો ના, તો જાતિના કારણે તોડવા અને પછાડવામાં આવેલા આ વર્ગો વચ્ચે અનામતમાં ભાગલા પાડવા કેટલા યોગ્ય છે?"
આ પણ વાંચો: અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં બસપા સુપ્રીમોએ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોની આકરી ઝાટકણી કાઢતા લખ્યું હતું કે, "દેશના એસસી, એસટી અને ઓબીસી બહુજનો પ્રત્યો કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો અને તેમની સરકારોનું વલણ ઉદારવાદી રહ્યું છે, સુધારાવાદી નહીં. તેઓ તેમના સામાજિક પરિવર્તન અને આર્થિક સ્વતંત્રતાના પક્ષધર નથી. નહીંતર બહુજન સમાજની અનામતને બંધારણની 9મી સૂચિમાં સામેલ કરીને તેનું રક્ષણ ચોક્કસ કર્યું હોત."
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ૭ જજોની બંધારણીય બેંચે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતમાં પણ અનામતનો ભાગલાવાદી નિર્ણય સંભળાવ્યો છે. સીજેઆઈ ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે ત્રણ દિવસ સુધી સુનાવણી કર્યા બાદ આ વર્ષે ૮ ફેબ્રુઆરીએ આ મામલો પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે સાત ન્યાયાધીશોની આ બેન્ચમાં ૬ ન્યાયાધીશો સમાન અભિપ્રાય ધરાવતા હતા, જ્યારે એક જસ્ટિસ બેલા એમ ત્રિવેદી આ નિર્ણયની વિરુદ્ધ હતા.
આ સમગ્ર ચૂકાદાને બહુજન સમાજના લોકો એક કાવતરા તરીકે જોઈ રહ્યા છે. સમગ્ર દલિત અને આદિવાસી સમાજમાં ભારે રોષ છે. બહુજન સમાજનો બૌદ્ધિક વર્ગ તેને મનુવાદીઓના ષડયંત્ર તરીકે આ બંને સમાજને અંદરોઅંદર લડાવીને છેલ્લે અનામત જ ખતમ કરી દેવાના કાવતરા તરીકે જોઈ રહ્યો છે. આ મામલે સમગ્ર દેશના એસસી, એસટી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જોવાનું એ રહેશે કે, બહુજન સમાજની રાજનીતિ કરતો બહુજન સમાજ પક્ષ આ મામલે આગામી દિવસોમાં શું નિર્ણય લે છે.
આ પણ વાંચો: BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC-ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી