હરણી બોટકાંડ બાદ સરકારે શાળા પ્રવાસની નવી માર્ગદર્શિકા જાહેર કરી
શાળાઓએ પ્રવાસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને પોલીસ મથકને જાણ કરવાની રહેશે. જાણો બીજી શું જોગવાઈ કરાઈ.
વડોદરાના હરણી બોટ કાંડની ઘટના બાદ રાજ્યની શાળાઓમાં પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા અંતર્ગત પ્રવાસ યોજતાં પૂર્વે જે તે શાળાએ શિક્ષણાધિકારી, આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ મથકને જાણ કરવાની રહેશે. રાજ્ય બહારના પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી અને વિદેશ પ્રવાસ માટે પ્રાથમિક નિયામકની મંજૂરી લેવી પડશે.
રાજ્યમાં થોડા મહિનાઓ અગાઉ વડોદરા ખાતેના હરણી તળાવના પ્રવાસે આવેલી શાળાના બાળકોની બોટ પલટી જતાં ૧૨ વિદ્યાર્થી અને ૨ શિક્ષક સહિત ૧૪ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ ઘટનાના કારણે રાજયભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. વડોદરાના હરણી બોટ કાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ભારે ગંભીર નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવાસ પર રોક લગાવવામાં આવી હતી. તેમ છતાં અનેક શાળાઓ દ્વારા પ્રવાસ યોજવામાં આવી રહ્યા હતા. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા શાળાના પ્રવાસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં નવા નિયમો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યની કોઈ પણ શાળાએ પ્રવાસ યોજવા માટે શિક્ષણાધિકારી, આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણીકાંડની ઘટના બાદ પ્રવાસ પર રોક લગાવવામાં આવી હોવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવાયા છે. ત્યારે ભવિષ્યમાં આવી અન્ય કોઇ દુર્ઘટના ન બને તેને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારને પ્રવાસ અંગેની નવી માર્ગદર્શિકા સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જે તે શાળાઓએ પ્રવાસ યોજવા માટે સૌ પ્રથમ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે. ત્યાર બાદ ફરજિયાત પણે 15 દિવસ અગાઉ આરટીઓ કચેરીમાં તેમજ સ્થાનિક પોલીસ મથકમાં પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે.
જો શાળા દ્વારા રાજ્યની અંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. પરંતુ રાજ્ય બહારના પ્રવાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હશે તો તે માટે શાળાએ રાજ્યના નિયામક, પ્રાથમિક શિક્ષણ કચેરીમાં જાણ કરવાની રહેશે. જેના થકી શાળાઓના પ્રવાસના તમામ આયોજન વ્યવસ્થિત રીતે થાય અને ભવિષ્યમાં થનાર કોઇ અણબનાવ કે દુર્ઘટનાને અટકાવી શકાય તેમ જણાવાયું છે.
જ્યારે રાજ્યની કેટલીક શાળાઓ દ્વારા વિદેશ પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શાળાના આવા વિદેશ પ્રવાસ માટે રાજ્યના શિક્ષણ વિભાગને 15 દિવસ અગાઉ શાળાએ જાણ કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, થોડા સમય અગાઉ વડોદરા શહેરના હરણી તળાવમાં શાળાના પ્રવાસ દરમિયાન બોટની સહેલગાહ સમયે બોટ પલટી ગઈ હતી. જેમાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકો સહિત ૧૪ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ હરણી બોટ દુર્ઘટના કાંડ બાદ સરકાર દ્વારા રાજયમાં શાળાઓના પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, હવે શાળાઓએ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાના આધારે અને નવા નિયમોના પાલન સાથે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.
આ પણ વાંચો: હરણી હોનારતઃ 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, સેવઉસળની લારી ચલાવતો શખ્સ બોટ ચલાવતો હતો