હરણી હોનારતઃ 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, સેવઉસળની લારી ચલાવતો શખ્સ બોટ ચલાવતો હતો

વડોદરામાં મોરબી બ્રીજકાંડ જેવી જ કરૂણાંતિકા ઘટી છે, જેમાં 14 બાળકો મોતને ભેટ્યાં છે. મોટાભાગના બાળકો મુસ્લિમ સમાજમાંથી આવતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે અને સરકારે દરવખતની જેમ સહાય જાહેર કરીને સંતોષ માની લીધો છે.

હરણી હોનારતઃ 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, સેવઉસળની લારી ચલાવતો શખ્સ બોટ ચલાવતો હતો
all images by Google images

Vadodara boat tragedy: ગુજરાતમાં મોરબી બ્રીજ કાંડ જેવી જ કરૂણાંતિકા વડોદરામાં બની છે. અહીંની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે ગયા હતા. જ્યાં ક્ષમતા કરતા વધુ બાળકોને હોડીમાં બેસાડાતા બોટ ઊંધી વળી ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 2 શિક્ષિકાઓ અને 14 વિદ્યાર્થીઓ સહિત કુલ 16ના મોતથી વડોદરા અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં મોટાભાગના બાળકો મુસ્લિમ સમાજમાંથી આવતા હોવાનું જણાય છે. ઘટનામાં પીપીપી ધોરણે જેને કોન્ટ્રાક્ટ અપાયો હતો તે કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડની ઘોર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે બોટની ક્ષમતા 12ની હોવા છતાં 27 લોકોને બેસાડ્યા હતા. એટલું જ નહીં મોટાભાગના લોકોને લાઈફ જેકેટ પણ નહોતું પહેરાવ્યું. હરણી તળાવમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના શખ્સને આપવામાં આવ્યો હતો.


મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. 


સેવઉસળની લારી ચલાવતો શખ્સ બોટ ચલાવતો હતો
હરણીની કરૂણાંતિકામાં ચોંકાવનારી માહિતી એ પણ મળી રહી છે કે બોટ સેવઉસળની લારી ચલાવતો શખ્સ ચલાવી રહ્યો હતો. બોટ ઊંધી પડી જવાની જાણકારી મળતા જ કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર થઈ ગયો છે.


મૃતક વિદ્યાર્થીઓના નામ 
•    સકીના શેખ
•    મુઆવજા શેખ
•    આયત મન્સૂરી
•    અયાન મોહમ્મદ ગાંધી
•    રેહાન ખલીફા
•    વિશ્વા નિઝામ
•    જુહાબિયા સુબેદાર
•    આયેશા ખલીફા 
•    નેન્સી માછી
•    હેત્વી શાહ 
•    રોશની સૂરવે 
•    મૃતક શિક્ષિકાઓ 
•    છાયા પટેલ
•    ફાલ્ગુની સુરતી 


રાષ્ટ્રપતિ, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટનાની જાણ થતા જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ મૃતકના પરિજનોને PM રાહત ભંડમાંથી 2 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય જાહેર કરાઈ છે. 


મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
હરણી તળાવમાં બનેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16ના મોત થયા છે. જેમાં 2 શિક્ષિકાઓ અને 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હજુ પણ 6 જેટલા બાળકો લાપતા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે અને બચી ગયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હરણી તળાવે ઘટના સ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીએ જાનવી હોસ્પિટલની જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ સયાજી હોસ્પિટલની મુલાકાત લઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.


5 લોકો સામે સાપરાધ માનવવધની ફરિયાદ નોંધાઈ
મળતી વિગતો પ્રમાણે હરણી પોલીસ સ્ટેશનમાં વડોદરા હોનારત મામલે 5 લોકો સામે સાપરાધ માનવવધની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 304, 337, 308 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જો કે મુખ્ય આરોપી એવો કોઠીયા કંપનીનો માલિક પરેશ શાહ ફરાર થઈ ગયો છે. જેને પોલીસ શોધી રહી છે. આ મામલે હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે કોઈને પણ છોડવામાં નહીં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાની તપાસ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય કર્યો છે, જે 10 દિવસમાં વિગતવાર તપાસ કરીને રાજ્ય સરકારને સમગ્ર ઘટનાનો અહેવાલ આપશે. ગુનેગારોને પકડવા માટે 9 ટીમો બનાવવામાં આવી છે.


6 વિદ્યાર્થીઓ, 1 શિક્ષક હજુ પણ લાપતા
હરણી તળાવમાં બનેલી આ દુર્ઘટનામાં રૅસક્યૂ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જો કે હજુ પણ આ લખાઈ રહ્યું છે ત્યારે 6 બાળકો અને 1 શિક્ષક લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા આટલી ઠંડી વચ્ચે પણ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.