હિંડનબર્ગે અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દીધું, અબજોનો ફટકો પડ્યો
હિંડનબર્ગના નવા રિપોર્ટે ફરી એકવાર અદાણી ગ્રુપનું સામ્રાજ્ય હચમચાવી દેતા અબજો રૂપિયાનો ફટકો માર્યો છે. વાંચો કેટલું નુકસાન થયું.
ફિલ્મોમાં તમે જેને હીરો માનીને જોતા હો, એજ વ્યક્તિ છેલ્લે વિલન નીકળે તો કેવો આંચકો લાગે? કંઈક આવું જ હાલ ભારતના શેરબજારમાં જોવા મળી રહ્યું છે. ભારતમાં શેરબજાર પર નિયંત્રણ રાખવાની જેની જવાબદારી છે તે SEBI ના ચેરપર્સને જ અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી કર્યાનો હિંડનબર્ગે ધડાકો કરતા ભારત જ નહીં, દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ બાદ ફરીથી એકવાર એક રિપોર્ટ બહાર પાડીને ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વખતે નિશાના પર સેબીના ચેરપર્સનલ માધવી પુરી બુચ હતા. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચેના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. સેબી પ્રમુખ પર આરોપ લગાવ્યા કે તેમણે પોતાના અંગત ફાયદા માટે અદાણી સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરો પર નિગેટિવ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ અદાણીના ૧૦ શેર તૂટ્યા. તૂટતા શેર અને ઘટતી માર્કેટ કેપે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ કડાકો બોલાવી દીધો છે.
હિંડનબર્ગના રિપોર્ટમાં સેબી પ્રમુખ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર અદાણી સમૂહને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો. અદાણી સમૂહને લઈને હિંડનબર્ગે સેબી ચીફના આરોપોની યાદી પણ બહાર પાડી દીધી. જેની અસર અદાણીના શેરો અને ગૌતમ અદાણીની સંપત્તિ પર જાેવા મળી.
આ પણ વાંચો: ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?
હિંડનબર્ગના રિપોર્ટના કારણે ગૌતમ અદાણી સોમવારે દુનિયાના ટોપ લૂઝર બિલિયોનર્સની યાદીમાં બીજા નંબરે રહ્યા. એક જ ઝટકામાં તેમની સંપત્તિ ૧.૪૧ અબજ ડોલર એટલે કે લગભગ ૧,૧૮,૩૬,૩૫,૭૮,૦૦૦ રૂપિયા ઘટી ગઈ. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ગણતરીના કલાકોમાં ઘટીને ૧૦૪ અબજ ડોલર પર પહોંચી ગઈ.
આ અગાઉ ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જ્યારે પહેલીવાર હિંડનબર્ગે અદાણીની કંપનીઓ પર એકાઉન્ટિંગ હેરાફેરી અને શેરોની ઓવરપ્રાઈઝિંગ અંગે લાંબો લચક રિપોર્ટ બહાર પાડ્યો હતો તો બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી. અદાણીના શેરો ધડામ થયા હતા. બજારમાં ભારે ભૂકંપ સર્જાયો હતો. અદાણીના શેર ૬૫ ટકા સુધી તૂટ્યા હતા. કંપનીની માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલર સુધી સરકી ગઈ હતી. અદાણીની સંપત્તિ એટલી ઘટી ગઈ કે જે એક સમયે દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ હતા તેઓ ટોપ ૩૦માંથી પણ બહાર થઈ ગયા. જો કે આ વખતના રિપોર્ટની અસર શેરબજાર પર તો બહુ જોવા મળી નહીં. અદાણીના શેરો ઉપર પણ તેની મામૂલી અસર જોવા મળી.
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે સેબી પ્રમુખ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી છે. હિંડનબર્ગના આરોપોની અસર સોમવારે અદાણીના શેરો પર જોવા મળી હતી. શરૂઆતના કલાકોમાં અદાણીના શેર ૧૭ ટકા સુધી તૂટ્યા હતા. સૌથી વધુ નુકસાન અદાણી એનર્જીને થયું છે. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર ૧૩.૩૯ ટકા તૂટ્યા હતા. એ જ રીતે અદાણી પાવર ૧.૨૧ ટકા, અદાણી ગેસ ૩.૯૫ ટકા અને અદાણી પોર્ટ્સ ૨.૩૩ ટકા સુધી તૂટ્યા હતા. આ બધું મળીને અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો