EVM-VVPAT ની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં શું દલીલો થઈ?

સુપ્રીમ કોર્ટ હાલ EVM અને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના ૧૦૦ ટકા ક્રોસ ચેકિંગની માંગ પર સુનાવણી કરી રહી છે. ત્યારે આજે શું દલીલો થઈ તે જોઈએ.

EVM-VVPAT ની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં શું દલીલો થઈ?

સુપ્રીમ કોર્ટ હાલ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના ૧૦૦ ટકા ક્રોસ ચેકિંગની માંગ પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) સંસ્થા દ્વારા કરવામાં આવેલી અરજી ઉપરાંત અન્ય અરજીઓ પર દલીલો સાંભળી રહી છે. સુનાવણીની શરૂઆતમાં કોર્ટે કહ્યું કે આ એક ચૂંટણી પ્રક્રિયા છે. તેમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈએ ડરવું જોઈએ નહીં કે જે અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી. કોર્ટે ચૂંટણી પંચને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવ્યું હતું. અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકરનારાયણ, નિઝામ પાશા અને સંજય હેગડે હાજર રહ્યા હતાં.

એક અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ નિઝામ પાશાએ કહ્યું કે મતદારને VVPAT સ્લિપ એકત્રિત કરવાની અને મતદાન કર્યા પછી તેને મતપેટીમાં જમા કરવાની મંજૂરી આપવી જોઈએ. આના પર જસ્ટિસ ખન્નાએ પૂછ્યું કે શું આવી પ્રક્રિયાથી મતદાતાની ગોપનીયતા પર અસર નહીં થાય? જેના જવાબમાં પાશાએ કહ્યું કે મતદાતાની ગોપનીયતા કરતા મત આપવાનો અધિકાર વધુ મહત્વપૂર્ણ છે.

એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે VVPAT મશીનની લાઈટ હંમેશા ચાલું રહેવી જોઈએ. અત્યાર સુધી તે લગભગ ૭ સેકન્ડ સુધી ચાલું રહે છે. જો તે લાઈટ હંમેશા ચાલુ હોય તો મતદાર સમગ્ર કામગીરી જોઈ શકે છે. તેમણે કેરળના એક અખબારમાં છપાયેલા સમાચારને ટાંક્યાં હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેરળના કાસરગોડમાં મોક પોલ દરમિયાન ચાર ઈવીએમમાં ભાજપ માટે વધારાનો વોટ નોંધાઈ રહ્યો હતો. કોર્ટે વકીલ મનિન્દર સિંહને આ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. 

અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે મતગણતરી પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા ઉમેરવા માટે અલગ ઓડિટ હોવું જોઈએ. મતદાનની પ્રક્રિયાને સમજાવતા ચૂંટણી પંચે કહ્યું કે ઈવીએમનું કંટ્રોલ યુનિટ વીવીપેટ યુનિટને તેની પેપર સ્લિપ પ્રિન્ટ કરવાનો આદેશ આપે છે. આ સ્લીપ સીલબંધ બોક્સમાં પડે તે પહેલા મતદાર સાત સેકન્ડ માટે જોઈ શકે છે. વોટિંગ પહેલા એન્જિનિયરોની હાજરીમાં મશીનોની તપાસ કરવામાં આવે છે.

જ્યારે કોર્ટે પૂછ્યું કે શું પ્રિન્ટરમાં કોઈ સોફ્ટવેર છે, તો ચૂંટણી પંચે નકારાત્મક જવાબ આપતા જણાવ્યું કે દરેક પીએટીમાં ૪ મેગાબાઈટ્‌સ ફ્લેશ મેમરી હોય છે, જેમાં સિમ્બોલ સ્ટોર કરવામાં આવે છે. રિટર્નિંગ ઓફિસર ઈલેક્ટ્રોનિક બેલેટ પેપર તૈયાર કરે છે, જે સિમ્બોલ લોડિંગ યુનિટમાં લોડ થાય છે. તે સિરીયલ નંબર, ઉમેદવારનું નામ અને પ્રતીક જેવું બધું જ જણાવે છે. કંઈપણ પ્રિલોડ થયેલું હોતું નથી. તેમાં કોઈ ડેટા નથી, તે ઇમેજ ફોર્મેટ છે.

આ પણ વાંચો:સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથી: પ્રશાંત ભૂષણ

જ્યારે કોર્ટે પૂછ્યું કે મતદાન માટે કેટલા પ્રતીક લોડિંગ યુનિટ બનાવવામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી પંચના અધિકારીએ જવાબ આપ્યો કે સામાન્ય રીતે એક મતવિસ્તારમાં એક અને તે મતદાનના નિષ્કર્ષ સુધી રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ રહે છે. કોર્ટે પછી પૂછ્યું કે શું કોઈ ચેડાં ન થાય તેની ખાતરી કરવા માટે આ યુનિટને સીલ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં ચૂંટણી પંચે જવાબ આપ્યો કે હાલમાં આવી કોઈ પ્રક્રિયા નથી.

ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે તમામ વોટિંગ મશીન મોક પોલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. મતદાનના દિવસે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. ફફઁછ્‌ સ્લિપ કાઢવામાં આવે છે, ગણાય છે અને ટેલી કરવામાં આવે છે. તમામ મશીનોમાં વિવિધ પ્રકારની પેપર સીલ હોય છે. જ્યારે મશીન ગણતરી માટે આવે ત્યારે સીલ નંબર આપી શકાય છે.

જ્યારે કોર્ટે પૂછ્યું કે મતદાર કેવી રીતે તપાસ કરી શકે છે કે તેનો મત પડ્યો છે, તો અધિકારીએ જવાબ આપ્યો કે ચૂંટણી સંસ્થા આ માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવે છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે મતવિસ્તારોને વોટિંગ મશીન ફાળવવામાં આવે છે. કોઈપણ ડુપ્લિકેટ એકમો તેમની સાથે લિંક કરી શકાતા નથી.

ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે વોટિંગ મશીન ફર્મવેર પર ચાલે છે અને પ્રોગ્રામ બદલી શકાતો નથી. મશીનો સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવે છે જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં લોક કરી દેવામાં આવે છે. કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલે ઓગસ્ટ ૨૦૨૩માં અરજી દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે વીવીપેટ સ્લિપનું ૧૦૦% વેરિફિકેશન થવું જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને વીવીપેટ સ્લિપની ફિઝિકલ રીતે ચકાસણી કરવાની તક આપવી જોઈએ. મતદારોને પોતાની સ્લીપ મતપેટીમાં જાતે જ દાખલ કરવાની સુવિધા હોવી જોઈએ. આનાથી ચૂંટણીમાં ગેરરીતિની શક્યતા ખતમ થઈ જશે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કેરળમાં મોક પોલ દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ભાજપની તરફેણમાં વધુ મતો નોંધાયા હોવાના આરોપોની તપાસ કરવા જણાવ્યું હતું. જસ્ટિસ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને મૌખિક સૂચના આપી હતી. આ પછી ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે અને ઈવીએમમાં ગેરરીતિ સંબંધિત સમાચારોને ખોટા ગણાવ્યા છે. ચૂંટણી પંચના અધિકારીએ કોર્ટને જણાવ્યું કે કાસરગોડમાં ઈવીએમમાં ગેરરીતિના અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટમાં ન્યૂઝ રિપોર્ટ બતાવ્યો હતો કે મોક ડ્રીલ દરમિયાન દરેક વધારાનો વોટ ભાજપની તરફેણમાં જોવા મળ્યો હતો.

અગાઉ, વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું હતું કે કોર્ટ આ ચૂંટણી માટે સુરક્ષાના પગલાઓ પર વિચાર કરી શકે છે અને અન્ય મુદ્દાઓ પર પછીથી વિચારણા કરી શકે છે, કારણ કે આવી અરજીઓનો નિર્ણય ચૂંટણીની ખૂબ જ નજીક આવે છે, ગણતરી તરત જ કરવામાં આવે છે જ્યારે તેના ઓડિટમાં સમય લાગી શકે છે. અલગ ઓડિટ હોવું જોઈએ, જે મતગણતરી પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા પણ લાવશે.

આ પણ વાંચો:શું EVMમાં ખરેખર ચેડાં થઈ શકે છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.