સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથી: પ્રશાંત ભૂષણ

સુપ્રીમ કોર્ટમાં આજે સો ટકા EVM-VVPT વેરિફીકેશન મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી પર 2 કલાક સુનાવણી યોજાઈ હતી. જાણો તેમાં શું થયું.

સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથી: પ્રશાંત ભૂષણ

સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે સો ટકા EVM-VVPT વેરિફીકેશન મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી પર 2 કલાક સુનાવણી યોજાઈ હતી. જેમાં કાયદા જગતના ધુરંધરોએ ઈવીએમને લઈને અનેક તર્કબદ્ધ દલીલો કરી હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્સ(ADR) વતી કોર્ટમાં હાજર રહેલા સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું હતું કે, સર મતદારોને ઈવીએમ પર ભરોસો નથી. સામે કોર્ટે પણ તેમને આકરા સવાલો કર્યા હતા. જોકે કોર્ટે આ કેસમાં સુનાવણી 18 એપ્રિલ સુધી ટાળી દીધી હતી. ખાસ વાત એ છે કે કોર્ટે બેલેટ પેપરથી મતદાન કરવા અંગે પણ કડક ટિપ્પણી કરી છે.

“અમારી ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. અમે બધાં જાણીએ છીએ કે જ્યારે બેલેટ પેપર હતા ત્યારે શું થયું હતું, તમે ભૂલી ગયા હશો પણ અમે ભૂલ્યાં નથી. જ્યાં સુધી બેલેટ બોક્સ અથવા બેલેટ પેપરનો સંબંધ છે, આપણે બધા તેમની ખામીઓ જાણીએ છીએ.” લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. બે ન્યાયાધીશોની બેન્ચ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં વીવીપીએટી એટલે કે વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ દ્વારા ઈવીએમ મતોની ૧૦૦% ચકાસણીની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે અન્ય દેશો સાથે સરખામણી કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે ઘણાં યુરોપિયન દેશો પેપર બેલેટ પર પાછા ફર્યા છે. જર્મનીના ઉલ્લેખ પર જસ્ટિસ દત્તાએ કહ્યું, 'મારા ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળની વસ્તી જર્મની કરતા વધુ છે.' 

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ પણ ૧૦૦% વીવીપીએટી વેરિફિકેશનની માંગણી કરનારાઓમાંનું એક છે. એડીઆર વતી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ હાજર થયા હતા. અન્ય અરજીકર્તાઓ તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણન, આનંદ ગ્રોવર અને હુઝેફા અહમદી હાજર રહ્યા હતા. દરમિયાન પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે યુરોપના ઘણાં દેશો ચૂંટણી માટે પેપર બેલેટ સિસ્ટમ પર પાછા ફર્યા છે. તેમણે પોતાની દલીલમાં જર્મનીનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું, “જર્મનીની વસ્તી કેટલી છે? અને ભારતમાં કેટલા લોકો મત આપે છે? ભારતમાં લગભગ ૯૮ કરોડ મતદારો છે અને તેમાંથી ૬૦% મતદાન કરે છે. તો તમે કહો છો કે ૬૦ કરોડ વીવીપીએટીની ગણતરી કરવી જોઈએ.”

સુપ્રીમે કહ્યું કે ભારતની સરખામણી ઓછી વસ્તીવાળા દેશો સાથે ન થઈ શકે. કોર્ટે કહ્યું કે, ભારત જેવા મોટા દેશમાં ચૂંટણી કરાવવી એક મોટું કામ છે. અહીં સ્થિતિ યુરોપ જેવી નથી જ્યાં માત્ર થોડા કરોડ મતદારો છે. જસ્ટિસ દત્તાએ તેમની મૌખિક ટિપ્પણીમાં કહ્યું, “મારા ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળની વસ્તી જર્મની કરતા વધુ છે.” તેમણે કહ્યું, “આપણે સિસ્ટમમાં વિશ્વાસ જાળવી રાખવો પડશે.” અલબત્ત, તે જવાબદાર હોવી જોઈએ. પરંતુ આ રીતે સિસ્ટમને તોડી પાડવાનો પ્રયાસ કરશો નહીં.”

વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે મતદારોને એ જાણવાનો અધિકાર છે કે તેમનો મત કોને ગયો. આ માટે તેણે વીવીપેટ સ્લિપ જોવી પડશે. શંકરનારાયણે કહ્યું કે મતદારોને સ્લિપ જાતે ઉપાડવાની અને તેને બોક્સમાં રાખવાની છૂટ આપવી જોઈએ. આના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે “સામાન્ય રીતે માનવ હસ્તક્ષેપ એ સમસ્યા છે. મશીનો સામાન્ય રીતે માનવ હસ્તક્ષેપ વિના તમને યોગ્ય પરિણામ આપે છે.”

સુપ્રીમ કોર્ટે પેપર બેલેટ દ્વારા ચૂંટણી કરાવવાની દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. જસ્ટિસ ખન્નાએ કહ્યું, “અમે બધાં જાણીએ છીએ કે જ્યારે બેલેટ પેપર હતા ત્યારે શું થયું હતું. અમે હવે તેના પર ચર્ચા કરવા માંગતા નથી.”

સુપ્રીમ કોર્ટે ઈવીએમના હાર્ડવેર અને સોફ્ટવેરની માહિતી માંગી હતી જેથી તે સમજવામાં આવે કે તેની સાથે છેડછાડ થઈ શકે છે કે નહીં. સાથે જ કોર્ટે ચૂંટણી પંચને ઈવીએમ હેન્ડલીંગની સંપૂર્ણ વિગતો જાહેર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ એ જાણવા માંગે છે કે ચૂંટણીની શરૂઆતથી લઈને મતગણતરી સુધી ઈવીએમનું ક્યાં અને શું થાય છે. કોર્ટે અરજીકર્તાઓને ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે તેવી દલીલ સંબંધિત ડેટા રજૂ કરવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો:શું EVMમાં ખરેખર ચેડાં થઈ શકે છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.