૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતો

પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની એક બિનસરકારી સંસ્થાનો રિપોર્ટ આવ્યો છે. જે ભારતમાં સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની પોલ ખોલી નાખે છે.

૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતો
image credit - Google images

ચંદુ મહેરિયા
ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૮), માધ્યમિક (ધો-૯, ૧૦) અને ઉચ્ચ માધ્યમિક ( ધો.૧૧,૧૨) માં શિક્ષણ મેળવતા ગ્રામીણ ભારતના ૧૪ થી ૧૮ વરસના કિશોરો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે ૧૫ લીટર પાણી શુધ્ધ કરવા ક્લોરીનની ૩ ગોળી જોઈએ તો ૨૫ લીટર માટે કેટલી જોઈએ? ૫૧.૬૦ ટકા વિધ્યાર્થીઓને જવાબ આવડ્યો નહોતો. રોજિંદા જીવનનો અને બગડિયા-તગડિયાનો સાદો ભાગાકાર ના આવડે તેવા અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ આઠેક વરસનું શિક્ષણ પૂર્ણ કર્યા પછીના શિક્ષણની આ હાલત છે. 

પણ રહો. એમ નિરાશ થવાની જરૂર નથી. આ જ વય જૂથના ૮૫ ટકા લંબાઈ બરાબર માપી શકે છે. હા, એમને મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે મેજરપટ્ટી ઝીરોથી શરૂ ન થતી હોય! જો શૂન્યને બદલે બીજા કોઈ આંકડાથી લંબાઈ મપાવવી શરૂ કરાવીએ તો આ ૮૫ ટકા ઘટીને ૩૯ ટકે પહોંચી જાય છે!  

રૂ. ૨૦,૦૦૦ની લોન પરનું જુદી જુદી ત્રણ બેન્કોનું વાર્ષિક વ્યાજ જણાવી, તમે કઈ બેન્ક પસંદ કરશો અને એક વરસ પછી કેટલી રકમ પાછી આપવાની થાય? તે બંને પ્રશ્નનો સાચો જવાબ આપી શકનારા છાત્રો માત્ર ૬ ટકા જ હતા. તો ઓઆરએસના પેકેટ પરની સૂચનાઓ વાંચી નહીં શકનારા સ્ટુડન્ટ ૩૫.૯ ટકા હતા. અર્થાત માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓ રોજબરોજના વ્યાજ દર, માપ જેવા પાયાના સંખ્યાત્મક કૌશલ કે વાચનમાં ઘણા કાચા છે.  

કોઈ અઘરું વાચન-ગણન નહીં પણ તેઓ જે ધોરણમાં ભણે છે તેના કરતાં ચાર-પાંચ ધોરણ નીચેનું ભાષા કે ગણિતનું સાદું જ્ઞાન ન ધરાવતા વિધ્યાર્થીઓની સંખ્યા પચાસ ટકાથી વધારે હોય તેવા શિક્ષણની ચિંતા અને તે દૂર કરવાના મસમોટા પડકારોની અનુભૂતિ  ‘અસર’ (ASER- એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ)  ૨૦૨૩ વાંચતા થાય છે. 

વરસ ૨૦૦૫થી બિનસરકારી સંસ્થા ‘પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન’  ગ્રામીણ ભારતના શિક્ષણની સ્થિતિ વિશે વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરે છે. ૨૦૧૮થી તે દ્વિવાર્ષિક ધોરણે પ્રગટ થાય છે. આ વરસના આરંભે ‘એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૩ બિયોન્ડ બેસિક્સ’ પ્રગટ થયો છે. ભારતના ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાના ૩૪,૭૪૫ વિધ્યાર્થીઓ પરના રાષ્ટ્રવ્યાપી નાગરિક નેતૃત્વકારી ઘરેલું સર્વેક્ષણનો હેતુ શાળામાં પ્રવેશ કે નામાંકન જેવી મૂળભૂત બાબતથી આગળની સ્થિતિ જાણવાનો છે. શાળા શિક્ષણ અને શિખવવાની સ્થિતિ તથા વાસ્તવિક જિંદગીમાં તેના ઉપયોગનો તાગ મેળવવાનો પણ ઉદ્દેશ છે.

આ પણ વાંચોઃ ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!

વિશ્વના ઘણા દેશો કરતાં ભારતમાં શાળામાં નામાંકનનો દર ઉંચો છે. ૨૦૨૧-૨૨માં ૬ થી ૧૦ વરસના બાળકોનો શાળા પ્રવેશનો દર ૯૯.૧ ટકા હતો. નવીનતમ રિપોર્ટ મુજબ હાલમાં ૧૪ થી ૧૮ વરસના બાળકોનો નામાંકન દર ૮૬.૮ ટકા છે. પરંતુ શું નામાંકનમાં વૃધ્ધિ શિક્ષણની ગુણવતાનો પુરાવો છે? ‘બાળકો શાળામાં છે પરંતુ શીખી નથી રહ્યા’ નો સંદેશ ધરાવતો ૨૦૨૩નો ‘અસર’ તેનો જવાબ છે. ૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાદો ભાગાકાર કરી શકતા નથી. સ્થાનિક ભાષાનો બીજા ધોરણનો પાઠ અસ્ખલિત વાંચી ન શકનાર ૨૫ ટકા છે. જો કે ૫૭.૩૦ ટકા અંગ્રેજી વાક્ય બરાબર વાંચી શકે છે અને તેમાંથી ૭૩.૫ ટકાને જે વાંચે છે તેનો અર્થ  પણ આવડે છે. 

ભારતમાં જે બાળકો શાળા છોડે છે તેને સરકાર ડ્રોપ આઉટ ગણાવે છે. ખરેખર તો તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કારણોસર શાળા બહાર ધકેલાય (પુશ આઊટ) છે. ૧૪ વરસના આવા કિશોરો ૩.૯ ટકા છે, ૧૬ વરસના ૧૦.૯ ટકા છે અને ૧૮ વરસના ૩૨.૬ ટકા છે. એટલે બાળક જેમ ઉપલા ધોરણમાં જાય તેમ શાળા છોડે છે કે શાળા બહાર ફેંકાય છે. 
જેમ ડ્રોપ આઉટનો ઉંચો દર તેમ છોકરા-છોકરીના શિક્ષણ વચ્ચેનો ભેદ પણ ગ્રામીણ ભારતના શિક્ષણ સામેનો પડકાર છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કન્યાઓ સ્નાતક સુધી ભણવા માંગે છે પરંતુ કુમારો ટૂંકા ગાળાના વ્યવસાયક્ષી કોર્સ મારફત કમાવા માંગે છે. નોકરી અને ડિગ્રી વચ્ચેનો અનુબંધ ઈચ્છનીય ગણાય પણ  માત્ર  ૫.૬ ટકા જ વિધ્યાર્થીઓની જ હાયર સેકન્ડરીમાં વ્યવસાયલક્ષી શિક્ષણના પ્રવાહની પસંદગી છે. છોકરાઓ ગણિતમાં તો છોકરીઓ ભાષામાં આગળ છે. આ બધું ભારતની પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાને આભારી છે અને સમાજ સુધારણાની ચળવળનો પડકાર શિક્ષણ સમક્ષ પણ છે. 

કોરોના મહામારીને લીધે સર્જાયેલી બેરોજગારી છતાં શિક્ષણમાં પ્રવેશ ખાસ ઘટ્યો નથી તે આશ્વાસનરૂપ છે. દેશમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધી છે. ૮૯ ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન છે અને ૯૨ ટકા બાળકોને તે ચલાવતા પણ આવડે છે. જોકે સર્વેક્ષણ હેઠળના વયજૂથના ૪૩.૭ ટકા છોકરા અને ૧૯.૩ ટકા છોકરીઓ મળી ૩૧.૧ ટકા પાસે તો ખુદનો સ્માર્ટ ફોન છે. ૮૦ ટકા તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે. અલબત્ત ૭૦ ટકા કોઈ જવાબ શોધવા ગુગલબાબા પાસે જવાનું જાણે છે. પોણા ભાગનાને એલાર્મ સેટ કરતાં ફાવે છે. એટલે હવે કમ્પ્યુટર અને ફોનનો શૈક્ષણિક ઉપયોગ વધારવાની જરૂર છે. 

‘અસર‘ના શૈક્ષણિક સ્થિતિ અંગેના રિપોર્ટની નોંધ નીતિ નિર્માતા, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ લે છે અને તેના અમલ માટે લોકદબાણ ઉભું થાય છે. ૨૦૧૭માં શિક્ષણના અધિકાર અધિનિયમમાં રાજ્યો માટે શિક્ષણના મૂલ્યાંકનને ફરજિયાત કરતો સુધારો, નીતિ આયોગનો ૨૦૧૭થી ૨૦નો એકશન પ્લાન તથા ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં બાળકો પાયાનું વાચન ગણન સંબંધી જ્ઞાન કૌશલ હાંસલ કરે તેનો સમાવેશ અસરના સર્વેક્ષણનું પરિણામ હોઈ શકે છે. 

ઉપલા ધોરણના બાળકોનો નીચલા ધોરણનો પાયો કાચો હોય તેનું શું થઈ શકે તે પણ એક પડકાર છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો માટે તેમના હાલના અભ્યાસક્રમની સાથે નીચેના ધોરણનું ભણાવવાનું શક્ય બનતું નથી. બીજી તરફ જો પાયો કાચો હશે તો ભવિષ્યમાં દેશની શ્રમશક્તિની ગુણવત્તા પર અસર થશે તેથી પણ તેમને બીજા બાળકોની હરોળમાં લાવવા જરૂરી છે. શિક્ષણની વ્યવસ્થા પાઠ્યપુસ્તક કેન્દ્રી કે વર્ગ કેન્દ્રી ને બદલે વ્યક્તિગત વિધ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય તો કદાચ નામાંકનમાં વૃધ્ધિ શિક્ષણની ગુણવત્તામાં પણ વ્રુધ્ધિ બની શકે. 

ચૌદથી અઠાર વરસના કિશોરો અને યુવાઓ તેમના ભાવિ વિશે બેખબર છે અને તેનું કોઈ માર્ગદર્શન તેમને મળતું નથી. ૪૮.૩ ટકા વિધ્યાર્થિનીઓ અને ૪૨.૫ ટકા વિધ્યાર્થીઓના કોઈ આદર્શ કે રોલમોડેલ નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડના લાભ મેળવવા હશે, વિશ્વગુરુ બનવું હશે તો મતદારની વયે પહોંચેલા  વિદ્યાર્થીઓના શિક્ષણની હાલત વિષે ચિંતા કરી તેમના શિક્ષણ સામેના પડકારો ઝીલી લેવા તે સમયનો તકાદો છે.
maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ બોલો લો! ગુજરાતના 25 ટકા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિની ખબર નથી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • PARMAR CHANDANBAHEN PARSOTAMBHAI
    PARMAR CHANDANBAHEN PARSOTAMBHAI
    News paper na work mate jodavu che.
    7 months ago
  • Hasmukhbhai Muljibhai Vaghela
    Hasmukhbhai Muljibhai Vaghela
    सरकारी स्कूलों मां जे टीचर मात्र पीटीसी पास करीने आवेल छै तेमनु भणावानु स्तर बहुज नबलु छै,बिजु के गरीबी मां थी तरतज पीटीसी करीने शिक्षक बनेल स्त्री अथवा पुरुषों ने पैसा पगार सिवाय काई देखातु नथी,पछी शिक्षण कार्य क्याथी सुधरै ???
    7 months ago