'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી

વર્તમાન લોકસભા ચૂંટણી આઝાદી પછીની સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક ચૂંટણી છે, કારણ કે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે.

'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી
all image credit - Google images

વર્તમાન લોકસભા ચૂંટણી આઝાદી પછીની સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક ચૂંટણી છે, કારણ કે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. કહેવાની જરૂર નથી કે છેલ્લાં 10 વર્ષોમાં હિંદુત્વવાદી દક્ષિણપંથી સત્તાએ ભારતની અસ્મિતા અને તેના સાંસ્કૃતિક વારસાને લોહીલુહાણ કર્યો છે. એક રીતે જોઈએ તો આઝાદી સમયે દેશમાં જે પરિસ્થિતિઓ હતી તે જ સ્થિતિ આજે સર્જાઈ છે.
આઝાદીની ચળવળમાં હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગની સાંપ્રદાયિક રાજનીતિએ એવી સ્થિતિ પેદા કરી દીધી હતી કે આઝાદીની સાથે જ ભારતને ભાગલાનો ભોગ બનવું પડ્યું હતું. ભાગલા દરમિયાન થયેલી સાંપ્રદાયિક હિંસા અને અમાનવીય અત્યાચારોએ ભારતની સ્વતંત્રતા પર સવાલો ઉભા કર્યા હતા. વિન્સ્ટન ચર્ચિલ જેવા નેતાઓ નવા રચાયેલા ભારતીય રાષ્ટ્રના ભાગલાની આગાહી કરતા હતા. પરંતુ ગાંધી, નેહરુના દૂરદર્શી ચિંતન અને ડૉ. આંબેડકરની સામાજિક ન્યાયની દીર્ઘદ્રષ્ટિએ દેશનો મજબૂત પાયો નાખ્યો. તમામ આશંકાઓ બાજુ પર મૂકીને વૈચારિક મતભેદો છતાં પણ જો ભારત આજે મજબૂતીથી ઊભું છે, તો તેનો પાયો ભારતનું બંધારણ છે. 

ડૉ. આંબેડકરને ખ્યાલ હતો કે બંધારણ સામે પડકારો હશે. તેમણે બંધારણ સભાના છેલ્લા ભાષણમાં તે પડકારો અને આશંકાઓને સૂત્રબદ્ધ કરી હતી. બંધારણ સભામાં લગભગ 50 મિનિટ સુધી આપેલું એ ભાષણ અનેક વિશેષતાઓ ધરાવે છે. દુ:ખની વાત એ છે કે આગામી પચાસ વર્ષ સુધી આ ભાષણની લગભગ ન બરાબર ચર્ચા થઈ.

25 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભામાં આપવામાં આવેલું ડૉ. આંબેડકરનું આ ભાષણ 20મી સદીનું સૌથી મહત્વપૂર્ણ, બૌદ્ધિક અને ભવિષ્યની ચેતવણીઓથી ભરેલું ભાષણ છે. જેમ 15મી ઓગસ્ટ, 1947ના રોજ મધ્યરાત્રિએ નેહરુએ આપેલું 'એન્કાઉન્ટર વિથ ડેસ્ટિની' ભાષણ ભારતની ગરીબી અને દુર્દશાના પડકારોનો સામનો કરવા અને ભારતના નિર્માણ વિશે છે. એ જ રીતે ડૉ. આંબેડકરનું આ ભાષણ વૈચારિક અને સામાજિક-રાજકીય પડકારોની ચર્ચાથી ભરેલું છે. પરંતુ જ્યાં નહેરુના ભાષણની ચર્ચા હંમેશા થતી રહે છે, ત્યાં આંબેડકરના વિચારો અને વ્યક્તિત્વની જેમ તેમના ભાષણને પણ ભૂલાવી દેવામાં આવ્યું છે. આ ભાષણ જો તે સમયની કોંગ્રેસ સરકારો અને બુદ્ધિજીવીઓએ ધ્યાનથી વાંચ્યું અને તપાસ્યું હોત તો કદાચ હિંદુત્વવાદના આ ખરાબ દિવસો જોવા ન પડ્યા હોત.

આ પણ વાંચોઃ RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?

બીજી તરફ આરએસએસ અને તેના સંલગ્ન સંગઠનો બંધારણની રચનાથી લઈને તેના પસાર થવા સુધી તેની વિરુદ્ધ ઉભા હતા. એ ત્યાં સુધી કે વર્તમાનમાં આરએસએસની રાજકીય પાંખ એવી હાલની ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ ભારતીય બંધારણને સંસ્થાનવાદી ગુલામી અને વિદેશીનું પ્રતીક ગણાવે છે. વાસ્તવમાં આરએસએસનો ઉદ્દેશ્ય ભારતીયતાના નામે મનુ સ્મૃતિ પર આધારિત બંધારણ બનાવવાનો છે. આ જ કારણોસર તેમના દ્વારા બંધારણને વારંવાર અપ્રસ્તુત અને અસફળ કહેવામાં આવે છે. જ્યારે ડૉ.આંબેડકરે તેમના ભાષણમાં કહ્યું હતું કે "બંધારણ ગમે તેટલું સારું હોય, પરંતુ જો તેનું પાલન કરનારા લોકો ખરાબ હશે તો તે ખરાબ સાબિત થશે." 

ડો. આંબેડકર લગભગ 90 વર્ષની આઝાદીની ચળવળ અને લાખો બલિદાન બાદ મળેલી આઝાદીને લઈને અત્યંત ચિંતિત હતા. ભારતના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે “ભારત 26 જાન્યુઆરી, 1950ના રોજ એક સ્વતંત્ર રાષ્ટ્ર બનશે. તેની સ્વતંત્રતાનું ભવિષ્ય શું છે? શું તે તેની સ્વતંત્રતા જાળવી રાખશે કે ગુમાવશે? સદીઓથી ચાલતા સામંતવાદ અને બ્રાહ્મણવાદ પર આધારિત સમાજ આઝાદી પછી કેવો હશે? વર્ચસ્વ અને વંચિતમાં વહેંચાયેલો સમાજ એક સાથે કેવી રીતે રહેશે? ભારતના લોકો કેવી રીતે વર્તશે? 

ડૉ. આંબેડકર લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષોને લઈને પણ સભાન હતા. તેમણે ચેતવણી આપી હતી કે, “જો પક્ષો તેમની વિચારધારાને દેશથી ઉપર રાખશે તો આપણી સ્વતંત્રતા જોખમમાં આવી જશે. કદાચ તે કાયમ માટે ખોવાઈ જશે. પરંતુ આપણે આપણા લોહીનાં છેલ્લાં ટીપાં સુધી આપણી સ્વતંત્રતાની રક્ષા કરવી પડશે. 

જ્યારે આરએસએસ માટે ભારતનો વિચાર જ હિંદુત્વ છે, સમાવેશી રાષ્ટ્ર નહીં. રાષ્ટ્રવાદના નામે તેણે હિંદુત્વને પોષ્યું અને હવે તે ખુલ્લેઆમ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરી રહ્યું છે. આરએસએસના વિચારો ભારતીય રાષ્ટ્ર માટે અત્યંત ખતરનાક હતા અને આજે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યા છે.
ડૉ. આંબેડકરે પણ આ બાબતે ચિંતન કર્યું હતું કે જો કોઈ રાજકીય પક્ષ ભારે બહુમતી મેળવી લે છે તો આ ખતરો અનેકગણો વધી જાય છે. આંબેડકરે તેમના ભાષણમાં કહ્યું હતું કે “આ નવજાત લોકશાહી માટે એ બિલકુલ શક્ય છે કે તે પડ લોકશાહીનું જાળવી રાખે, પરંતુ વાસ્તવમાં તે તાનાશાહી હોય. ચૂંટણીમાં મહાવિજયની સ્થિતિમાં બીજી શક્યતા વાસ્તવિકતા બનવાનું જોખમ વધુ છે. 

આ લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ખુલ્લેઆમ “અબકી બાર 400 પાર” ના નારા આપવામાં આવી રહ્યા છે. 400 બેઠકો જીતવાનો એજન્ડા પણ ભાજપના નેતાઓએ સ્પષ્ટ કરી દીધો છે કે બંધારણ બદલવા માટે તેમને બે તૃતિયાંશથી વધુ બહુમતની જરૂર છે. 

વેલ, બાબા સાહેબની સૌથી મોટી ચિંતા સ્વતંત્રતા ગુમાવવાની હતી. હકીકતમાં, આઝાદી પછી નેહરુની લોકપ્રિયતા સમગ્ર દેશમાં આસમાને પહોંચી હતી. નેહરુને જોવા માટે ભારતના ખૂણે ખૂણે ભીડ એકઠી થતી. આંબેડકર નેહરુ જેવા લોકપ્રિય નેતાના સરમુખત્યાર બનવાની આશંકાથી ઘેરાયેલા હતા. જ્હોન સ્ટુઅર્ટ મિલને ટાંકીને તેમણે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, "તમારી સ્વતંત્રતા કોઈ મહાનાયકના ચરણોમાં પણ સમર્પિત ન કરતા કે તેના પર વિશ્વાસ કરીને તેને એટલી તાકાત પણ પ્રદાન ન કરી દેતા  તે સંસ્થાઓને નષ્ટ કરવા જેટલો તાકાતવાન થઈ જાય"

આ પણ વાંચોઃ 2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે

પણ છેલ્લા દસ વર્ષમાં આવું જ બન્યું છે. કોર્પોરેટ મીડિયા દ્વારા નરેન્દ્ર મોદીની સુપરહીરો તરીકેની ઈમેજ બનાવવામાં આવી હતી. મોદીએ તમામ બંધારણીય સંસ્થાઓને નખ-દાંત વગરની બનાવી દીધી. મીડિયા દ્વારા વિપક્ષોને અપ્રસ્તુત બનાવી દેવાયા. મુખ્યધારાનું મીડિયા સરકારના કામોની સમીક્ષા કરવા અને તેની ખોટી નીતિઓની ટીકા કરવાને બદલે મોદીના વખાણ કરવામાં મગ્ન છે. તેણે નાગરિકોના પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરી દીધું છે. તેમણે સરકારના કામને જવાબદારી નહીં પરંતુ કૃપા બનાવી દીધાં છે. હિંદુત્વ પ્રણાલી અને મીડિયા દ્વારા લોકોને સરકાર પ્રત્યે આભારી બનવાનું શીખવવામાં આવે છે. જ્યારે ડૉ. આંબેડકરે આઇરિશ દેશભક્ત ડેનિયલ ઓ'કોનેલની ચેતવણીને ટાંકીને કહ્યું હતું કે "જેમ કોઈ પુરુષ તેના સન્માનના ભોગે કૃતજ્ઞ ન હોઈ શકે, કોઈ સ્ત્રી તેની પવિત્રતાના ભોગે આભારી ન હોઈ શકે, તેવી જ રીતે કોઈ પણ રાષ્ટ્ર તેની સ્વતંત્રતાની કિંમત પર કૃતજ્ઞ ન હોઈ શકે. તેઓ આગળ કહે છે કે “આ સાવધાની ભારતના કિસ્સામાં અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ જરૂરી છે, કારણ કે ભારતમાં ભક્તિ કે નાયકપૂજા જે ભૂમિકા ભજવે છે તેટલા મોટાપાયે વિશ્વનો કોઈ દેશ ભારત સાથે બરાબરી કરી શકે તેમ નથી."
એમ કહેવું જરૂરી છે કે, ભારત ખૂબ જ ધાર્મિક દેશ છે. અહીં ભક્તિ અને આધ્યાત્મિકતાની લાંબી પરંપરા છે. રાજકારણમાં આ ભાવના લોકશાહી માટે ખતરો છે. તેથી, ડૉ. આંબેડકરે ચેતવણી આપી હતી કે "ધર્મના ક્ષેત્રમાં ભક્તિ એ આત્માના ઉદ્ધારનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજકારણમાં, ભક્તિ અથવા નાયક પૂજા એ પતન અને છેવટે સરમુખત્યારશાહીનો સીધો માર્ગ છે."
આ ખતરો આજે દેશ સામે છે. જોવાનું એ રહે છે કે શું ભારતની જનતા આ ચૂંટણીમાં સરમુખત્યારશાહીને હરાવીને બંધારણ અને લોકશાહીને બચાવશે?

(પ્રો. રવિકાંતનો મૂળ લેખ ફોરવર્ડ પ્રેસમાં છપાયો હતો, તેનો આ ગુજરાતી અનુવાદ છે.)

આગળ વાંચોઃ ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.