લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ

પ્રશ્ન એ નથી કે રાજકીય નેતાઓનાં સંતાનો રાજકીય નેતા બને છે. પ્રશ્ન એ છે કે લોકશાહીમાં નેતાઓ રાજાની જેમ વર્તે નહિ અને કાયદાનું શાસન પ્રવર્તે. 

લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ
image credit - Google images

પ્રો. હેમંતકુમાર શાહ

અભિનેતાઓ, પ્રાધ્યાપકો, ડોક્ટરો, એન્જિનિયરો, મેનેજરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો સહિતના રમતવીરો, સંગીતકારો સહિતના કલાકારો, દુકાનદારો અને IAS સહિતના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે બધાનાં વ્યવસાયોમાં એમનાં સંતાનો ઘણીવાર એમના જ વ્યવસાયમાં જોડાય છે.

જો એમ જ હોય તો, રાજકીય નેતાઓનાં સંતાનો પણ રાજકારણમાં આવે એનો વાંધો શા માટે? એવાં સંતાનોને રાજકારણ ગળથૂથીમાં મળતું હોય છે. લોકશાહીમાં તેઓ ચૂંટાય છે અને ચૂંટણીમાં હારે પણ છે. ઇન્દિરા ગાંધી પોતે પણ ૧૯૭૭માં ચૂંટણી હારી ગયાં હતાં અને રાજીવ ગાંધીની કોંગ્રેસ પણ ૧૯૮૯માં ચૂંટણી હારી ગઈ હતી. એન. ટી. રામારાવના ચંદ્રબાબુ નાયડુનો ટીડીપી ચૂંટણી હારી ચૂક્યો છે. દુનિયાભરમાં લોકશાહી દેશોમાં ઘણાં રાજકીય નેતાઓનાં સંતાનો રાજકારણમાં સફળ કે નિષ્ફળ રીતે પ્રવેશેલા છે જ. અમેરિકામાં જ્હોન કેનેડીનો લગભગ આખો પરિવાર અને જ્યોર્જ બુશ પહેલા અને જ્યોર્જ બુશ બીજા એનાં દ્રશ્યમાન ઉદાહરણો છે. 

લોકશાહીમાં રાજકીય નેતાઓનાં સંતાનો લોકોની પસંદગીથી નેતા બને છે એ હકીકત ભૂલવી જોઈએ નહિ. સંતાનોમાં ગુણવત્તા હશે તો રાજકીય બજારમાં ચાલશે અને ટકશે, નહીં તો નહીં ચાલે, નહીં ટકે. 

એવું બીજાં બજારોમાં થાય છે જ. જેમ કે, અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક ફિલ્મોમાં બહુ ન ચાલ્યો, સચિન તેંડુલકરનો દીકરો તો ક્રિકેટમાં સહેજે ન ચાલ્યો. ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણીએ શું ઉકાળ્યું એ બધાંને ખબર છે.

આ પણ વાંચોઃ અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો

ભારતમાં બધાં રાજકીય પક્ષોમાં રાજકીય નેતાઓનાં સંતાનોની બોલબાલા છે જ. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીને શહજાદા કહે તેથી કંઈ ભાજપમાં વારસાગત નેતાઓ નથી એવું તો સાબિત નથી જ થતું. એના સેંકડો દાખલા મોજૂદ છે. મહારાષ્ટ્રના નેતા ગોપીનાથ મુંડે અકસ્માતમાં માર્યા ગયા પછી નરેન્દ્ર મોદીએ તેઓ વડાપ્રધાન હતા તો પણ, અને રાહુલ ગાંધીને શહજાદા કહેતા હતા તો પણ, તેમની દીકરી પંકજા મુંડેને જ પસંદ કરી હતી કે જેનું નામ પણ ભારતમાં કોઈ જાણતું નહોતું. વંશવાદનો વિરોધ નરેન્દ્ર મોદી પોતાના પક્ષમાં જ કરે તો વધુ સારું. અને બજારમાં જે પેલા જથ્થાબંધ મોટીવેશનલ સ્પીકરો ફૂટી નીકળ્યાં છે તે પણ આ વિશે કોઈક મોટીવેશન નરેન્દ્ર મોદીને પણ આપે. તેમણે પદ્મશ્રી મળશે કે નહિ એની ચિંતા નહિ કરવી જોઈએ. 

નરેન્દ્ર મોદી રાહુલને શહજાદા કહે છે એટલે પ્રિયંકાએ મોદીને શહેનશાહ કહ્યાં. દોઢ લાખ રૂપિયાના ચશ્મા અને દસ લાખ રૂપિયાનો સૂટ પહેરે, ૮૫૦૦ કરોડ રૂપિયાનું વિમાન વાપરે એ શહેનશાહ ન કહેવાય તો શું કહેવાય? મનમોહનસિંહ મોટી ઉંમરે પણ ૩૦૦ કરોડ રૂપિયાના વિમાનમાં જ આખી દુનિયામાં અને દેશમાં જતા હતા તે યાદ છે? 

લોકશાહીમાં કોણે રાજકીય નેતા બનવું કે ન બનવું એ તો એમની પોતાની પસંદગીનો વિષય છે. નેતા ચૂંટવાનો જેમ સૌને અધિકાર છે એમ નેતા બનવાનો પણ સૌને અધિકાર છે. પ્રશ્ન એ નથી કે રાજકીય નેતાઓનાં સંતાનો રાજકીય નેતા બને છે. પ્રશ્ન એ છે કે લોકશાહીમાં નેતાઓ રાજાની જેમ વર્તે નહિ અને કાયદાનું શાસન પ્રવર્તે. 

જે લોકો રાહુલ અને પ્રિયંકા સામે વાંધો ઉઠાવી રહ્યા છે, તેઓ સહેજ બુદ્ધિ વાપરીને અને અંધ ભક્તિ છોડીને, ભાજપ સહિત અન્ય પક્ષોમાં શું થઈ રહ્યું છે તે થોડું જુએ. અને હા, એમના પરિવારોમાં કે સગાંસંબંધીઓમાં પણ જુદા જુદા વ્યવસાયની બાબતમાં શું થઈ રહ્યું છે તેના પર પણ નજર નાખે. માત્ર મિલકતનો વારસો ન હોય, વ્યવસાયનો પણ વારસો હોય અને રાજકારણનો પણ હોય. મિલકતના વારસા માટે કાયદા હોય, રાજકારણના વારસા માટે લોકશાહીમાં કાયદા હોય જ નહિ.

બંધ આંખે તમાશાપ્રેમી બનવાને બદલે, લોકશાહી વિશે થોડી સમજણ મોદીના અંધ ભક્તોએ વિકસાવવાની જરૂર છે. મોદીની રાજાશાહી ઓછી થાય એને વિશે તેમના અંધ ભક્તો વધુ વિચારે તો સારું અને તો ભારતમાં લોકશાહી વધુ મજબૂત થશે.

(લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતીય રાજનીતિના તલસ્પર્શી અભ્યાસુ છે)

આગળ વાંચોઃ હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.