અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો
નોલેજ કમીશનના પૂર્વ ડિરેક્ટર અને કોંગી નેતા સામ પિત્રોડા આજકાલ રાજકીય કારણોસર ચર્ચામાં છે. તેમનો આ લેખ આંખો ઉઘાડનારો છે.
લેખક: સામ પિત્રોડા
અનુવાદ: હેમંતકુમાર શાહ
ઈતિહાસમાં પહેલી જ વાર દુનિયાના બધા જ ૮૦૦ કરોડ લોકો અવાજ, ડેટા અને વિડિયોના અત્યંત ગતિમાન નેટવર્કથી જોડાયેલા છે. તેને પરિણામે સરકારી પ્રક્રિયાઓ, ધંધાઓ અને અંગત જીવન કદી કલ્પના કરી ન હોય તે રીતે બદલાઈ ગયાં છે. તેને લીધે વસ્તુઓ, સેવાઓ અને નાણાકીય વ્યવસ્થાઓ એટલી હદ સુધી બદલાયાં છે કે આપણે આપણા અર્થતંત્રને સમજવા માટે, તેનું મૂલ્યાંકન કરવા માટે અને તે વિસ્તારવા માટે તદ્દન નવા અભિગમની જરૂર છે.
એટલે આપણે જે કંઈ કરતાં રહ્યા હતા તે કરવા માટે શું આપણે હાઇપર કનેક્ટિવિટીનો ઉપયોગ કરીએ છીએ? કે પછી આપણે માનવજાત અને અર્થતંત્રને બીજા નવા સ્તરે લઈ જવા પહેલાં જે કદી ન કર્યું હોય તે કામ કરી રહ્યા છીએ?
ટેક્નોલોજીની પહેલી ક્રાંતિ ૧૯૪૭માં ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવ્યો ત્યારે થઈ. તેનો અંત આવ્યો ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને એપ્લિકેશન્સથી લગભગ ૨૦૨૦માં, કે જ્યારે કોરોના મહામારીએ સહેજ લાંબો પોરો ખાવા આપણને મજબૂર કર્યા. પ્રકૃતિએ આપણને એક સંદેશો આપ્યો કે આપણે બધા આ જગતમાં એકબીજા સાથે જોડાયેલા છીએ, પરસ્પર સંબંધિત છીએ અને પરસ્પરાવલંબી છીએ. તેને લીધે અસમાનતા અને ગરીબોને થતા અન્યાય અને તેઓ છેવાડે ફેંકાઈ જાય છે તે, અને દુનિયાભરમાં થતા આર્થિક સ્થળાંતરની બાબતો ઉપસી આવી. તેણે લોકોને અંતરનિરીક્ષણ કરવાની અને જીવન, જીવનનિર્વાહ તેમ જ સંબંધો, સમુદાયો, કામધંધા, વૈશ્વિકીકરણ, સરકાર વગેરે વિશે મૂળભૂત સવાલો ઉઠાવવા ફરજ પાડી.
કમનસીબે, આપણને હજુ એમ લાગે છે કે મોટાં પ્રોત્સાહનો તથા રાહત પેકેજથી આપણી ગાડી ફરી પાટે ચડી જશે. પરંતુ દરેક દેશમાં દેવું ખાસ્સું વધ્યું છે અને નાણાકીય બીજો આવનારી પેઢી પર ફેંકાયો છે.
આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
આજે માઇક્રોસોફ્ટ, એપલ, એનવિડિયા, ગૂગલ, એમેઝોન અને મેટા એમ છ મોટી ટેક્નોલોજી કંપનીઓ કોઈ પણ રીતે ઉત્પાદનની પરંપરાગત રીત અપનાવતી નથી. તેઓ ૧૫૦૦૦ અબજ ડોલરની માલિક છે. આટલી રકમમાં તો ભારત સરકારનાં ત્રીસ બજેટ થાય! આ નવી વાસ્તવિકતા છે. તેઓ એવો ધંધો કરે છે કે જેમાં કોઈ વસ્તુ કે આવક ઉત્પન્ન થતી જ નથી. આ બધાને આપણે કેવી રીતે સમજી શકીએ?
વૈશ્વિક સ્તરે આવક અને સંપત્તિની અસમાનતાનાં દર્શન થાય છે. એ આ ઝડપી ટેકનોલોજી અને આર્થિક વૃદ્ધિ સાથે વધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત નવી ટેક્નોલોજીથી આ સ્થિતિ વધુ વણસશે. અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધુ મોટી થતી જશે. તેને લીધે સામાજિક સંવાદિતા જટિલ બને, રાજકીય ધ્રુવીકરણ થાય, આર્થિક અસ્થિરતા આવે, હિંસા વધે અને બિન-ટકાઉ વિકાસ થાય એમ બને. તેને પરિણામે તત્કાળ નવતર બહુપાંખી વ્યૂહરચનાઓ, નીતિઓ અને કાર્યક્રમોની જરૂર છે.
ઓક્સફામ કહે છે તે મુજબ, ૨૦૨૦ પછી ૫૦૦ કરોડ લોકો ગરીબ બન્યા છે અને દુનિયાના પાંચ અમીરોની સંપત્તિ એક કલાકના ૧૨૦ કરોડ રૂપિયાની ઝડપે વધી છે અને બમણી થઈ ગઈ છે. અબજોપતિઓ ૨૦૨૦માં હતા તેના કરતાં ૨૮૦ લાખ કરોડ રૂપિયા વધુ ભેગા થઈ ગયા છે. સૌથી વધુ અમીર એક ટકા લોકો પાસે ૪૩ ટકા નાણાકીય સંપત્તિ છે. ભારત આમાં કંઈ અપવાદ નથી.
ભારતના સૌથી અમીર ૪૦ જણા પાસે ૭૦ કરોડ લોકો પાસે છે તેમના કરતાં વધુ સંપત્તિ છે. આ અસમાનતા રસ્તા, દુકાનો, ખેતરો, કારખાનાં અને ગામોમાં રોજેરોજ દેખાય છે. આવકની અસમાનતા પાછળનું કારણ મજૂરોનું ઓછું વેતન, સ્ત્રીપુરુષ અસમાનતા, સરકારી પરવાના ને પ્રોત્સાહનો, ઇજારા, નાણાકીય ઇજનેરી, વૈશ્વિકીકરણ અને ઉદ્યોગપતિઓ તથા રાજકીય નેતાઓની સાંઠગાંઠ વગેરે છે. તેને લીધે નવા જ પ્રકારનો સંસ્થાનવાદ અસ્તિત્વમાં આવ્યો છે. પહેલાં ઇસ્ટ ઇન્ડીયા કંપની હતી, હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે.
આ મોડેલ માત્ર શેરધારકોની સંપત્તિ વધારે છે, પણ તમામ હિતધારકોની નહિ; કે જ્યારે મજૂરો, સમુદાય અને પુરવઠાકારો માનવ વિકાસના કેન્દ્રમાં હોય છે. બધી બીબીએ અને એમબીએની કોલેજો પણ મૂલ્યનું સર્જન કરતાં નહિ પણ મૂલ્ય ખેંચી લેતાં શીખવે છે. તેઓ ઉત્પાદકતા, કાર્યક્ષમતા મહત્તમ કરતાં અને ખર્ચ ઓછું કરી મૂડી વધારવાનું શીખવે છે કે જેથી છેવટે નફો જ મહત્તમ થાય.
આજે કેન્દ્રિત સંચાલન પર ભાર મૂકવામાં આવે છે. તેમાં કમાન્ડ અને કંટ્રોલની વાત છે. તેમાં સહકાર, સહયોગ અને સહસર્જનનું વિકેન્દ્રીકરણ નથી. આ મોડેલ ઉપરથી નીચેના અભિગમ પર આધારિત છે અથવા માટલામાંથી પાણી ધીમે ધીમે ગળે તેમ ધીમે ધીમે ગરીબી દૂર થશે એવા ટ્રીકલ ડાઉન સિદ્ધાંત પર એટલે કે ગળતરના સિદ્ધાંત પર આધારિત છે. પણ એવું કશું થયું જ નથી. પરિણામે, બહુ થોડા લોકો બહુ જ વ્યસ્ત છે અને મોટા ભાગના લોકો પાસે કશું અર્થસભર કામ રહ્યું નથી.
બીજા એક પ્રકારનું સંગઠનાત્મક માળખાનું નિર્માણ પણ થયું છે. તે છે સહકારી મંડળીઓનું. તેમાં શેર માત્ર રોકાણકારો પાસે નથી હોતા પણ કામદારો અને ઉત્પાદકો પાસે હોય છે. તેનું અનેરું ઉદાહરણ દૂધ ઉત્પાદક મંડળીઓ છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો. તેમ સંપત્તિ અને સંસાધનો હોય તો વ્યક્તિગત માલિકીનાં; પરંતુ સમાજના તમામ લોકો માટે ટ્રસ્ટ તરીકે જ હોય.
આ પણ વાંચોઃ ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?
ટ્રસ્ટીશિપનો વિચાર મૂડીવાદી વ્યવસ્થામાં સ્વીકારવામાં આવ્યો નહિ. તેનું મુખ્ય કારણ એ કે તે શેરધારકો માટે નફો મહત્તમ કરવાના વિચારની વિરુદ્ધ છે. વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન આવો એક વિચાર અને પ્રયોગ હતું.
આજે આપણે અધિશેષના અર્થતંત્રમાં જીવીએ છીએ. આપણે ગમે તે ઉત્પન્ન કરી શકીએ છીએ, પણ છેવટે તે એમના માટે ઉત્પન્ન થાય છે કે જેમને તે ખરીદવાનું પોસાય છે. જગતમાં ૧૭૦ લાખ કરોડ ₹ લશ્કર પાછળ ખર્ચાય છે. એ છે લશ્કરો અને ઉદ્યોગોની સાંઠગાંઠ. બીજી તરફ, ભૂખમરો દૂર કરવા માત્ર ૧૭ લાખ કરોડ રૂપિયાની જ જરૂર છે.
દુનિયાના શ્રેષ્ઠ બુદ્ધિશાળીઓ અમીરોની સમસ્યાઓ દૂર કરવામાં વ્યસ્ત છે. પરિણામે ગરીબોની સમસ્યાઓ દૂર કરવા માટે બુદ્ધિની અછત પ્રવર્તે છે. જે ટેક્નોલોજી આપણને જોડવામાં મદદરૂપ થવી જોઈએ તે સોશ્યલ મિડિયા પર ધિક્કાર અને ખોટી માહિતીના પ્રચારમાં લાગી ગઈ છે.
આ બધું જ સામાજિક ગતિશીલતા ઘટાડે છે, મનુષ્યની વિકાસની સંભાવનાને રૂંધે છે, અને છેવાડે ફેંકાઈ ગયેલા લોકોમાં અન્યાય અને આક્રોશની ભાવના જગવે છે. એક નવા જગતનું સર્જન થઈ રહ્યું છે. જીડીપી, જીએનપી, માથાદીઠ આવક, વેપાર ખાધ, મૂડીરોકાણ, વિદેશી હૂંડિયામણની અનામતો, રોજગારી વગેરેના જૂના આર્થિક સિદ્ધાંતો સાથે આ નવા જગતને સમજવાનું અથવા ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવાનું મુશ્કેલ છે.
જૂના મોડેલનો હવે કશો અર્થ રહ્યો નથી. આપણે સંસ્થાનવાદી માનસ છોડવું પડે કે જે માત્ર નફા અને સત્તાની રમતનું મોડેલ છે. આપણે સમતા, સમાવેશ, ન્યાય અને ટકાઉપણા વિશે નૂતન આર્થિક વિચારધારાની જરૂર છે.
સ્રોત: 'Think of Inequality Control', The Economic Times, Ahmedabad.
આગળ વાંચોઃ અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!