ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?
RSS ડૉ. આંબેડકરને લઈને કેવા ગપગોળા ચલાવે છે, કેવી રીતે તેમના વિચારોને તોડીમરોડીને હિંદુત્વની તરફેણમાં ખેંચી જાય છે તેનો આ લેખ પર્દાફાશ કરે છે.
RSS ગોળો ફેંકે છેઃ “સાવરકર દલિત-ઉદ્ધારક હતા! સાવરકરે શિવાજીની જેમ કૂટનીતિનો સહારો લીધો હતો; તેથી તેમણે અંગ્રેજ સરકારને સશર્ત મુક્ત કરવાની અરજ કરી હતી!” સાવરકર 6 જાન્યુઆરી 1924ના રોજ જેલમુક્ત થયા હતા. બે દિવસ બાદ 8 જાન્યુઆરીના રોજ સાવરકરે જાહેરાત કરી કે, “હવે આભડછેટ સમાપ્ત કરવાનું આંદોલન ચલાવીશ. જો કોઈ અછૂત હોય તો તેમને બળદગાડામાં અહીં લઈ આવો!“ ‘કોઈ અછૂત હોય તો અહીં લઈ આવો’ શું આ રીતે આભડછેટ સમાપ્ત કરવાનું આંદોલન ચાલે? જો સાવરકરે દલિત-ઉદ્ધારનું કોઈ કામ કર્યું હોય તો ડૉ. આંબેડકર પોતાના દલિત આંદોલનના ઈતિહાસમાં તેનો ઉલ્લેખ ન કરે? આરએસએસ(RSS)નો આશય આંબેડકર પહેલાં સાવરકરને દલિત ઉદ્ધારક તરીકે સ્થાપીને આંબેડકરને ઠેકાણે પાડવાનો હતો. સાવરકર પહેલા 1922માં એસ. કે. બોલેએ મુંબઈ વિધાન પરિષદમાં અછૂત જાતિઓ સાર્વજનિક સ્થળોનો ઉપયોગ કરી શકે તે માટેનું વિધેયક પાસ કરાવ્યું હતું; તેના કારણે જ મહાડ સત્યાગ્રહ થયો હતો. 20 જુલાઈ 1924ના રોજ આંબેડકરે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ની સ્થાપના કરી હતી. શું અછૂતોની સમસ્યા માત્ર આભડછેટની હતી? શું શિક્ષણ, સન્માનિત રોજગાર, ખરાબ ધંધાથી મુક્તિ, રાજનીતિક ભાગીદારી તેમની સમસ્યા ન હતી? આ બાબતે સાવરકરે 1924થી લઈ 1966 સુધીમાં કેમ કોઈ આંદોલન ન ચલાવ્યું? આરએસએસ(RSS) કહે છે કે ‘સાવરકરે દલિતો માટે પતિત પાવન મંદિર બનાવ્યું!’ અછૂતો ‘પતિત પાવન મંદિર’માં જાય એટલે પાવન થઈ જાય! આ હતો અછૂત-ઉદ્ધારનો પાખંડી ઉપચાર! રત્નાગિરીમાં 1931માં ‘પતિત પાવન મંદિર’ ભાગોજી શેઠે દલિતો માટે બનાવેલ, તેમાં સવર્ણ જતા ન હતા! આ મંદિર બનાવવાનું કારણ એ હતું કે એ સમયે પૂરા દેશમાં અછૂતો માટે મંદિર-પ્રવેશ આંદોલન ચાલી રહ્યું હતું; જેનો કટ્ટરપંથી હિન્દુઓ વિરોધ કરી રહ્યા હતા! 29 મે 1929ના રોજ રત્નાગિરીમાં સાવરકરે શ્રી સત્યનારાયણની કથા વેળાએ જાતિભેદ નહીં રાખવા પ્રવચન આપ્યું હતું. આ કથા જ જાતિભેદને પ્રોત્સાહન આપે છે. વળી 1924 થી 1929 સુધી સાવરકર નજરબંધ હતા, સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ હતો; તો અછૂત-ઉદ્ધારનું આંદોલન કઈ રીતે ચલાવ્યું હશે? 1934માં માલવાનમાં સાવરકરે અછૂતોને જનોઈ ગ્રહણ કરાવેલ. જનોઈથી અછૂતોની સમસ્યા દૂર થાય ખરી? 1930માં આંબેડકરે કહ્યું હતું કે ‘ફક્ત મંદિર પ્રવેશ દલિતોનું લક્ષ્ય નથી, પણ તેનું લક્ષ્ય હિન્દુઓની ગુલામીથી મુક્તિનું છે.’ ઈસાઈ મિશનરીઓએ દલિતોને ભણાવવાનું ચાલુ કરેલ, તેના કારણે તેઓ સન્માન માટે ઈસાઈ બનવા લાગ્યા હતા; આમ ઈસાઈ જ ભારતના પ્રથમ દલિત ઉદ્ધારક કહેવાય. અંગ્રેજો સાથે લોકતંત્રનો વિચાર પણ આવ્યો હતો. અછૂત જાતિઓ માટે શિક્ષણના દરવાજા પ્રથમ વખત ખૂલ્યા. શિક્ષણે તેમનામાં દલિત-ચેતના જાગૃત કરી. સવાલ એ છે કે શું સાવરકરે દલિતોને તેમના રાજનીતિક અધિકારો માટે જાગૃત કર્યા હતા? શું તેમણે અછૂતોને શિક્ષિત કરવા કોઈ સ્કૂલ, કોલેજ, છાત્રાલયનું નિર્માણ કર્યું હતું? શું અછૂતોના ગંદા ધંધા સામે કોઈ આંદોલન કર્યું હતું? શું તેઓ અછૂતોને સરકારી નોકરી મળે તે માટે મદદરૂપ થયા હતા? જ્યારે આંબેડકરે 1927માં મહાડ સત્યાગ્રહ; 1930માં કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો ત્યારે સાવરકર ચૂપ કેમ રહેલ? મનુસ્મૃતિ અછૂતોને શિક્ષણથી, ધનથી, સામાજિક વ્યવહારથી વંચિત રાખવાનું કહે છે. સાવરકર જ્યારે મનુસ્મૃતિને ગ્રંથ પવિત્ર માનતા હોય ત્યારે તેઓ કઈ રીતે દલિત ઉદ્ધાર કરી શકે?
આ પણ વાંચો:2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે
RSS પ્રચાર કરે છે કે, “આંબેડકરે સત્યાગ્રહની પ્રેરણા ગીતામાંથી લીધી હતી”. ‘બહિષ્કૃત ભારત’ના 25 નવેમ્બર 1927ના અંકમાં આંબેડકરે લખ્યું હતું- “ગીતા સત્યાગ્રહ ઉપર એક આધ્યાત્મશાસ્ત્ર છે. અછૂત લોકો સવર્ણોથી સમાન અધિકાર પામવાનો જે આગ્રહ કરે છે, તે સત્યાગ્રહ છે.” કોઈપણ વ્યક્તિમાં પરિવર્તન પરિસ્થિતિઓ અનુસાર થતું હોય છે. શું 14 ઓક્ટોબર 1956ના રોજ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો તે જ આંબેડકર 1927માં હતા? આંબેડકરનો પરિવાર ધાર્મિક હતો; જેમ કે શરૂઆતમાં તમામ ગરીબ પરિવાર હોય છે. ધાર્મિક પરિવારમાં પૂજાપાઠ અને અંધવિશ્વાસ સામાન્ય હોય છે. આંબેડકર કહે છે કે “સ્વતંત્રતા, સમાનતા, બંધુતા- આ ત્રણ શબ્દો મેં ફ્રાન્સની ક્રાન્તિમાંથી નહીં બુદ્ધના વિચારોમાંથી ગ્રહણ કર્યા છે.” જ્યારે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા; આ ત્રણ શબ્દો હિન્દુ ધર્મના કોઈ શાસ્ત્રમાં નથી, તો આંબેડકર હિન્દુત્વથી પ્રભાવિત કઈ રીતે હોય? આંબેડકરે ગાંધીજીને લખ્યું હતું કે “કોઈ પણ હિન્દુ સંતે જાતિ વ્યવસ્થા ઉપર ક્યારેય પ્રહાર કર્યો નથી. કોઈપણ હિન્દુ સંતે અસ્પૃશ્યતાની વિરુદ્ધ કોઈ અભિયાન ચલાવ્યું ન હતું.” RSS કહે છે કે ‘1913માં આંબેડકર ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા ગયા ત્યારે ગૌમાંસ ખાવાનું છોડી દીધું હતું.’ પરંતુ આંબેડકરે લખ્યું છે કે ‘અહીંનું મોટાભાગનું ભોજન ગાયના માંસનું હોય છે; જે સારી રીતે રંધાયેલું પણ હોતું નથી.’ આંબેડકરે બીફ એટલા માટે નહોતું છોડ્યું કે તેઓ ગોભક્ત હતા; પરંતુ એટલા માટે છોડ્યું હતું કે તે ખરાબ રીતે અધકચરું રંધાયેલ આવતું હતું. RSS કહે છે કે ‘આંબેડકરે મંદિર પ્રવેશ માટે કેટલાંય સત્યાગ્રહ ચલાવ્યાં હતા.’ પરંતુ તેમનો વિરોધ શામાટે થયો હતો? હિન્દુ ધર્મને જીવતો રાખવાવાળા શૂદ્ર અને અછૂત વર્ગ જ છે. બધાં હિન્દુ સંસ્કારો, આડંબરો, રીતરિવાજો, તહેવારો આ જ વર્ગ પોતાના ખંભા ઉપર લઈને ચાલી રહ્યો છે. આંબેડકરે સવાલો ઊઠાવ્યા હતાઃ “હિન્દુત્વની રક્ષા કરીને અછૂતોને શું મળ્યું? હિન્દુત્વએ તેમના માટે શું કર્યું? શું તેમને મનુષ્યનો દરજ્જો આપ્યો?” RSS મહારાણા પ્રતાપને હિન્દુત્વના નાયક માને છે. શું તેમણે એ લાખો વિચરતા યોદ્ધાઓની ચિંતા કરી; જે મહારાણા પ્રતાપની સાથે જંગલોમાં ઘાસ ઝાડ-પાનના રોટલા ખાઈને જીવતા હતા અને જેમણે મરતા સુધી મહારાણા પ્રતાપને સાથ આપ્યો હતો? આજે તેમના વંશજ ખરાબ હાલતમાં ઘર ઘર ઠોકરો ખાઈને ભટકે છે. હિન્દુત્વે તેમના માટે શું કર્યું? RSSએ તેમના પુન:વસવાટ માટે કોઈ કામ કર્યું છે? તેમના શિક્ષણનો પ્રબંધ કર્યો છે? આંબેડકર લખે છે કે “હિન્દુ સમજે છે કે દલિત જાતિઓ તેમની સેવા માટે પેદા કરવામાં આવી છે. હિન્દુ કહે છે કે ‘હિન્દુ સભ્યતા દુનિયાની સૌથી જૂની સભ્યતા છે.’ પરંતુ આ સભ્યતાએ જનજાતિઓ, અછૂતોને સમાનતાનો અધિકાર આપ્યો છે? સભ્યતાનું અજવાળું આપ્યું છે?” RSS આંબેડકરનો જય જયકાર કરે છે, પરંતુ આ જય જયકાર તેમના જીવનકાળમાં કેમ કર્યો નહીં? જ્યારે આંબેડકરે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું ત્યારે RSS એ તેમને હિન્દુધર્મના શત્રુ કહીને સડકો પર પ્રદર્શનો કેમ કર્યા હતા? આંબેડકરના પૂતળા કેમ સળગાવ્યા હતા? હવે આંબેડકર RSS ની નજરમાં હિન્દુવાદી, ગૌભક્ત, ભગવાપ્રેમી કઈ રીતે થઈ ગયા? શું RSS દલિતોની આંખોમાં ધૂળ નથી નાખતું?
RSS કહે છેઃ “આંબેડકરે મુસ્લિમોને ન સુધરે તેવી કોમ કહી હતી.” ‘પાકિસ્તાન આર ધ પાર્ટિશન ઓફ ઈન્ડિયા’ પુસ્તકમાં આંબેડકરે લખ્યું છેઃ ‘એ દુ:ખદ છે કે ભારતના મુસ્લિમોમાં સમાજ-સુધારનું સંગઠિત આંદોલન નથી ઊભર્યું; જે આ અનિષ્ટોને સફળતાપૂર્વક નાબૂદ કરી શકે. હકીકતમાં મુસ્લિમો એ અનુભવ જ નથી કરતા કે તે અનિષ્ઠો છે. પરિણામે તેઓ તેને ખતમ કરવા માટે સક્રિય પણ નથી રહેતા. ઉલ્ટાના તે પોતાની પ્રથાઓમાં કોઈ પરિવર્તનનો વિરોધ કરે છે.’ પરંતુ આગળ આંબેડકરે જે લખ્યું છે તે RSS છૂપાવે છે. આંબેડકરે લખ્યું છેઃ “ભારતના મુસ્લિમોમાં સુધારાની ભાવના નથી તેનું કારણ મને એ દેખાય છે કે અહીં મુસ્લિમો એવા હિન્દુ વાતાવરણમાં રહે છે, જે ધીરે ધીરે ખમોશીથી તેમના ઉપર હાવી થઈ રહ્યો છે. અને તે પોતાના ઈસ્લામીકરણ માટે જોખમ અનુભવ કરે છે. તેથી તે પોતાના ઈસ્લામીકરણને સુરક્ષિત રાખવા માટે દરેક એ ચીજ કરે છે, જે ઈસ્લામિક છે. પોતાના અસ્તિત્વને બચાવવા માટે હિન્દુઓની વિરુદ્ધ સંઘર્ષ કરવામાં જ લાગી રહે છે; તેથી તેમની પાસે સુધારાઓ માટે સમય જ નથી.”
આ પણ વાંચો:શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?
RSS કહે છે કે “આંબેડકર સામ્યવાદના વિરોધી હતા.” આંબેડકરના સમયે સામ્યવાદના એજન્ડામાં જાતિના પ્રશ્નો ન હતા તેથી આંબેડકર તેમને પસંદ કરતા નહોતા. પરંતુ સમાજવાદીઓને પસંદ કરતા હતા; જેમના રાજનીતિક એજન્ડામાં દલિત પ્રશ્નો હતા. પરંતુ બૌદ્ધ ધર્મમાં તેમના ધર્માંતર પછી પણ પરિસ્થિતિ બદલાઈ નહીં. તેઓ આજે જીવિત હોત તો એ વાતનો જરૂર અનુભવ કરત કે બૌદ્ધ ભારતમાં પણ જાતિ, ગરીબી, શોષણના પ્રશ્નો ઊભા છે અને સમાજવાદી શક્તિઓ પણ આ પ્રશ્નોની ઉપેક્ષા કરીને જાતિભેદ અને ધર્મની જ પૂંજીવાદી રાજનીતિ કરી રહ્યા છે. તેથી ભારતને RSS અને ધર્મની જાળમાંથી મુક્તિ અપાવવા સામ્યવાદ સિવાય કોઈ રસ્તો નથી. શ્રમિક વર્ગોના બે દુશ્મન છે- પુરોહિતવાદ અને પૂંજીવાદ. આ બન્નેનો ખાત્મો ત્યારે જ થઈ શકે છે જ્યારે તે માટે દલિત, શોષિત વર્ગ પોતાની લડાઈને વર્ગીય બનાવશે. આંબેડકર પૂછે છેઃ “શું હિન્દુ ધર્મમાં સમાનતાનું દર્શન છે? શું હિન્દુ ધર્મમાં સ્વતંત્રતાનું દર્શન છે? શું હિન્દુ ધર્મમાં બંધુત્વનું દર્શન છે? હિન્દુ ધર્મ સામાન્ય મનુષ્યના અંતરંગ જીવનને ખતમ કરી નાખે છે. મનુષ્યને પંગુ બનાવવાનું કામ કરે છે. હિન્દુ ધર્મમાં સામાન્ય માણસો માટે કોઈ સુખ નથી. તેમાં સામાન્ય માનવ દુ:ખો માટે કોઈ સંવેદના નથી. આ ઉચ્ચ વર્ણોનું સ્વર્ગ છે અને સામાન્ય માનવીનું નર્ક છે.”
‘RSS અને બહુજન ચિંતન’ પુસ્તક દ્વારા લેખક કંવલ ભારતીએ RSSના પાખંડનો, જૂઠનો સરળ શૈલીમાં જબરજસ્ત પર્દાફાશ કર્યો છે. આ પુસ્તકને ગુજરાતીમાં ઢાળનાર ગોવિંદ ગોહિલ પણ ધન્યવાદને પાત્ર છે. ગુજરાતના દલિતો, આદિવાસીઓ, વંચિતો, જાગૃત નાગરિકો આ પુસ્તકને જરૂર આવકારશે.
ગોડસેવાદી સત્તાપક્ષને બરાબર સમજવા માટે ભાગ 1 થી 5 શાંત ચિત્તે ફરી વાંચી જાવ. દ્રષ્ટિ સાફ કરતું આવું પુસ્તક ગુજરાતીમાં હોવું જોઈએ. ગોવિંદ ગોહિલે અનુવાદ તો કર્યો પરંતુ પુસ્તક પ્રકાશિત થઈ શક્યું નથી. આ પુસ્તક માટે મેં પ્રસ્તાવના લખી હતી તે આ ભાગ 1 થી 5. આપણે ઈચ્છીએ કે ગોડસેવાદીઓના પર્દાફાશ માટે નાગરિકો આગળ આવે.
- રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)
આ પણ વાંચો:RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.