'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કઈ રીતે જય શ્રીરામના નારાને જય ભીમના નારાએ પાછળ છોડી દીધો તેની અથથી ઇતિ સુધીની કહાની અહીં પ્રસ્તુત છે.

'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં મળેલી હારમાંથી બહાર આવી શકી નથી. લોકસભાની 80 બેઠકોમાંથી ભાજપે 75 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ ભાજપ તેના જૂના સાથીઓ સાથે રહીને પણ આ લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી. યુપીમાં એનડીએએ કુલ 36 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઈન્ડિયા ગઠબંધનને 43 બેઠકો મળી હતી. ભાજપ માટે તેના જ ગઢમાં આ કારમી હાર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ભાજપની આગેવાની હેઠળના એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાં NDA 48 માંથી 31 સીટો પર હારી ગયું, પરંતુ યુપીમાં ભાજપની હાર વધુ નોંધપાત્ર છે.

આ જ કારણ છે કે આ દિવસોમાં યુપી ભાજપમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે. આ હાર માટે જવાબદાર કોણ? આ માટે હજુ પણ સંઘર્ષ ચાલુ છે. પરંતુ આ હારના કારણે નરેન્દ્ર મોદીને એનડીએ સરકાર બનાવવાની ફરજ પડી હતી. '56 ઇંચની છાતીવાળા' અને 'એક અકેલા સબ પે ભારી' કહેવાતા નરેન્દ્ર મોદી હાલમાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની કાંખઘોડીના સહારે સરકાર ચલાવી રહ્યા છે.

મૂળ પ્રશ્ન એ છે કે યુપીમાં ભાજપની હાર શા માટે થઈ અને આ હારને આટલી મોટી કેમ ગણવામાં આવી રહી છે? ઉત્તર પ્રદેશ રામમંદિર આંદોલનનું કેન્દ્ર છે જેના સહારે ભાજપ સત્તા સુધી પહોંચી હતી. 1980માં સ્થપાયેલી ભાજપના રામ મંદિર આંદોલનનું પહેલું પરિણામ 6 ડિસેમ્બર 1992ના રોજ આવ્યું, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી. લગભગ 27 વર્ષ પછી 2019માં, સુપ્રીમ કોર્ટે હિંદુઓની લાગણીઓના આધારે વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનો આદેશ જારી કર્યો. 5 વર્ષ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.

આ પણ વાંચો: બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર

ભાજપને આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી રામમંદિરના આધારે સરળતાથી જીતી જવાશે. પરંતુ ચૂંટણી પરિણામોએ માત્ર ભાજપને જ નહીં પરંતુ ભલભલાં મોટા રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. અયોધ્યા સ્થિત ફૈઝાબાદ સીટ પર પણ ભાજપ ચૂંટણી હારી ગઈ. ભાજપ માટે આ ઘા પર મીઠું ભભરાવતી વાત એ હતી કે અહીં જીતેલા સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ પાસી દલિત છે. અયોધ્યામાં ભાજપની હાર અત્યંત શરમજનક સાબિત થઈ. આનું એક પરિણામ એ આવ્યું કે ત્યારથી નરેન્દ્ર મોદીએ જય શ્રી રામના નારા લગાવવાનું બંધ કરી દીધું, જે રામ મંદિર આંદોલન અને ભાજપની રાજનીતિનું સૌથી તેજાબી શસ્ત્ર હતું.

ઉત્તર પ્રદેશમાં ભાજપની હારની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તેની સૌથી મોટી બ્રાન્ડ નરેન્દ્ર મોદી બનારસથી ચૂંટણી લડે છે. તેમના સિવાય હિન્દુત્વની સૌથી કટ્ટર છબી ધરાવતા યોગી આદિત્યનાથ છેલ્લા 7 વર્ષથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. હિન્દુત્વના બે સૌથી મોટા ફાયર બ્રાન્ડ ચહેરા હોવા છતાં યુપીમાં ભાજપની હાર મોટા પ્રશ્નો ઉભા કરે છે. 

પરંતુ જે રાજકીય વિશ્લેષકોને યુપીના પરિણામો પર વિશ્વાસ નથી આવી રહ્યો તેઓ કદાચ ભૂલી ગયા છે કે ઉત્તર પ્રદેશ માન્યવર કાંશીરામની પણ જન્મભૂમિ છે. 1970-80ના દાયકામાં કાંશીરામે ઉત્તર પ્રદેશમાં સાંસ્કૃતિક ચળવળ દ્વારા દલિતો, પછાત અને મુસ્લિમો વચ્ચે બહુજન એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. 1984માં તેમણે BSP જેવી રાજકીય પાર્ટી બનાવી હતી.

બસપા રાષ્ટ્રીય પક્ષ તરીકે હજુ પણ મજબૂત છે. માયાવતી ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. એક સમયે બહેનજીને રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાન પદના ચહેરા તરીકે પણ જોવામાં આવતા હતા. પરંતુ 2012માં યુપી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ બસપા વધુ સફળતા મેળવી શકી નહોતી. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ઉત્તર પ્રદેશ પણ 2017માં ભાજપના હાથમાં આવ્યું. ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. આ વર્ષોમાં માયાવતીની નિષ્ક્રિયતા અને મૌનને કારણે દલિત રાજકારણ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે આ ભૂમિ પર દલિત ચેતનાનો વિકાસ સતત થતો રહ્યો.

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર પાછળ આ દલિત ચેતના અને આંબેડકરવાદી ચિંતન છે. છેલ્લા 10 વર્ષમાં દલિત-બહુજન રાજકારણ સતત નબળું પડતું રહ્યું. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું. હિંદુ કોમી ઉન્માદ વધ્યો. મુસલમાનોની અને દલિતો-પછાતો સામે કોમવાદી કુપ્રચારની આખી મશીનરી કામે લગાડી દેવાઈ. સત્ય એ છે કે ભાજપ અને આરએસએસની આંતરિક રાજનીતિ વાસ્તવમાં દલિતો અને પછાત વર્ગોના અધિકારો અને રાજકીય પ્રભાવની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: “મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું

આરએસએસ જાણે છે કે મુસ્લિમો તેમના માટે ક્યારેય પડકાર બની શકે તેમ નથી. આરએસએસનું હિન્દુત્વ નવો બ્રાહ્મણવાદ છે. આરએસએસ સામાજિક સમરસતાના નામે જાતિગત અસમાનતા જાળવવા માંગે છે.

તેમની સામે ખરો પડકાર બંધારણીય વ્યવસ્થા છે. તેથી દલિત ચેતના અને મંડલની રાજકીય એકતાને નષ્ટ કરવા માટે ભાજપ-આરએસએસએ દલિતો અને પછાત વર્ગોના સ્વાર્થી, જીહજૂરિયા અને અસ્તિત્વહીન નેતાઓને પસંદ કર્યા. આ મહોરાં દ્વારા ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકારે અનામત, શિક્ષણ, નોકરી જેવા દલિતો અને પછાત વર્ગોના બંધારણીય અધિકારોને અર્થહિન બનાવી દીધા. બહુજન નાયકોની પ્રતિમાઓને પ્રતીકોમાં ફેરવીને તેમને માત્ર મત મેળવવાનું માધ્યમ બનાવી દીધી. આ દરમિયાન, રોહિત વેમુલાની આત્મહત્યા(17 જાન્યુઆરી, 2016), ઉનાકાંડમાં 7 દલિતોને જાહેરમાં માર મારવાની ઘટના(11 જુલાઈ, 2016) ના ગુનેગારોને કોઈ સજા મળી નથી. યુપીના હાથરસમાં પણ માથાભારે ગુનેગારો પર સરકાર મહેરબાન રહી, જ્યારે પીડિત પરિવાર હજુ પણ ન્યાયની શોધમાં છે.

ઉત્તર પ્રદેશમાં દલિત અત્યાચારની ઘટનાઓ પર પોલીસ ખાતું પગલાં લેવા તૈયાર જણાતું નથી. ઉલટું પોલીસ પોતે જ દલિતો પર અત્યાચાર કરવા લાગી. યોગી આદિત્યનાથના સાશનમાં કથિત સવર્ણ જાતિઓની બોલબાલા વધી. મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં પીઆઈ ઠાકુર જાતિના બેસી ગયા. એસપી, ડીએમ, તહસીલદાર વગેરે જેવા તમામ મહત્વના હોદ્દાઓ પર સવર્ણોનો કબ્જો થઈ ગયો. દલિત, પછાત અધિકારીઓ અને કર્મચારીઓને સાઈડલાઈન કરવામાં આવ્યા.

પરિણામ એ આવ્યું કે દલિતોને પોલીસ સ્ટેશનથી લઈને યુનિવર્સિટી સુધી દરરોજ અન્યાય અને અપમાનનો સામનો કરવો પડ્યો. અન્યાય સામે વધતી જતી ચેતનાએ ઘણા બૌદ્ધિકો, લેખકો અને પત્રકારોને એક્ટિવિસ્ટ બનાવી દીધાં. તેમણે રાજકીય પક્ષો અને નેતાઓ તરફ જોવાનું બંધ કરી દીધું અને પોતે સમાજમાં સક્રિય થયા અને મહાનાયક બાબાસાહેબના વિચારો અને સંદેશા લઈને સમાજની વચ્ચે પહોંચ્યા. 

આ દરમિયાન કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી. ઉદાહરણ તરીકે, જ્યારે SC-ST એક્ટને સુપ્રીમ કોર્ટે નબળો પાડ્યો, ત્યારે તેની પાછળ કેન્દ્ર સરકારનો ઈરાદો છુપાયેલો હતો. તેની સામે 2 એપ્રિલ 2018ના રોજ દેશવ્યાપી આંદોલન થયું હતું. આ આંદોલનમાં ડઝનબંધ દલિત યુવાનો શહીદ થયા હતા. આ ચળવળ કોઈપણ રાજકીય પક્ષ કે નેતૃત્વ વિના, માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર દ્વારા ઉભી થઈ હતી. આ સ્વયંભૂ આંદોલન સામે કેન્દ્ર સરકારે ઝુકવું પડ્યું હતું.

આ પણ વાંચો: 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું

આ પછી માર્ચ 2019માં 13 પોઇન્ટ રોસ્ટર અનામતને લઈને પણ આંદોલન થયું અને એમાં પણ સફળતા મળી. આ ચળવળોએ દલિત સમાજના શિક્ષિત યુવાનોને સંગઠિત થવા, સંઘર્ષ કરવા અને વિજય હાંસલ કરવાની હિંમત આપી. આ ડૉ.આંબેડકરના વિચારોની સૌથી મોટી જીત સાબિત થઈ. હકીકતમાં બાબા સાહેબના સપનાને સાકાર કરવાનું કામ આ દાયકાના દલિત બૌદ્ધિકો અને યુવાનોએ કર્યું હતું. દલિત કાર્યકરોએ સમાજને બતાવ્યું કે કેવી રીતે નિઃશસ્ત્ર અને નેતૃત્વ વિના માત્ર વિચારની તાકાતથી એક અહંકારી અને ક્રૂર સત્તા સામે કેવી રીતે લડી શકાય છે.

1925માં સ્થપાયેલું RSS એ ભાજપનું મૂળ સંગઠન છે. શરૂઆતથી જ તેમનો ઉદ્દેશ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો છે. તેથી, RSSએ કોંગ્રેસના નેતૃત્વમાં સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો ન હતો. ઊલટું, તેમણે અંગ્રેજોને ટેકો આપ્યો. આરએસએસે સ્વતંત્રતા ચળવળના મૂલ્યો, વિચારો અને તેમાંથી ઉદ્દભવેલા ભારતના બંધારણને ક્યારેય ન તો પસંદ કર્યું ન સ્વીકાર્યું. ડૉ. આંબેડકરે 1940માં જ સાવરકરના હિંદુત્વ અને આરએસએસના હિંદુ રાષ્ટ્રના ખતરાને માપી લીધું હતું. તેથી જ તેમણે દલિતોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે "જો હિન્દુ રાષ્ટ્ર બનશે તો તે દલિતો માટે સૌથી મોટી આફત સાબિત થશે. માટે કોઈપણ કિંમતે તેને રોકવું જોઈએ."

ડૉ. આંબેડકરે બંધારણ દ્વારા અસમાનતા અને ભેદભાવ નાબૂદ કરીને દલિતો અને આદિવાસીઓને સમાન તકો પૂરી પાડવા માટે અનામતની જોગવાઈ કરી હતી. આરએસએસના બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરે તેમના પુસ્તક 'બંચ ઓફ થોટ્સ'માં વર્ણ અને જાતિ પ્રથાનું સમર્થન કર્યું હતું. આરએસએસ શરૂઆતથી જ અનામત વિરોધી, પુરુષપ્રધાન અને સમાજમાં બ્રાહ્મણોના વર્ચસ્વનું સમર્થક છે. કોંગ્રેસ અને ડાબેરીઓએ આરએસએસ અને ભાજપની સાંપ્રદાયિક રાજનીતિનો તો વિરોધ કર્યો પરંતુ તેમના 'અનામત વિરોધ' અને 'જાતિ વ્યવસ્થાના સમર્થન'નો ક્યારેય મજબૂતીથી વિરોધ નથી કર્યો.

એનું  જ કારણ છે કે, 1980ના દાયકામાં પછાત અને દલિત રાજકારણ ઉભરી આવ્યું. આ પડકારને પહોંચી વળવા માટે એક તરફ આરએસએસ અને ભાજપે કમંડલની રાજનીતિ શરૂ કરી અને બીજી તરફ તક મળ્યે બંધારણ અને અનામત પર પ્રતિક્રિયા આપી. સત્તામાં આવ્યા પછી અટલ બિહારી વાજપેયીએ ફેબ્રુઆરી 2000માં ન્યાયમૂર્તિ વેંકટ ચિલૈયાની અધ્યક્ષતામાં બંધારણની સમીક્ષા કરવા માટે એક રાષ્ટ્રીય પંચની રચના કરી. આ પંચે 2002માં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો પરંતુ વિરોધના કારણે વાજપેયી સરકારે આ ભલામણોને લાગુ કરવાની હિંમત કરી ન હતી.

નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ આ ખતરો ઓર વધી ગયો. ભાજપ અને આરએસએસ ખૂબ જ શાતિર રીતે આના પર મૌન રહ્યા. અનામતનો વિરોધ કરવાને બદલે તેમણે સરકારી નોકરીઓ ખતમ કરવાની પદ્ધતિ અપનાવી અને તે વધુ અસરકારક સાબિત થઈ. સરકારી શિક્ષણ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી, જેથી દલિતો, આદિવાસી કે ઓબીસીના બાળકો ભણી જ ન શકે.

આ પણ વાંચો: ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો

જેએનયુ જેવી યુનિવર્સિટીને અર્બન નક્સલવાદ અને અય્યાશીનો અડ્ડો કહીને બદનામ કરવામાં આવી. જેએનયુમાંથી સામાજિક પરિવર્તન અને ચેતનાની એક બૌદ્ધિક પેઢી ઉભરીને સામે આવી છે, જે સતત ભાજપ, આરએસએસના બ્રાહ્મણવાદ અને સાંપ્રદાયિકતા સામે મોટો પડકાર ઊભો કરી રહી છે. નરેન્દ્ર મોદીના શાસને આવી તમામ સંસ્થાઓ પર આયોજનબદ્ધ હુમલા કર્યા હતા.

2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ખુલ્લેઆમ જાહેરાત કરવામાં આવી હતી. દલિતો પર અત્યાચાર, અપમાન અને શોષણ વધવા લાગ્યું. આરએસએસની સ્થાપનાના 100માં વર્ષમાં હિન્દુ રાષ્ટ્રની ઘોષણા કરવાનો ધ્યેય હતો. આ ખતરાની ગંધ પારખીને દલિત સમાજનો જાગૃત વર્ગ બધું જ દાવ પર લગાવીને સક્રિય થયો. બાબા સાહેબના વિચારો અને તેમની ચિંતાઓ પર નિયમિતપણે સેમિનારોનું આયોજન થવા લાગ્યું. બંધારણ, અનામત, શિક્ષણ, સન્માન અને સ્વાભિમાન બચાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું.

લાંબા સમય પછી, દલિત-વંચિત સમાજ બાબા સાહેબના અધૂરા સપના અને બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા આગળ વધ્યો. મહારાષ્ટ્રની બહારના કોઈપણ રાજ્યમાં આ પહેલીવાર હતું જ્યારે લોકો બૌદ્ધ ધર્મ તરફ ઝુકવા લાગ્યા. વિવિધ સ્થળોએ બૌદ્ધ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદોમાં ખૂલીને 22 પ્રતિજ્ઞાઓનું પુનરાવર્તન થવા લાગ્યું. સરકારી સ્તરે આયોજકોને હેરાન કરવામાં આવ્યા, કાર્યક્રમના આયોજનની પરવાનગી આપવામાં અડચણો ઉભી કરવામાં આવી, પણ બહુજન સમાજ ડગ્યો નહીં.

દલિત બૌદ્ધિકોને ચૂપ કરવા અને તેમનું મનોબળ તોડવા હુમલા કરવામાં આવ્યા. તેમની સામે કેસ નોંધવામાં આવ્યા, પોલીસ અને કોર્ટ તરફથી પણ તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. દલિતો પરના અત્યાચારો જેમ જેમ વધતા ગયા તેમ તેમ તેઓ વધુ અવાજ ઉઠાવતા ગયા. તેમની સામે એક તરફ હિંદુત્વની ગુલામી અને બીજી બાજુ બંધારણની સ્વતંત્રતા હતી. તેને પોતાના સમાજ અને આવનારી પેઢીના ભવિષ્યની ચિંતા હતી. 2019માં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને 2024માં મંદિરના ઉદ્ઘાટન વચ્ચે એક લહેર ચાલી રહી હતી, જે કદાચ અન્ય લોકો જોઈ શક્યા નહોતા. બહુજન સમાજ અને તેમાં ખાસ કરીને દલિતોએ મોટા પાયે હોળી અને દિવાળી જેવા હિન્દુ તહેવારોની ઉજવણી કરવાનું બંધ કરી દીધું હતું. તેમણે હિંદુ દેવી-દેવતાઓને છોડીને બહુજન ક્રાંતિકારીઓ અને આધ્યાત્મિક ગુરુઓ-સંતોને પોતાની આસ્થાનું કેન્દ્ર બનાવ્યા.

આ પણ વાંચો: તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા

બુદ્ધ, કબીર, રૈદાસથી લઈને આધુનિક ભારતના બહુજન નાયકો જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ, રામાસ્વામી પેરિયાર, છત્રપતિ શાહુજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર, સંત ગાડગે મહારાજ, રામસ્વરૂપ વર્મા, પેરિયાર લાલાઈ સિંહ, કર્પુરી ઠાકુર જેવા તમામ મહાનાયકોની જન્મજયંતિઓ બહુજનો માટે તહેવારો બની ગયા. જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સેમિનારમાં બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી, બુદ્ધની પૂજા કરવામાં આવી હતી અને શપથ લેવામાં આવ્યા હતા કે અમે ભારતને હિંદુ રાષ્ટ્ર નહીં બનવા દઈએ. અમે બંધારણની રક્ષા કરીશું. બાબા સાહેબની જન્મજયંતિનો એપ્રિલ મહિનો દલિતો માટે ઈદ અને દિવાળી કરતાં પણ વધુ મહત્વનો બની ગયો.

ફાઈનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, આ વર્ષે 14મી એપ્રિલે દેશભરમાં મનાવવામાં આવેલી આંબેડકર જયંતિ પર 5000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. દલિત યુવાનો ડીજે અને સંગીતનાં તાલે, હાથમાં વાદળી ધ્વજ સાથે મોટા સરઘસોમાં નીકળે છે. છેલ્લા 5 વર્ષોમાં, બહુજન નાયકોની જન્મજયંતિઓ અને સરઘસો દલિત અસ્મિતા, અસ્તિત્વ અને તેમના અધિકારોની નોંધ માટેનું સૌથી મોટું માધ્યમ બની ગયા છે. છેલ્લા 5 વર્ષમાં આ સેમિનાર, કોન્ફરન્સ અને મીટિંગ્સની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. આ સેમિનારના મુખ્ય વિષયો બંધારણની રક્ષા, હિન્દુ રાષ્ટ્રનો વિરોધ અને બાબા સાહેબ આંબેડકરના વિચારો છે. સ્વાભાવિક રીતે જ તેમાં રાજકીય દ્રષ્ટિકોણથી ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો થયા અને બહુજનની એકતાના સંકલ્પનું વારંવાર પુનરાવર્તન થયું.

સંભવતઃ, ભાજપ દલિત બહુજનમાં ચાલી રહેલા આ આંદોલનને સમજવામાં સફળ રહ્યું ન હતું અથવા તેને આ નેતાવિહીન તાકાતનો ખ્યાલ નહોતો. કદાચ ભાજપને તેના હિન્દુત્વમાં વિશ્વાસ હતો. તેથી, રામ મંદિરના ઉદ્ઘાટન પછી (22 જાન્યુઆરી 2024), નરેન્દ્ર મોદીએ 'અબકી બાર 400 પાર'નું સૂત્ર આપ્યું. આનાથી ઉત્સાહિત થઈને ભાજપના ડઝનબંધ નેતાઓએ બંધારણ બદલવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો. આનાથી દલિતોને આવનાર ખતરાની પુષ્ટિ થઈ.

આ વિદ્રોહનું નેતૃત્વ કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિના હાથમાં ન હોવાથી, જ્યારે રાહુલ ગાંધી અને અન્ય ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ બંધારણને પોતાના હાથમાં લઈને તેને બચાવવાની વાત કરી, ત્યારે દલિતોએ તેમની જૂની રાજકીય પ્રતિબદ્ધતાઓ છોડી દીધી અને બંધારણ બદલવાની વાતો કરતી ભાજપને હરાવવા માટે કમર કસી લીધી. છેલ્લા 15 વર્ષમાં આવું પહેલીવાર બન્યું જ્યારે દલિતોની અંદર જ્ઞાતિની દીવાલો તૂટી ગઈ અને વિરોધાભાસનો અંત આવ્યો. ભાજપમાંથી આવતા પોતાની જાતિના ઉમેદવારને પણ દલિતોએ છોડી દીધા અને મોટા પાયે દલિતોએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા.
ઉત્તર પ્રદેશમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ દલિતોની પ્રતિક્રિયા હતી. 21.5 ટકા મત નિર્ણાયક સાબિત થયા. ભાજપના 'જય શ્રીરામ'ની સામે 'જય ભીમ'નો નારો બુલંદ થયો. આંબેડકરવાદ હિંદુત્વ પર ભારે પડ્યો. યુપીમાં દલિતોએ ભાજપને એવી હાર આપી છે જેને તે લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. આનાથી સમગ્ર દેશમાં આંબેડકરવાદના મૂળ વધુ મજબૂત થયા છે.

આ પણ વાંચો: અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • સાહિલ પરમાર
    સાહિલ પરમાર
    આવી લહેર ગુજરાતના દલિતોમાં જાગવી જરૂરી છે.ખરેખર પ્રબળ દલિત ચેતનાના મુદ્દે ઉત્તર પ્રદેશ ગુજરાત કરતાં ઘણું આગળ છે. સટિક વિશ્લેષણ સાથેનો અહેવાલ. વિશ્લેષકને અભિનંદન.
    4 months ago
  • Natubhai Parmar
    Natubhai Parmar
    ખૂબ ઉત્કૃષ્ટ અને વિચારપ્રધાન આલેખન બદલ અભિનંદન. લેખક કોણ?! જણાવશો.
    4 months ago
    • KhabarAntar
      ખબરઅંતર.કોમ દ્વારા જ તૈયાર કરાયો છે.
      4 months ago