જિલ્લા કોર્ટોમાં 3 કરોડ, હાઈકોર્ટોમાં 57 લાખ, સુપ્રીમમાં 66000 કેસ પેન્ડિંગ
ભારતમાં ન્યાયતંત્ર પર પેન્ડિંગ કેસોનો કેટલો મોટો ગંજ ખડકાયેલો છે તે આ લેખના હેડીંગ પરથી સમજી શકાશે. સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેના ઉકેલની વાત કરે છે.
ચંદુ મહેરિયા
પંચ પરમેશ્વરની ભૂમિ ભારતની ન્યાય વ્યવસ્થામાં લોક અદાલત જેવી કોઈ વ્યવસ્થા ના હોય તો જ નવાઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના આ અમૃત વરસમાં તાજેતરમાં વિશેષ લોક અદાલત સપ્તાહ ઉજવાયું હતું. લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ભલે સુપ્રીમ કોર્ટની રચનાના ઘણાં વરસો પછી મળ્યો. પરંતુ તે એક યા બીજા સ્વરૂપે દેશમાં વિધ્યમાન હતી જ. એટલે તેના આરંભના સગડ મેળવવા અઘરા છે.
બંધારણના આમુખમાં પ્રત્યેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન છે. અનુચ્છેદ ૧૪ અને ૨૨(૧)માં રાજ્ય માટે કાયદા સમક્ષ સૌ સરખા હોવાની ખાતરી આપવામાં આવી છે. છતાં સૌને ન્યાય સુલભ નથી. ભારતમાં ન્યાય અતિ મોંઘો, થકવી નાખે એટલો વિલંબિત અને નિરાશ કરે એટલો ધીમો છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો દુષ્કર છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા હેઠળ અનુચ્છેદ ૩૯(એ) ઉમેરવામાં આવ્યો છે. ઈકવલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એઈડની જોગવાઈ ધરાવતા આ અનુચ્છેદના અમલ માટે ૧૯૮૫માં લીગલ સર્વિસીઝ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તે અન્વયે ૧૯૯૫માં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી( NALSA) ની રચના કરવામાં આવી હતી. આ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ થકી લોક અદાલતને વૈધાનિક અને કાનૂની દરજ્જો મળ્યો છે.
નિ:શુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે.ન્યાયની તલાશમાં આમ આદમી, સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે. લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ, સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે. એટલે જ તે લોકોની અદાલત કહેવાય છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે. જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતીથી ઉકેલાય છે તેમાં કટુતા, શત્રુતા અને તણાવ હોતા નથી. પરસ્પરનો ભાઈચારો, સૌહાર્દ અને સદભાવના ટકે છે.
ટ્રાયલ કોર્ટસ, હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોનો ગંજ ખડકાયેલો છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ પ્રમાણે દેશની જિલ્લા અને અન્ય અદાલતોમાં આશરે ૩ કરોડ, હાઈકોર્ટસમાં ૫૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૬૬,૦૦૦ કેસો પડતર છે. હાલની ગતિએ તેનો નિવેડો આવતાં સવા ત્રણસો વરસ લાગી શકે છે. એટલે અદાલતી ન્યાયમાં થતો વિલંબ નિવારવો અને ન્યાયની પહોંચ સૌ સુધી હોય તે માટેના પગલાં કાયદા પંચ અને બીજી કમિટીઓએ શોધ્યા હતા. તેમણે સૂચવેલા સુધારાત્મક ઉપાયને અનુસરીને સર્વિસ ટ્રિબ્યૂનલ, મોટર વાહન ટ્રિબ્યૂનલ, રેલવે ટ્રિબ્યૂનલ અને ગ્રાહક અદાલતો જેવા વૈકલ્પિક મંચો દ્વારા ન્યાય તોળવામાં આવી રહ્યો છે. પરંતુ આ પગલાં પૂરતાં નહોતા એટલે લોક અદાલતોની રચના થઈ છે.
આ પણ વાંચો: સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...
લોક અદાલતોને તમામ પ્રકારના કેસોના નિવારણની સત્તા નથી. વળી તેને સજાની તો બિલકુલ સત્તા નથી. વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે તે સેટલમેન્ટથી જ કેસનો નિવેડો લાવે છે. હા, તેને સિવિલ કોર્ટ જેટલી સત્તા મળેલી છે. લોક અદાલત સમક્ષ અદાલતોમાં પડતર કેસો અને નવા કેસો એમ બંને પ્રકારના કેસો આવે છે. નાના સિવિલ વિવાદો, સર્વિસ મેટર, મકાન માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદો, ખેતીની જમીન, પાક, ઘરની જગ્યા, વૈવાહિક પ્રશ્નો, અધિગ્રુહિત જમીનનું વળતર, મોટર વાહન દુર્ઘટના જેવા કેસો લોક અદાલતમાં વિચારવામાં આવે છે. જો બંને પક્ષો સંમત ના હોય તો ગુણ દોષના આધારે નિર્ણય આપવાની જરાય સત્તા લોક અદાલતને નથી. લોક અદાલતમાં બધા પક્ષો વચ્ચે સુલેહ સમજૂતીથી જે નિર્ણય લેવાય તે તમામને બાધ્યકારી હોય છે અને આ નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી.
કોર્ટમાં વિવાદનો નિર્ણય આવતા વરસો લાગે છે પરંતુ લોક અદાલતમાં ત્વરિત ફેંસલો આવી જાય છે. અદાલતોમા સાક્ષી-પુરાવા અને દલીલો માટે ફરિયાદી અને આરોપી બંને મોંઘીદાટ ફી આપીને રોકેલા વકીલો પર આધારિત હોય છે. જ્યારે લોક અદાલતનો ન્યાય જેમ શીઘ્ર છે તેમ સસ્તો કે નિ:શુલ્ક છે. અહીં કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોર્ટના પ્રથમ ચરણ પૂર્વેના જે કેસો લોક અદાલતમાં આવે છે તેની ભરેલી કોર્ટ ફી પરત મળે છે. વકીલોનો કોઈ ખર્ચો થતો નથી.
લોક અદાલતો રાષ્ટ્રીયથી સ્થાનિક સુધીની હોય છે. કાયમી કે સ્થાયી લોક અદાલત પણ છે. મોબાઈલ અને કેદીઓના પ્રશ્નો માટેની અલાયદી લોક અદાલત પણ જોવા મળે છે. સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દૈનિક, પાક્ષિક અને માસિક ધોરણે લોક અદાલતો યોજે છે. જેમ અદાલતોમાં પડતર કેસોના આંકડાથી આપણે ઘડીભર દંગ રહી જઈએ છીએ તેમ લોક અદાલતો દ્વારા કેસોના નિકાલના આંકડાઓથી પણ થાય છે. ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૨૧માં ચાર રાષ્ટ્રીય ઈ-લોક અદાલતોમાં ૧૨.૮ લાખ કેસોનો નિકાલ થયો હતો. ૨૦૧૬ થી ૨૦૨૦માં રાષ્ટ્રીય લોક અદાલતોએ ૨ કરોડ ૯૦ લાખ કેસોનો નિકાલ કર્યો હતો. એક જ દિવસે રાષ્ટ્રીય લોક અદાલતોએ ૧૧ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.
આ પણ વાંચો: મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો
અદાલતોથી લોકો તંગ આવી ગયા છે એટલે લોક અદાલતો સફળ થઈ રહી છે કે લોક અદાલતોએ નિકાલ કરેલા કેસો ખૂબ સામાન્ય પ્રકારના, આપસી વાતચીતથી ઉકેલાય તેવા હતા એટલે સફળ છે? પડતર કેસોનો બોજ લોક અદાલતથી ઘટે છે તેમ કહી શકાય? લોક અદાલતની વિશેષતા, સફળતા અને લાભ જેમ અનેક છે તેમ તેની મર્યાદાઓ પણ છે. લોક અદાલત ન્યાયની બેવડી પ્રણાલી તો નથી ઉભી કરી રહીને? તેવો સવાલ થાય છે. અમીરો માટે અદાલતો અને ગરીબો માટે લોક અદાલતો તેવી સ્થિતિનું નિર્માણ તો નથી થઈ રહ્યું ને? લોક અદાલતો સમક્ષ આવતા મોટા ભાગના કેસોમાં વાદી અમીર સંસ્થાઓ છે અને પ્રતિવાદી સામાન્ય લોકો છે. એટલે લોક અદાલતોની સુલેહ, સંધિ, સમજૂતી ગરીબોના માથે તો નથી થોપાતીને? ગરીબો પાસે સમજૂતી સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય એટલે કેસનો નિવેડો આવે છે, એટલે ન્યાય થયેલો લાગે પણ વાસ્તવમાં તો અન્યાય છે એવું જો બનતું હોય તો તે લોક અદાલતની નિષ્ફળતા છે. લોક અદાલતનો પ્રાણ સમજૂતી હોય તે બરાબર પણ તેનાથી ન્યાયને હાણ ના પહોંચવી જોઈએ. શીઘ્ર ન્યાયને લીધે ન્યાયની ગુણવત્તાને અસર તો નથી થતી ને? તે બાબતા પણ વિચારણીય છે. લોક અદાલતો ગરીબોનું સશક્તિકરણ કરે છે કે ન્યાયને બદલે સમજૂતી માટે મજબૂર કરે છે તે સવાલ પણ લોક અદાલતની મસમોટી મર્યાદા છે.
૧૯૫૩માં સુપ્રીમ કોર્ટના એડવોકેટ શિવદયાલ ચૌરસિયા ( જન્મ ૧૯૦૩, અવસાન ૧૯૯૫) એ સેન્ટ્રલ લીગલ એઈડ સોસાયટીની સ્થાપના કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા જજિસનો તેમને સહયોગ મળ્યો હતો. સાંસદ તરીકેના તેમના પ્રયત્નોથી જ લોક અદાલતને વૈધાનિક દરજ્જો મળ્યો હતો. એટલે તેમને લોક અદાલતના જનક ગણવામાં આવે છે. જસ્ટિસ પી.એન.ભગવતી જેમ જાહેર હિતની અરજીના તેમ લોક અદાલતોના પણ પુરસ્કર્તા ગણાય છે. ૧૯૮૨માં ગુજરાતમાં ઉના(જિ.જુનાગઢ) ખાતે પહેલી લોક અદાલત યોજાઈ હતી. લાંબી દડમજલ પાર કરી ચુકેલી લોક અદાલતો સમક્ષ આજે ન્યાયની ગુણવત્તા, કાર્યકુશળતા અને પર્ફોરમન્સના સવાલો ઉઠી રહ્યા છે. સમતામૂલક ન્યાયમાં તે કેટલી વૃધ્ધિ કરી શકી છે તે જ માપદંડે તેની સફળતા માપી શકાય.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ