ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ

ભારતની જેલો કાચાં કામના કેદીઓથી ભરેલી છે અને તેમાં સબડતાં મોટાભાગનાં કેદીઓ મોટાભાગે બહુજન સમાજના છે એ વાત હવે કોઈથી છુપી નથી. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે જેલમાં તો સૌ સરખાં, પણ હકીકત તેનાથી જુદી છે. દેશની જેલોમાં પણ જાતિ આધારિત ભેદભાવો થાય છે અને તે બાબતે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. એવામાં સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં ભારતની જેલોની શું પરિસ્થિતિ છે તેની વાત આંકડાઓ સાથે કરે છે.

ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ

ચંદુ મહેરિયા

ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે. 

ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે પરંતુ તેમાં ૧૪૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં, નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃધ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.

જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડૉકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામમાત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ- પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી  ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા, ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે. 

જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે.  જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતી. તેમાંથી ૧૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતી. એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.

દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ.ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જોકે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચાકામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે. 

.

જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવા કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્યપ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે, “જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય(અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે. તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.  

૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણાં રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટાભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જોકે ૨૦૧૬ની આદર્શ જેલ  નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના આધારે રસોડાની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં. પરંતુ આ બાબતનો ભાગ્યે જ અમલ થાય છે. અરે જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે. 

ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્વના કાર્યો કર્યા હતા. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવા કાર્યો કરવાના રહે છે. 

જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભયપક્ષોએ પાલન કરવું જોઈએ. શંકાના આધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું. જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો : શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.