સાણંદના છારોડીમાં ખાનગી કંપનીના બોઈલરમાંથી ઉડતી કોલસાની ભૂકી જીવલેણ બની
સાણંદના છારોડીમાં આવેલી શુભલાભ કાસ્ટિંગ કંપનીના બોઈલરમાંથી ઉડતી ઝીણી રજકણો ગામલોકોના ખોરાક, પાણીમાં ભળી જતા વૃદ્ધો, બાળકોને ગંભીર બિમારીઓ થઈ રહી છે. આ મામલે ગામલોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તુરંત કાર્યવાહની માંગ કરી છે.
એક જાણીતું વાક્ય છે કે, વિકાસ માટે કોઈએ તો ભોગ આપવો પડશે ને? એક નાટકમાં કહેવાયેલું આ વાક્ય આજે સાણંદની છારોડી જીઆઈડીસીના રહીશો માટે સાચું પડી રહ્યું છે. અહીં ઈન્દિરાનગર વિસ્તારમાં ખાનગી કંપનીના બોઈલરમાંથી ઉડતી કોલસાની ભૂકીને કારણે સ્થાનિકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. કંપનીમાંથી મોટાપાયે પ્રદૂષણ ફેલાતું હોવાથી સ્થાનિકોએ સામાજિક કાર્યકરો કિરીટ રાઠોડ અને કાંતિલાલ પરમારની આગેવાનીમાં સાણંદ ખાતે નાયબ કલેક્ટર જે.એચ. બારોટને આવેદનપત્ર આપી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બોઈલરમાંથી ઉડતા રજકણો ઘરો પર પથરાય છે
સાણંદ તાલુકાનું છારોડી હવે ઔદ્યોગિક હબ બની રહ્યું છે. અહીં અનેક મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહી છે. જો કે તેના કારણે પ્રદૂષણ અને સ્થાનિકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. અહીંના ઈન્દિરાનગર વિસ્તારની પાછળ શુભલાભ કાસ્ટિંગ નામની ખાનગી કંપની આવેલી છે. કંપની દ્વારા કરવામાં આવતી જોખમી ઉત્પાદન કામગીરીને કારણે ઈન્દિરાનગરના રહીશોના આરોગ્ય અને માલ-મિલકત પર જોખમ તોળાઈ રહ્યું છે. કંપની દ્વારા કરવામાં આવતી જોખમી કામગીરીને કારણે તેની ભઠ્ઠી-બોઈલરમાંથી ઝીણી ઝીણી કાળી રજ ઉડીને સ્થાનિકોના ઘરો પર સતત પથરાતી રહે છે. આ રજકણો તેમના પીવાના પાણી અને ખોરાકમાં પણ ભળે છે, જેની સીધી અસર તેમના આરોગ્ય પર પડી રહી છે. તેના કારણે વૃદ્ધો અને બાળકોને શ્વાસની બિમારીઓ થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ કપચી કેમિકલયુક્ત હોય છે અને તે પાણી અને ખોરાકમાં ભળવાથી તેમને બીજી પણ અનેક પ્રકારની બિમારીઓ થઈ રહી છે.
સ્થાનિકોએ આ મામલે કંપનીના મેનેજર, સરપંચ અને તલાટીને અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતા આખરે તેમણે સાણંદ ખાતે નાયક કલેક્ટરે આવેદનપત્ર આપી આ મામલે યોગ્ય ભરવા રજૂઆત કરી છે.
આ મામલે સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે જણાવ્યું હતું કે, “છારોડીના આ રહીશોની કેટલીક સ્પષ્ટ માંગો છે. જેમાં શુભલાભ કાસ્ટિંગ કંપનીમાં ચાલતી કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે, કંપનીમાંથી માનવજીવનને હાનિ ફેલાવતું પ્રદૂષણ અટકાવવા સ્થાનિક તંત્ર અને જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી થાય, પ્રદૂષણની તેમની ફરિયાદને પગલે કંપનીને ભારે દંડ કરવામાં આવે, કંપનીની બેદરકારીનો ભોગ બનેલા પીડિતોને આર્થિક સહાય કરવામાં આવે, સ્થાનિકોના આરોગ્યની તપાસ માટે તાત્કાલિક મેડિકલ કૅમ્પ યોજવામાં આવે તથા છારોડીના સરપંચ, તલાટી ગ્રામજનોના આરોગ્યની સુખાકારી જાળવવાની જવાબદારીમાં નિષ્ફળ નીવડેલ હોઈ તેમના પર પંચાયત ધારા-1993 મુજબ કાર્યવાહી કરવામાં આવે.
સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારનું કહેવું છે કે, ભારતના બંધારણમાં દરેક નાગરિકને સ્વચ્છ હવા, પાણી અને આરોગ્યના રક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારે અહીં છારોડીના રહીશોના માનવ અધિકારોનો ભંગ થતો હોવાથી આ જનહિતની ફરિયાદ કરવામાં આવી છે અને તેમાં ઝડપી કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરીને પણ પોતાના માનવ અધિકારોનું રક્ષણ કરશે. આ મામલે જીપીસીબીને પણ રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચોઃ વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.