વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે

ગુજરાત સરકારની માનવ ગરિમા યોજના દલિતો માટે અત્યંત મહત્વની ગણાય છે. અનેક લોકો તેનો લાભ લઈને આર્થિક રીતે પગભર બન્યાં છે, પણ વીરમગામમાં આ યોજનાનું જાણે કોઈ રણીધણી જ નથી.

વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે
Image Credit - Kirit Rathod

સરકારી યોજનાઓના અમલમાં કેવી કેવી લાલિયાવાડીઓ ચાલતી હોય છે તેના ઉદાહરણો ગુજરાતમાં શોધવા જવા પડે તેમ નથી. સરકારી બાબુઓ અને તેની સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ જાણે અંધેર નગરી અને ગંડુ રાજાનું શાસન હોય તેમ સરકારની અત્યંત મહત્વની યોજનાની પણ ઘોર ખોદી નાખવા માટે કુખ્યાત છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વીરમગામમાંથી સામે આવ્યો છે, જ્યાંની ઠક્કરબાપા છાત્રાલયમાં છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી દલિત સમાજ માટેની અત્યંત મહત્વની ગણાતી માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો ધૂળ ખાય છે.

વીરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડને ઠક્કરબાપા છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી સતત એવી ફરિયાદ મળતી હતી કે હોસ્ટેલનો આખો હોલ છેલ્લાં બે વર્ષથી સરકારી સામાનથી ભરેલો છે, જેના કારણે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. કિરીટભાઈ તેની ખરાઈ કરવા માટે ઠક્કરબાપા હોસ્ટેલ ગયા તો તેઓ ચોંકી ઉઠ્યાં, કેમ કે તે સામાન બીજો કોઈ નહીં પરંતુ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અત્યંત મહત્વની માનવ ગરિમા યોજનાની કિટો હતી, જે છેલ્લાં 2 વર્ષ કરતા વધુ સમયથી અહીં ધૂળ ખાઈ રહી હતી. કિટીટભાઈએ આ સરકારી બેદરકારીને ઉજાગર કરવા માટે બે વીડિયો પણ મોબાઈલમાં ઉતાર્યા હતા, જે વાયરલ થયા છે.


કિરીટભાઈએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ કિટો છેલ્લાં 2 વર્ષ કરતા વધુ સમયથી આ હોસ્ટેલમાં ધૂળ ખાતી પડી છે. તેનું કોઈ રણીધણી નથી. આ કિટોમાં લારીઓ, વેલ્ડિંગ મશીન, પશુપાલન માટેની કિટો, ઈલેક્ટ્રિશિયન, સિવણ, વેલ્ડિંગ સહિતની અનેક કિટો છે, પણ સરકારી બાબુઓની બેદરકારીને કારણે તે તેના લાભાર્થીઓ સુધી પહોંચી નથી. એક બાજુ સરકાર છેવાડાના માણસ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે માટે તત્પર છે, બીજી તરફ સરકારી બાબુઓની ભયંકર બેદરકારીને કારણે આટલી મહત્વની યોજના પણ ધૂળમાં મળી જતી દેખાય છે. કિરીટભાઈ આ મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મામલે રજૂઆત કરવાના છે.


શું છે માનવ ગરિમા યોજના?
માનવ ગરિમા ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની એક મહત્વકાંક્ષી યોજના છે. જેમાં દલિત સમાજના 18 થી 60 વર્ષની વયના લોકો જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખની અંદર હોય તેમને નાનો ધંધો-રોજગાર કરવા માટે તેમના ધંધાને અનુરૂપ કિટ આપવામાં આવે છે. તેમાં કુલ 28 પ્રકારના વ્યવસાયને આવરી લેવામાં આવ્યા છે અને તેના માટેની કિટો લાભાર્થીને આપવામાં આવે છે, જેથી તે સ્વતંત્ર ધંધો-રોજગાર કરીને પગભર બની શકે. દલિત સમાજ માટે આ યોજના ગેમચેન્જર સાબિત થઈ શકે તેમ છે. પણ સરકારમાં બેઠેલા બાબુઓની લાલિયાવાડીને કારણે આ યોજના તેના સાચાં લાભાર્થીઓ સુધી પહોંચતી નથી. વીરમગામની આ ઘટના તેનું વધુ એક વરવું ઉદાહરણ છે.

આ પણ વાંચોઃ Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું

આ પણ વાંચોઃ પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.