હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ

વિકાસના નામે ગઈકાલે ગુજરાત સરકારે તેના ગાંધીનગર પાસેના અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છુટ આપતો પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે પ્રો. હેમંતકુમાર શાહ તેની પાછળના ઈરાદાઓની પોલ ખોલી નાખે છે.

હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ

આ વિકાસ બહુ ખતરનાક શબ્દ છે. માત્ર દારૂનો જ નશો હોય એમ નહિ, વિકાસનો પણ નશો હોય છે. અને વિકાસનો નશો દારૂના નશા કરતાં પણ વધુ ખતરનાક હોય છે. ‘ગમે તે ભોગે વિકાસ કરો, જે થવું હોય તે ભલે થાય’ એવું માનો અને એને આધારે સરકારી નીતિ ઘડો કે બદલો તો એ શુદ્ધ કિસમની નશાખોરી છે. 

ગુજરાત સરકારે વિકાસ માટે ગિફ્ટ સિટીમાં દારૂ વેચવાની અને પીવાની છૂટ આપતો પરિપત્ર જારી કર્યો છે અને તેમાં વિકાસને એ છૂટ માટેનું કારણ ગણાવવામાં આવ્યું છે. જો કે, આમ જુઓ તો આ કંઈ નવાઈની વાત નથી. છેલ્લાં ૨૦ વર્ષમાં આવી છૂટછાટો અનેક  વાર આપવામાં આવી જ છે. 

તમે એમ સમજો કે આ હિન્દુત્વનો સોમરસ છે. એ તો પીવો જ પડે અને પીવડાવવો જ પડે, તો જ ગુજરાતથી વિશ્વગુરુ થવાય ને! ગુજરાત વિશ્વગુરુ થાય એટલે સમજી લેવાનું કે દેશ વિશ્વગુરૂ થઈ ગયો. અને હા, એની કોઈ સાબિતી નહીં માંગવાની. 

ગુજરાતનો વિકાસ શું દારૂબંધીનો કારણે અટકી ગયો હતો? ૧૯૮૦-૯૫નાં ૧૫ વર્ષના ગાળા દરમ્યાન ગુજરાતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર ૧૪.૫૫ ટકા રહ્યો હતો. અને એ ૨૦૦૧-૨૩ દરમ્યાન ૯.૫ ટકા રહ્યો છે. બોલો, હવે દારૂ વેચો અને પીઓ તો જ વિકાસ થાય? આ આંકડાથી તો એમ સાબિત થાય છે કે દારૂબંધી હોય તો વધુ વિકાસ થાય.

મૂડીરોકાણ કરવા જે કંપનીઓ આવે છે તે દારૂ પીવા નથી આવતી, નફો થવાનો છે કે નહિ એ જોઈને રોકાણ કરે છે. કઈ કંપનીએ એમ કહ્યું કે અમને દારૂ પીવાની છૂટ આપો તો અમે રોકાણ કરીએ?

પરંતુ વિકાસનો નશો ભયંકર છે, ખતરનાક છે. એ તમને કશું પણ કરવા પ્રેરે છે. તોફાનો, હત્યાઓ, દાદાગીરી, ખંડણીખોરી, એન્કાઉન્ટર વગેરે કશું આ નશામાં કોઈને દેખાય જ નહિ. 

ગિફ્ટ સિટીનો ખ્યાલ ૨૦૦૭માં આવેલો. પછી એમાં એ જેને માટે હતું તે નાણાકીય સેવાઓ માટેનું રોકાણ બહુ થયું નહીં એટલે ગમે તે ક્ષેત્રમાં રોકાણ કરવાની છૂટ આપવાનો વારો આવ્યો. આ હકીકત છે. આરંભમાં ₹ ૨૫,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ હતો અને પછી તે અંદાજ ₹ ૭૫,૦૦૦ કરોડનો પણ કરાયો. 

ચાલો, હવે મહેરબાની કરીને ગાંધીનું ગુજરાત બોલ બોલ ના કરો. ગાંધીએ તો એમ કહેલું કે, "મને લીંબુ ઉછાળ સમય માટે પણ દેશનો તાનાશાહ બનાવવામાં આવે તો હું દારૂનાં તમામ પીઠાં કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર બંધ કરી દઉં."

બીજી ઓકટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ હજુ ગાંધીને યાદ કરવા પડે છે. કાલે કદાચ એમાં પણ ગાંધી નહિ હોય અને નથુરામ ગોડસે હોય તો નવાઈ નહિ. આ જ છે નવું ગુજરાત, તમારે એને મોદીનું ગુજરાત કહેવું હોય તો કહો. હિન્દુત્વનો સોમરસ પીને અને પીવડાવીને કહો: "આ ગુજરાત મેં બનાવ્યું!"

હેમંતકુમાર શાહ (લેખક વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને અમદાવાદની H.K.Arts કોલેજના પૂર્વ આચાર્ય છે)

આ પણ વાંચો : પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.