દુનિયાને સુધારતાં પહેલાં ઘરના લોકોને સુધારવા જરૂરી છે?

દુનિયાને સુધારતાં પહેલાં ઘરના લોકોને સુધારવા જરૂરી છે?
image credit - Google images

કૌશિક શરૂઆત

આપણે ઘણીવાર જાહેર મિટિંગમાં કે સોશિયલ મીડિયામાં વાંચતા, સાંભળતા હોઈએ છીએ કે, "તું પહેલા તારા ઘરના લોકોને સુધાર પછી દુનિયા સુધારવા નીકળજે." આ કેટલું તાર્કિક છે?
આ બાબતે કેટલીક તાર્કિક દલીલો કરવી છે. સૌને વિનંતી છે કે આને પર્સનલી ના લેવી અને હું જે મુદ્દા રજૂ કરું છું તેના પર ધ્યાન આપજો, તેની જ વાત કરજો.

૧) ગૌતમ બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્ત (દેવદહ) તેમના આજીવન વિરોધી રહ્યાં અને કદી બૌદ્ધ ના બન્યા.

૨)  ડૉ. બાબાસાહેબ આંબેડકરે "રાજગૃહ" મકાન બનાવ્યું તો પત્નીના આગ્રહથી તેમણે વાસ્તુ કરાવવું પડેલું. જ્યારે બાબાસાહેબ કર્મકાંડના વિરોધી હતા.

૩) ડૉ. આંબેડકરે હિંદુ ધર્મથી ત્રાસી જઈ ધર્માંતરણની જાહેરાત કરી હતી, પણ રમાબાઈની મૃત્યુની ઘડીએ, લાંબી માંદગીમાં પંઢરપુરની યાત્રા કરવાની ઇચ્છા હતી.

૪) જોતિરાવ ફૂલે નાસ્તિક હતા, ગુલામગીરી લખી, કર્મકાંડી બ્રાહ્મણોથી ચીડતા પણ તેમના પિતાજી ધાર્મિક હતા અને બ્રાહ્મણોનું માનતા હતા. બીજા લોકોના કહેવાથી તેમના પિતાજીએ જોતિરાવને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જો કે પાછળથી અપનાવી લીધા હતા પણ જોતિરાવ ફૂલેના વિચારો સાથે તેમના પિતાજી સહમત હતા અથવા પુત્રના કામમાં જોડાયા હતા, તેવો ક્યાંય કરતા ક્યાંય ઉલ્લેખ નથી.

૫) ઈ. વી. રામાસામી પેરિયારના માતાપિતા ખૂબ ધાર્મિક હતા અને તેમણે ક્યારેય સામાજિક ન્યાયની લડતમાં પેરિયારને સાથ આપ્યો હતો, તેવું ક્યાંય નોંધાયેલ નથી.
હવે તમે લોકો નક્કી કરો કે, બુદ્ધ, બાબાસાહેબ, ફૂલે અને પેરિયાર તેમના ઘરનાને સુધાર્યા વગર સમાજ સુધારવા નીકળી ગયા હતા, તે સારું કર્યું હતું કે ખોટું કર્યું હતું? જો આ લોકો પહેલા ઘરનાને સુધારું પછી સમાજ સુધારવા જાઉં, તેવું વિચાર્યું હોત તો શું તેઓ (તેમના વિચારો) આજે આપણા સુધી પહોંચી શક્યા હોત? પહેલા હું મારા ઘરનાને સામાજિક ન્યાય સમજાવું પછી હું બીજાને સામાજિક ન્યાય સમજાવીશ, જો આવું કર્યું હોત તો શું આપણને આજે તેમનો જેટલો લાભ મળ્યો છે તેટલો લાભ મળી શકત?

વિચારધારાની લડાઈ તે વિચારોની લડાઈ છે. તેમાં આપણા પરિવારનું દરેક સભ્ય આપણા જેટલું જ સમજે કે આપણા જેટલું જ યોગદાન આપે તે શક્ય નથી. અને ત્યાં સુધી કે જે તે વિચારધારાના અનુયાયીઓ પણ એકસરખી પ્રગતિ કરે ને એકસરખી સમજ ધરાવે તે પણ શક્ય નથી. 

તમે તમારા જીવનમાં તમારા વિચારો પ્રમાણે ચાલતા જાવ, વિચાર બીજ વેરતા જાવ, જેમનું મનોજગત તમારા વિચારબીજને અનુરૂપ હશે તેમના દિમાગમાં તે ઉતરશે અને ઉગશે. જેને તમારા વિચારોની જરૂર નથી લાગતી તે શું લેવા તમારા વિચારો અપનાવે ? 
મારી સૌને નમ્ર વિનંતી સાથે સલાહ છે કે,

૧) વિચારધારાના નામે પરિવારમાં કલેશ ના કરશો. પરિવાર માનસિક શાંતિ, હૂંફ, પ્રેમ, વિગેરે માટે હોય છે. આને પ્રાથમિકતા આપો.

૨) ઘરના સભ્યો સાથે વાતચીત કરો, ચર્ચા કરો પણ ના સમજે તો તે તમારા બાપ, મા, ભાઈ, બહેન, દીકરો, દીકરી મટી નથી જતા. પોતાના સમજાવવામાં ભૂલ છે તેમ જુઓ, અને ઘણીવાર તો જે તે વ્યક્તિને તમારા વિચારો સાથે કોઈ લેવાદેવા ના હોય તો શું લેવા સમજે? વિચારોનું સિંચન કરવામાં જબરજસ્તી, ઉતાવળ ના કરશો.

૩) "ઘર કી મુર્ગી દાલ બરાબર" આ કહેવત અહીં પણ લાગુ પડે છે. બહાર ગમે તેટલા મોટા સામાજિક, રાજકીય કાર્યકર્તા, નેતા હોવ પણ ઘરમાં તો તમે કોઈકના પતિ, બાપ, દીકરા, દીકરી છો. એટલે સમાજમાં તમારા શબ્દોની જેટલી અસર પડે તેટલી ઘરમાં ના પડે તે સ્વાભાવિક છે. એટલે પહેલા ઘરનાને સમજાવો તેવો આગ્રહ ખોટો છે. કલેકટર, મામલતદાર, મુખ્યમંત્રી વગેરે બધું ઘરની બહાર હોય, ઘરમાં તો પતિ તરીકે તેમણે જ તેમની પત્નીને સોરી કહેવું પડે. ત્યાં કોઈ પદ, કોઈ સત્તા, ના ચાલે. તેવું જ વિચારધારાનું છે.

૪) વિચારધારા ફેલાવવાનું કામ સમય માંગી લેતું કામ છે અને ભારત જેવા દેશમાં તો દાયકાઓ અને ઘણી બાબતોમાં તો સદીઓ જોઈએ. એટલે ખૂબ ધીરજ  સાથે સતત આગળ વધતા રહો.

૫) ઘર એ વિચારધારાનું કેન્દ્ર નથી પણ તમારું મન (દિમાગ) વિચારધારાનું કેન્દ્ર છે. તમે તમારા ઘરને ઘર જ રહેવા દેજો.
(લેખક બહુજન સમાજના પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે. લેખમાં રજૂ થયેલા વિચારો વ્યક્તિગત છે.)
આગળ વાંચો : બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.