બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

હમણાં પત્રકાર તવલીન સિંહે ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં અનામતનો વિરોધ કરતા બે લેખ લખ્યાં, જેની સામે સોશિયલ મીડિયામાં બહુજન સમાજ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઈનો આક્રોશ અહીં કેટલીક તર્કબદ્ધ દલીલો રજૂ કરીએ છીએ.

બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

હિંદુ એક એવી પ્રજા છે જે કાયર, જડ હોવાની સાથે સમસ્યાને સમસ્યા તરીકે સ્વીકારવા પણ તૈયાર નથી. તે જુઠ્ઠાણાં, દંભ, પાખંડ, કાલ્પનિક ઇતિહાસ અને બ્રાહ્મણોએ લખેલ ગ્રંથોને સત્ય માની વાસ્તવિકતાથી મોં ફેરવી લે છે. જાતિ દરેક ક્ષેત્રમાં છે તેમ છતાં તેણે નક્કી કરી નાંખ્યું છે કે ક્યાં જાતિ જોવાની અને ક્યાં નહિ જોવાની.

ઈન્ડિયન એક્સપ્રેસમાં ગત રવિવારે તવલીન સિંહ નામની પત્રકારે પોતાની કોલમમાં અનામતની વિરુદ્ધમાં બે કોલમો લખી કાઢી. તેમણે બે લેખ ‘Time to end reservations’ અને ‘A caste census is casteism’ લખ્યાં હતા. જેના કારણે વિવાદ થવો સ્વાભાવિક હતો. લોકો સોશિયલ મીડિયામાં તલવીન સિંહના રિમાન્ડ લઈ રહ્યાં છે. તવલીનસિંહને લાગે છે કે જાતિઓએ હવે પર્યાપ્ત ગૌરવ હાંસલ કરી લીધું છે એટલે જાતિના આધારે કોઈ પણ અનામતની જરૂર નથી કે તેની રાજનીતિ કરવી પણ ઉચિત નથી!

તવલીન સિંહે રજૂ કરેલા વિચારો એક પત્રકાર કરતા વધુ એક કથિત સવર્ણ હિંદુના વિચારો વધુ લાગે છે. ભારતમાં દર વર્ષે આતંકવાદીઓ દ્વારા થતી ભારતીયોની હત્યા કરતાંય મોટી સંખ્યામાં હિંદુઓ દલિત - આદિવાસીઓનો હત્યા કરે છે અને આ આંકડા સરકારમાં બેઠેલા હિંદુઓ જ રજૂ કરે છે તો પણ તેઓ પોતાની વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અને પોતાના ધર્મને સમસ્યા ગણવા તૈયાર નથી.

એમને એ યાદ છે કે કાશ્મીરી પંડિતોને કેટલાક દાયકાઓ પહેલા આતંકવાદીઓએ મારેલા પણ દર વર્ષે હજારોની સંખ્યામાં, 2023ના વર્ષમાં પણ, દલિત - આદિવાસીઓની હત્યાઓ હિંદુ જાતિવાદીઓ દ્વારા થાય છે તે દેખાતું નથી. GPSC, UPSC, કોલેજીયમ વિગેરે જાતિવાદના અડ્ડા છે. ઇન્ટરવ્યૂના નામે સવર્ણ ને વધારે માર્કસ આપી પાસ કરવા અને પછાત સમાજને ઓછા માર્કસ આપી ફેલ કરવાનું દાયકાઓથી ચાલે છે. અને તેમાંય ઓબીસીને તો સૌથી વધુ ફેઇલ કરવામાં આવે છે.

આ એ લોકો છે જે અંગ્રેજોના સમયમાં આખો દેશ ગુલામ હતો ત્યારે પણ જાહેર તળાવોમાંથી પાણી નહોતા પીવા દેતા, શિક્ષણ નહોતા લેવા દેતા, અંગ્રેજોની સેનામાં પોતે ભરતી થતા, અંગ્રેજી શિક્ષણ લઈ ઉચ્ચ હોદ્દાઓ ગ્રહણ કરતા, પણ પછાત જાતિઓની ભરતી ના થાય, તેમને શિક્ષણ ના મળે, તે માટે રજૂઆતો કરતા હતા.

ન્યાયતંત્ર, પોલીસતંત્ર, વહીવટીતંત્ર, ઉદ્યોગો, ઉદ્યોગોમાં લોનમાફી, બોલીવૂડ, કેબિનેટ મંત્રીઓ, પાર્ટીઓમાં ઉચ્ચ હોદ્દાઓ, મીડિયા એમ જ્યાં જુઓ ત્યાં જાતિવાદ છે અને આ બધાં પર તવલીન સિંહ પ્રકારની કથિત સવર્ણ જાતિઓ કબ્જો જમાવીને બેઠી છે અને દેશની તથા વ્યવસ્થાની ઘોર ખોદી રહી છે તે તેમને દેખાતું નથી. કરોડપતિઓ દેશના કરોડો રૂપિયા ડુબાડી વિદેશ ભાગી જાય છે તેમની જાતિ તેમને દેખાતી નહીં હોય? જેની સામે દલિત, આદિવાસી 35% ટકાએ મેડિકલમાં એડમિશન લે છે તેવું ધુપ્પલ આ લોકો તરત ચલાવે છે. સેંકડો દલિત-આદિવાસી લોકોની દર વર્ષે હત્યા બાદ પણ ‘હવે ક્યાં જાતિવાદ જેવું કંઈ છે?’ તેમ આ લોકો બેધડક અને બેશરમ થઈને જાહેર મંચ પર બોલે છે. હમણાં મોરબી પૂલ ઘટનામાં ૧૩૫ લોકોનાં મૃત્યુ થયા છે. પણ કંપની એક કથિત સવર્ણની હોવાથી એ સમાજના આગેવાનો, ભાજપ કોંગ્રેસના તે સમાજના નેતાઓ, સરકારી વકીલ, કથાકાર વગેરે સૌ આરોપીના બચાવમાં ઉતરી પડ્યાં છે. ૧૩૫ લોકોનાં મોત પર જાતિવાદ આટલો બધો ભારે પડે છે. આ હિંદુઓને પોતાના ધર્મના ૧૩૫ લોકોના મૃત્યુનો પણ કોઈ અફસોસ અહીં દેખાતો નથી. બસ આરોપીની જાતિ મજબૂત છે એટલે પોતાના વ્યક્તિને બચાવો. શું મોરબી પુલ હોનારતની ઘટનામાં આરોપી કોઈ કોળી અથવા ઠાકોર હોત તો શું આ જ હિંદુઓ તેના બચાવમાં ઉતરત?

અનામત અને એટ્રોસિટી પર તવલીન સિંહ જેવા કથિત સવર્ણ હિંદુઓ કંઈપણ બકવાસ કરી શકે છે પણ જાતિની વાત કરો તો મોઢું ફેરવી લે છે, વાત નથી કરતા, વાત સાંભળવા પણ નથી માંગતા. તેમને જાતિગત અત્યાચારો બંધ કરવા કંઈ નથી કરવું પણ અનામત અને એટ્રોસિટીનો કાયદો કાઢી નાખવો છે કે જેના લીધે દલિત-આદિવાસીઓને થોડે અંશે પણ રક્ષણ કે ન્યાય માટે લડવાની શક્તિ મળે છે. એટ્રોસિટીના સેંકડો કેસોમાં,
૧. પોલીસ ફરિયાદ લેતી નથી, ફરિયાદ લેવડાવવા માટે આંદોલનો કરવા પડે છે.
૨. FIR નબળી લખાય છે.
૩.તપાસ સરખી કરાતી નથી. તાત્કાલિક ધરપકડ નથી કરાતી. ફરિયાદીને પ્રોટેક્શન નથી અપાતું.
૪. આડકતરી રીતે પુરાવા નષ્ટ કરવા, સમાધાન કરવા, ફરિયાદીને ધમકાવવા, માર મારવા, હત્યા કરવા માટે પૂરતો સમય અપાય છે.
૫. નબળી ચાર્જશીટ રજૂ કરાય છે.
૬. સરકારી વકીલ નબળી દલીલો કરે છે.
૭. ઉપલી કોર્ટમાં અપીલ નથી કરાતી.
૮. કોર્ટમાં મુદતો પાડવામાં આવે છે.
૯. કાયદા વિરુદ્ધમાં જજમેન્ટો આપી વળતર પાછું આપવા કહેવાય છે.
૧૦.ચૂકાદો આપવામાં વર્ષો કાઢી નાખવામાં આવે છે.
૧૧. સામાજિક ન્યાય વિભાગને પાંગળું રાખી, સમયસર મિટીંગ કે અન્ય જરૂરી પગલાં નથી ભરાતા.

ઉપર જણાવી તે તમામ છટકબારીઓમાંથી માફક આવે તેનો ઉપયોગ કરીને એટ્રોસિટીના કેસોમાં આ લોકો પોતાની જાતિના આરોપીને છોડાવે છે અને પાછાં સોશિયલ મીડિયામાં તેમના જ મનુવાદી નબીરાઓ ‘ખોટા એટ્રોસિટી કેસ થાય છે’ની બૂમરાણ મચાવે છે. આ જ બાબત સરકારી નોકરીઓની ભરતીઓમાં પણ લાગુ પડે છે. ૭ દાયકા બાદ પણ વસ્તી પ્રમાણે, નિયમ મુજબની અનામત પ્રમાણે દલિત, આદિવાસી, OBCની ભરતીઓ કરી નથી અને છતાં કેટલાકને અનામત કાઢી નાખવી છે. એટલે જ કહું છું અને વારંવાર કહું છું કે, "બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મ ગ્રંથો અનૈતિકતાનો પહાડ છે અને તેને માનનાર, પાળનાર લોકો સૌથી ધર્માંધ, જડ અને કટ્ટર પ્રજા છે."

કૌશિક શરૂઆત (લેખક બહુજન સમાજના પુસ્તકો માટે જાણીતા શરૂઆત પબ્લિકેશનના માલિક છે)

આ પણ વાંચો : દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.