4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?
દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની રાહ જુએ છે, એમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?

ચંદુ મહેરિયા
શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સીજેઆઈ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં, એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી, સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોશાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.
ભારતને ન્યાયવ્યવસ્થા અને ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીના પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.
આ પણ વાંચોઃ રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત
ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે પરંતુ તે દેખાવમાં રુઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી એટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર, ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.
સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રુઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રુએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીના પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.
જસ્ટિસ ચંદ્રચૂડના આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી
ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલા વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સીજેઆઈ બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે. ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.
આંધળા કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે. પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?
ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય. માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)
આ પણ વાંચોઃ મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીન વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?