અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીની વિધિ કરનાર ભૂવો કોણ છે?
આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરનાર ભૂવો ભલભલાં રોગના દર્દીઓને પોતે નવજીવન આપતો હોવાનો દાવો કરે છે.

અમદાવાદની એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલના એક આઈસીયુ રૂમમાં એક ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરી, તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ત્યારે આ ભૂવો કોણ છે તેના વિશે લોકો વધુને વધુ સર્ચ કરી રહ્યાં છે.
એકવીસમી સદીમાં એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા મામલે સરકાર બિલ લાવી રહી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ ICU વિભાગમાં ભૂવાએ વિધિ કરતા હોબાળો મચી ગયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જડબેસલાક સિક્યોરિટી વચ્ચે એક ભૂવો આઈસીયુ સુધી પહોંચ્યો અને વિધિ પણ કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેને લઈને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સ્પષ્ટતા કર્યા બાદ રેશનાલિસ્ટો પણ મેદાનમાં આવ્યા છે. જો કે આ બધાં વચ્ચે ભૂવો કોણ છે તેની પણ શોધખોળ શરૂ થઈ ગઈ છે.
કોણ છે મુકેશ ભુવાજી?
મળતી માહિતી મુજબ સિવિલમાં વિધિ કરનાર ભૂવાનું નામ મુકેશ ભુવાજી છે અને અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી છે. મુકેશ ભુવાજી સોશિયલ મીડિયામાં 81 હજારથી વધુ ફોલોવર્સ ધરાવે છે. અન્ય ભુવાઓની જેમ તેણે પણ કમાણી કરવા માટે પોતાની યુટ્યૂબ ચેનલ બનાવેલી છે અને તેમાં તેણે ભૂતપ્રેત ભગાડતો હોવાના, તાંત્રિક વિદ્યા અને મેલી વિદ્યા કરતો હોવાના વીડિયો મૂકેલા છે. અત્યાર સુધીમાં તેણે આવા 468 થી વધુ અપલોડ કરેલા છે જેમાંના મોટાભાગના લોકોને ગેરમાર્ગે દોરતા અને અંધશ્રદ્ધાનો ફેલાવો કરી ભૂતપ્રેત તાંત્રિક વિદ્યા તરફ દોરી જતા છે.
આ રીતે તે અંધશ્રદ્ધા ફેલાવતા વીડિયો યુટ્યુબ ચેનલમાં મૂકીને લોકોમાં પોતાનો પ્રચાર કરી કમાણીની તકો શોધતો રહેતો હતો. તેના પરિવારમાં બે સંતાનો અને પત્ની છે અને તે નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું પણ ખુલ્યું છે. જોવાનું એ રહેશે કે સિવિલ હોસ્પિટલમાં જઈને અંધશ્રદ્ધા ફેલાવ્યા બાદ તેના પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.
દર રવિવારે પોતાના ઘરે દરબાર ભરી લોકોને ફસાવે છે
મુકેશ ભુવાજી દરરોજ રવિવારે ભોળા લોકોને ફસાવવા દરબાર ભરતો હતો અને લોકોના મગજમાં એવી અંધશ્રદ્ધા ફેલાવતો કે તે પોતે ગમે તેવા દર્દીઓ હોય તેને સાજા કરી દે છે. આજે પણ દર રવિવારે મોટી સંખ્યામાં લોકો તેને ત્યાં પૂજા કરવા આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, લોકોના દુ:ખ દૂર કરી દેવાની વાતો કરતો મુકેશ ભુવાજી ખુદ જીવનનિર્વાહ ચલાવવા માટે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુકેશ ભુવાજી પોતાના ઘરે માતાજીને પણ ડોક્ટરના વાઘા ધરાવે છે અને પોતે ડોક્ટર જે દર્દીને સાજા ન કરી શકે તેમને પોતાની ચમત્કારિક શક્તિથી સાજા કરી દેતો હોવાની શેખી મારતો ફરે છે.
આ પણ વાંચો: બોલો લો! અમદાવાદ સિવિલના ICU માં પહોંચી ભૂવાએ દર્દી પર વિધિ કરી