દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ
અગ્રણી science મેગેઝિન Natureમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે કહેવાતી ઉચ્ચ જાતિઓનું વર્ચસ્વ છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે આદિવાસી અને દલિત સમુદાયોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IIS) સહિતની ઉચ્ચ સંસ્થાઓમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે. RTI અને અન્ય સત્તાવાર સ્રોતો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલ જણાવે છે કે આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ફેકલ્ટીની જગ્યાઓ ભરવા માટે અનામત (અનુસૂચિત જનજાતિ માટે 7.5 ટકા અને દલિતો માટે 15 ટકા)નું પાલન કરવામાં આવતું નથી.
આ પણ વાંચો :ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!
અહેવાલમાં જાણવા મળ્યું છે કે અંડરગ્રેજ્યુએટ સ્તરથી જ વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં આદિવાસીઓ અને દલિતોનું પ્રતિનિધિત્વ ઓછું છે. અંડરગ્રેજ્યુએટ્સમાં આદિવાસીઓ STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) વર્ગોમાં 5 ટકા કરતા ઓછા છે. દલિત પ્રતિનિધિત્વ પણ સમાન સ્થિતિ દર્શાવે છે. આવી જ સ્થિતિ STEMના માસ્ટર કોર્સમાં છે, જ્યાં મોટાભાગની સંસ્થાઓ તેમની SC અને ST બેઠકો ભરી રહી નથી. આ સમુદાયોનું પ્રતિનિધિત્વ પીએચડી સ્તરે, ખાસ કરીને વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વધુ નીચું રહ્યું છે. 2020માં પાંચ સર્વોચ્ચ ક્રમાંકિત IIT - દિલ્હી, બોમ્બે, મદ્રાસ, કાનપુર અને ખડગપુરમાં પીએચડી પ્રોગ્રામ્સ પરનો ડેટા દર્શાવે છે કે દલિતો ઓછા છે. સરેરાશ તે 10 ટકા અને આદિવાસીઓ 2 ટકા હતા.
આ પાંચ મધ્યમ ક્રમાંકિત IIT - ધનબાદ, પટના, ગુવાહાટી, રોપર અને ગોવાની સરેરાશ કરતાં થોડો ઓછો છે. અહેવાલ મુજબ ટોચની પાંચ IITs માં અન્ય પછાત વર્ગો (OBC)ના પીએચડી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની સંખ્યા પણ અનામત નીતિઓ હેઠળ ફરજિયાત સ્તરથી નીચે છે.
આ પણ વાંચો :છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર
2016 અને 2020 વચ્ચે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ઇન્સ્પાયર ફેકલ્ટી ફેલોશિપના ડેટા દર્શાવે છે કે એને મેળવનારા 80 ટકા 'ઉચ્ચ' જાતિના હતા, જ્યારે 6 ટકા અનુસૂચિત જાતિના હતા અને 1 ટકાથી ઓછા અનુસૂચિત જનજાતિમાંથી હતા.