દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે

વહીવટીતંત્રના પાપે 2500 જેટલી સાઈકલો બે વર્ષે પણ દીકરીઓ સુધી ન પહોંચી. સાઈકલો પર જંગલી વેલા વીંટળાયા.

દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે

એકબાજુ આજે રાજ્ય સરકાર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવી રહી છે, બીજી તરફ અંબાજીના આદિવાસી વિસ્તાર દાંતાની સેંકડો આદિવાસી દીકરીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળતી સાઈકલો સમયસર વિતરણ કરવામાં ન આવતા ધૂળ ખાતી પડી છે. છેલ્લાં બે વર્ષથી દાંતાની એક છાત્રાલયના ખૂલ્લા મેદાનમાં આ સાઈકલો પડી છે અને તેના પર જંગલી વનસ્પતિ અને વેલા વીંટળાઈ વળ્યાં છે. આ સાઈકલો વર્ષ 2023માં આદિવાસી વિસ્તારની કન્યાઓને ફાળવવાની હતી પરંતુ આજે 2024નું વર્ષ પણ પુરું થવા આવ્યું છે, બે મહિના પછી 2025નું વર્ષ શરૂ થઈ જશે. તેમ છતાં આ વિસ્તારની દીકરીઓને સાઈકલ મળી શકી નથી.

વર્ષ 2023માં વહેંચવાની સાઈકલો હજુ પડી છે

બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. આ તાલુકામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને પોતાના દૂર ઘરેથી શાળાએ ચાલતા ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલોની ફાળવણી કરવામાં આવે છે. પણ દાંતા તાલુકા મથકે આ સરસ્વતી સાધના યોજના હેઠળની હજારો સાયકલોનો ખડકલો દાંતાના એક છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાતો પડ્યો છે. જેના ઉપર વરસાદી પાણી પડતા સાયકલો ઉપર કાટ પણ ચઢી ગયો છે ને આજે આ સાયકલો જંગલી વેલાઓમાં વીંટાયેલી જોવા મળે છે. 2500 જેટલી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023 માં આપવા માટે આવી હોવાનું સાયકલો ઉપર લખેલું જોવા મળી રહ્યું છે. જ્યારે હાલમાં 2024 પૂર્ણતાને આરે છે, અને બે મહિના પછી 2025ની પણ શરૂઆત થશે. પણ આ લાખો રૂપિયાની સાયકલોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. મોટાભાગની સાયકલોના અનેક પાર્ટ્સ પણ નીકળી ગયા છે. 

આ લોકોના ટેક્સના નાણાનો બગાડ છે: ઉપસરપંચ, દાંતા

આ મામલે દાંતા ગ્રામ પંચાયતના ઉપસરપંચે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, લોકોના ટેક્સના નાણાનો આ રીતે દુરુપયોગ થતો જોઈને અમારું લોહી ઉકળી ઉઠે છે. આ રીતે લાખોની કિંમતની સાઈકલો ભંગાર થઈને પડી છે ત્યારે શા માટે તેને સમયસર લાભાર્થી દીકરીઓને ફાળવવામાં ન આવી.

જો હજુ પણ સમય હોય તો આ સાઈકલોનું વિતરણ કરી દેવું જોઈએ, જેથી ગરીબ દીકરીઓને ભણવા જતી વખતે સમસ્યા ન નડે.

વાવની ચૂંટણીનું બહાનું આગળ ધરી દેવાયું

બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાલ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણી હોવાથી આ સાઈકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું. હવે ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ વિતરણ કરાશે. જો કે, અહીં સવાલ એ પણ થાય કે, ચૂંટણી તો હજુ એકાદ મહિનાથી જામી હતી. જ્યારે આ સાઈકલો તો એક વર્ષથી અહીં પડી છે, તો ત્યાં સુધી તંત્રને કેમ તેનું વિતરણ કરવાનું યાદ ન આવ્યું.

સમાજ કલ્યાણ વિભાગ શું કહે છે?

આ મામલે બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના જિલ્લા નાયબ નિયામક મનીષ સોલંકીએ જણાવ્યું હતું કે. આ સાયકલો રાજ્ય સરકારની ગ્રીમકો નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે. આ એજન્સી એસેમ્બલિંગ કરીને જિલ્લામાં સોંપણી કરતી હોય છે, પણ હાલમાં આ સાયકલો સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી. તેથી તેનો હવાલો એજન્સી પાસે જ છે અને આ હજારો સાયકલો હાલ એજન્સી હસ્તક જ પડી છે, તેની સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ડિલિવરી સ્વીકારવામાં આવી નથી. 

આ સમસ્યા જો કે માત્ર દાંતામાં જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળે છે. આણંદ જિલ્લામાં પણ આ જ રીતે સેંકડો સાઈકલો પડી પડી સડી રહી છે. ત્યારે સરકાર આ મામલે સાઈકલ તૈયાર કરતી ગ્રીમકો એજન્સી સાથે વાટાઘાટો કરીને સમસ્યાનો નિકાલ લાવે તે ઈચ્છનીય છે.

આ પણ વાંચો: વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.