રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને 'લૂંટારા' ગણાવતા હોબાળો મચ્યો

કથિત લોકસાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા ગણાવીને સમસ્ત આદિવાસી સમાજનું અપમાન કરતા હોબાળો મચી ગયો છે.

રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને 'લૂંટારા' ગણાવતા હોબાળો મચ્યો
image credit - Google images

ગુજરાતમાં ઘણાં એવા કલાકારો છે જે રાજ્યના નાગરિકોના મહત્વના પ્રશ્નોને લઈને કદી મોંઢું ખોલતા નથી, પરંતુ જેવો સત્તાપક્ષની ચાંપલૂસી કરતો મુદ્દો ચર્ચામાં આવે, એટલે તરત ઉછળી ઉછળીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા માંડે છે. આવા જ એક કથિત લોકસાહિત્યકાર કમ કલાકાર એટલે રાજભા ગઢવી (Rajbha Gadhvi) . સત્તાપક્ષની ચાંપલૂસી કરીને પોતાના રોટલાં શેકવામાં માહેર આ કથિત કલાકારે આ વખતે ડાંગ (Dang) સહિત સમસ્ત આદિવાસી (Tribes of Dang) સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે અને તેમને 'લૂંટારા' (robbers) ગણાવી દીધાં છે.

મામલો શું છે?
રાજભા ગઢવીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ડાંગ અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજને લૂંટારા ગણાવી રહ્યાં છે. આ વીડિયોને લઈને આદિવાસી સમાજમાંથી આકરી પ્રતિક્રિયાઓ આવી છે અને રાજનેતાઓથી લઈને સામાજિક કાર્યકરો અને આદિવાસી અગ્રણીઓ તરફથી રાજભાને આ મામલે સ્પષ્ટતા કરવા અને નિવેદન પાછું ખેંચવા કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રાજભા ગઢવી પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વીડિયોમાં શું છે?
વાયરલ વીડિયોમાં રાજભા ગઢવી ઉપસ્થિત જનમેદનીને ખુશ કરવા માટે ગીરના લોકોની દરિયાદિલીની બઢાવી ચઢાવીને વાતો કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ બોલતા દેખાય છે કે, "ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી લઈ જાય." 
રાજભાનો આ વીડિયો વાયરલ થતા જ ડાંગ જ નહીં પરંતુ ગુજરાતભરના આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે અને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. 

આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં
રાજભા ગઢવીના ડાંગ વિશેના વિવાદાસ્પદ વીડિયોને લઈ ડાંગના રાજા (Dang King) ધનરાજસિંહ સુર્યવંશી (Dhanrajsingh Suryavanshi) એ નિવેદન આપ્યું છે. તેમણે રાજભાને ચેલેન્જ આપતાં જણાવ્યું છે કે, આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી

કંઈક આવી જ પ્રતિક્રિયા ડેડિયાપાડા (Dediyapada) ના આપ (AAP)ના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવા (Chaitar Vasava) એ આપી છે. ચૈતરભાઈએ કહ્યું છે કે, આદિવાસી સમાજને લૂંટારા ગણાવતો રાજભાનો વીડિયો મેં જોયો છે અને તેનાથી સમસ્ત આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. આ મામલે રાજભા આદિવાસી સમાજની માફી માંગે. નહીંતર આના માટે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર થશે.

ધવલ પટેલે શું કહ્યું?

રાજભા ગઢવીના નિવેદન બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજમાં રાજભા ગઢવી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વલસાડ (Valsad) ના સાંસદ (MP) ધવલ પટેલે (Dhaval Patel) રાજભા ગઢવીના નિવેદનને લઇ વિરોધ નોંધાવ્યો છે. ધવલ પટેલે રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માંગે તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે, ડાંગ સાપુતારાના આદિવાસીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી. રાજભા ગઢવી માફી નહીં માગે ત્યાં સુધી આદિવાસી સમાજ તેમનો વિરોધ કરશે.

એટ્રોસિટી ફરિયાદની માંગ

ડાંગના સામાજિક કાર્યકર (Social activist) સ્નેહલ ઠાકરે (Snehal Thakar)એ આ વાયરલ વિડિયોને લઈ ડાંગ જીલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ (ST atrocity act) મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ ડોક્ટરો સૂતા રહ્યાં અને આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.