રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી
આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાંથી ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે.
ફરી એકવાર છોટા ઉદેપુરથી કહેવાતા વિકાસશીલ ગુજરાતના દાવાની પોલ ખોલતા સમાચાર આવ્યા છે. અહીંના તુરખેડામાં પ્રસુતાના મોતની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એ જ ગામના માનુકલા ફળીયાની પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાની ફરજ પડી છે. ગામમાં સારો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચે તે શક્ય ન હોવાથી છાશવારે બને છે તેમ જ સગર્ભાઓને ઝોળીમાં નાખીને લઈ જવાનો વારો આવે છે. આ મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ બજેટ ફાળવાયું છે અને રસ્તાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ પરિસ્થિતિમાં હજુ ત્વરિત કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી.
એક તરફ મહિલાને પ્રસુતીની પીડા ઉપડી હતી અને ઉપરથી ઉબડ-ખાબડ રસ્તા પર જીવના જોખમે તેને દવાખાને પહોંચાડવાની હતી. એક – બે મીટર નહીં પરંતુ આ રીતે ત્રણ કિલોમીટરનો રસ્તો સગર્ભાને આ રીતે ઝોળીમાં નાખીને પસાર કરાવવામાં આવ્યો અને આંબા ડુંગર સુધી પહોંચાડવામાં આવી. એ પછી ત્યાં ૧૦૮ આવી પહોંચતા મહિલાને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી હતી. પ્રસુતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. પરંતુ મુદ્દો એ છે કે સારવાર મોડી મળવાને લીધે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો?
આ મુદ્દે હાઈકોર્ટ પણ ફટકાર લગાવી ચુકી છે. કોર્ટે પણ સુઓમોટો લઈ ગામની સુવિધા વધારવા ટકોર કરી છે પરંતુ તંત્ર માત્ર સરવે કરાવીને સંતોષ માની રહ્યું છે. સરકારે કરોડોના ખર્ચે રસ્તો બનાવવાની જાહેરાત તો કરી દીધી પરંતુ જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. સવાલ એ છે કે ગૃહમંત્રી કે પ્રધાનમંત્રી મુલાકાત લેવાના હોય તો રાતોરાત નવાનક્કોર રસ્તા તૈયાર થઈ જાય છે પરંતુ સામાન્ય લોકો માટે રસ્તો બનાવવામાં વર્ષો નીકળી જાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કડીપાણી આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ પણ નથી. આ અંગે ધારાસભ્યને પૂછવામાં આવતા તેમણે પણ કાયમી ડૉક્ટર ન હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે લુલો બચાવ કરતા સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાએ વહેલી તકે રસ્તો બનાવવાની ખાતરી આપી હતી. હવે આ વહેલી તકે ક્યારે આવશે તે તો તેઓ જ જાણે.
છોટાઉદેપુરના આ અંતરિયાળ જિલ્લાઓની વરવી હકીકત એ છે કે અહીં ૨૦ દિવસના અંતરાલે આવા ચિંતાજનક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. તુરખેડામાં પણ રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો અને તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકી અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી.
આ ઘટનાના અઠવાડિયા બાદ જ ફરી એવા જ દ્રશ્યો સામે આવતા ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખૂલી ગઈ હતી. સારવાર માટે પહોંચેલી ખાનગી એમ્બ્યુલન્સ જ અટવાઈ ગઈ. આખરે ગ્રામજનોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. સારી વાત એ હતી કે એ દરમિયાન સગર્ભાની મદદ માટે આવેલી ૧૦૮ સમયસર ગામે પહોંચી અને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવાઈ. પરંતુ, તે વખતે પણ ૩ કિ.મી. સુધી સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. અને આ વખતે ફરી માનકુલા ફળિયામાંથી કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સવાલ એ છે વિકાસના દાવા વચ્ચે લોકોને પાયાની સુવિધા ક્યારે મળશે?
એકતરફ આઝાદીના અમૃત મહોત્સવની રંગે ચંગે ઉજવણી તો કરાઈ રહી છે પરંતુ આ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી રોડ રસ્તાની સુવિધા પણ પહોંચી નથી. તેઓ તો એ જ નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર છે.
આ પણ વાંચો: મેઘરજના ઘોરવાડામાં વાત્રકના વાંઘામાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી