સતત હિંસાની આગમાં સળગતા રહેલા મણિપુરમાં ભાજપના સૂપડાં સાફ
છેલ્લાં એક વર્ષથી જાતિગત હિંસામાં સળગી રહેલા મણિપુરમાં સત્તાધારી ભાજપનું લોકસભા ચૂંટણીમાં પત્તું સાફ થઈ ગયું છે.
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે ગયા વર્ષે જૂન 2023માં શરૂ થયેલી જાતિગત હિંસા એક વર્ષ કરતા પણ વધુ સમય સુધી ચાલી હતી. અહીં કેન્દ્ર સરકાર બધું જાણતી હોવા છતાં કોઈ પગલાં ન લીધાં, યોગ્ય રીતે હસ્તક્ષેપ ન કર્યો, મેઈતેઈ સમાજના મુખ્યમંત્રીએ કુકી આદિવાસીઓને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. જેના કારણે મેઈતેઈ સમાજ બેફામ થઈ ગયો હતો અને કુકીઓને ભયંકર રીતે હેરાન કર્યા હતા. કુકી સમાજની બે મહિલાઓની અહીં નગ્ન પરેડ કરાવાઈ હતી, તેમ છતાં કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી ન કરી, વડાપ્રધાન કાયમની જેમ આ બાબતે પણ મૌન રહ્યાં. આ બધાં કારણોસર અહીં લોકસભા ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ હયો છે.
મણિપુરમાં લોકસભાની બે બેઠકો છે- આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર. આ બંને બેઠકો પર ભાજપની ભૂંડી રીતે હાર થઈ છે. મંગળવારે 4 જૂને જાહેર કરાયેલા લોકસભાના પરિણામોમાં અહીં કોંગ્રેસે જીત મેળવી છે. આંતરિક મણિપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અંગોમચા બિમોલ અકોઈજામને 3,74,017 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર થૌનાઓજમ બસંત કુમાર સિંહ માત્ર 2,64,216 મતો મેળવીને હારી ગયા.
જ્યારે બહારની મણિપુર સીટ પર કોંગ્રેસના આલ્ફ્રેડ કાન-નગામ આર્થરને કુલ 3,84,954 વોટ મળ્યા, જ્યારે પ્રાદેશિક પાર્ટી નાગા પીપલ્સ ફ્રન્ટના ઉમેદવાર કાચુઈ ટીમોથી ઝિમિક 2,99,536 મત મળતા હારી ગયા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે, આ લોકોની જીત છે અને મણિપુરના લોકોને તેનાથી સંતોષ છે. અમે શાંતિ માટે મત આપ્યો હતો. મણિપુરમાં ભાજપની સત્તા છે અને તેના મુખ્યમંત્રી એન.બિરેન સિંઘ મેઈતેઈ સમાજમાંથી આવતા હોવાથી તેમણે કુકી આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં કશું પણ બાકી નહોતું રાખ્યું. તેઓ રાજ્યની શાંતિ માટે વિચારવાને બદલે મેઈતેઈ સમાજ તરફી કુણું વલણ દાખવીને કુકીઓના હકો પર તરાપ મારી રહ્યા હતા. હિંસા દરમિયાન તેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા. અસંતોષ, અસુરક્ષા, પીડા અને અશાંતિના વાતાવરણમાં લોકોએ વિપક્ષને સમર્થન આપીને સંદેશો આપ્યો છે કે તેઓ હવે શાંતિ અને સમૃદ્ધિના તેમના જૂના દિવસોમાં પરત ફરવા માંગે છે.
કી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ચુરાચંદપુરના એક સામાજિક કાર્યકર કહે છે, "અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે અમને લોકો તરફથી આદેશ મળ્યો છે. બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવામાં આવી છે અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા ફરી પ્રાપ્ત થઈ છે. હવે રાજ્યમાં ભાજપને અમારા અસ્તિત્વનો અહેસાસ થશે."
આ પણ વાંચો: મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં