ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!

ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા છે.

ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!
image credit - Google images

દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના દલિતો આઝાદીનો મૃત મહોત્સવ ઉજવી રહ્યાં હોય તેવો ઘાટ ઘડાયો છે. એટ્રોસિટી એક્ટમાં દોષિત સાબિત થવાના આંકડાઓ કહે છે કે, વિકસિત છતાં જાતિવાદથી ખદબદતા ગુજરાતમાં દલિત અત્યાચારના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર અત્યંત શરમજનક છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટા અનુસાર વર્ષ 2018 થી 2021 સુધીમાં નોંધાયેલા એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર માત્ર 3.065 ટકા રહ્યો છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો છે.

આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2018માં ગુજરાતમાં એટ્રોસિટીના 1426 કેસ નોંધાયા હતા, જેમાંથી ફક્ત 450 કેસમાં જ સુનાવણી પૂર્ણ થઈ હતી અને માત્ર 14 કેસમાં જ ગુનો સાબિત થઈ શક્યો હતો. આ વર્ષે માત્ર અમદાવાદમાં જ દલિત અત્યાચારને લગતા 140 કેસ નોંધાયા હતા, જેમાં 5 હત્યા અને 8 બળાત્કારના કેસોનો સમાવેશ થતો હતો.

2019માં 1416 કેસમાંથી માત્ર 387 કેસોની જ સુનાવણી પૂર્ણ થઈ શકી હતી, જ્યારે બાકીના કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. આઘાતજનક બાબત એ છે કે આટલા બધાં કેસોમાંથી ફક્ત 7 કેસોમાં જ આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.

વર્ષ 2020માં એટ્રોસિટીના કેસોની સંખ્યા 1326 હતી, જેમાંથી 68 કેસોમાં ટ્રાયલ પૂર્ણ થઈ હતી અને ફક્ત 3 કેસોમાં આરોપીઓ દોષી સાબિત થયા હતા. આ એ સમયગાળો હતો જ્યારે કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન ચાલતું હતું અને કોર્ટ ફક્ત જરૂરી કેસોની જ સુનાવણી કરતી હતી.

2021માં દલિત અત્યાચારના 1201 કેસ નોંધાયા હતા, તેમાંથી કોર્ટે 139 કેસોમાં ચુકાદો આપ્યો હતો અને ફક્ત 8 કેસોમાં જ આરોપ સાબિત થયા હતા.

આ રીતે વર્ષ 2018 થી 2021 સુધીના 4 વર્ષ દરમિયાન નોંધાયેલા 5369 કેસમાંથી માત્ર 32 કેસમાં આરોપીઓ સામે આરોપો સાબિત થયા હતા, જ્યારે 1044 કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને 1012 કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા.

છેલ્લાં 10 વર્ષમાં દલિત મહિલાઓ પર બળાત્કારની 814 ઘટનાઓ નોંધાઈ

આ કેસોમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર કેસોનો પણ સમાવેશ થાય છે.  RTI હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અનુસૂચિત જાતિની 814 મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે.  આ જ સમયગાળા દરમિયાન અનુસૂચિત જનજાતિની 395 મહિલાઓ પર બળાત્કાર થયો હતો.



મતલબ દર 4 દિવસે એક દલિત મહિલા પર બળાત્કાર થયો હતો, જ્યારે દર 10 દિવસે એક આદિવાસી મહિલા આવી જ ઘટનાનો શિકાર બની હતી. આવા મોટાભાગના કેસો અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સુરત અને ભાવનગર જિલ્લામાં નોંધાયા હતા. છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં દલિત મહિલા પર બળાત્કારના 152 કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટમાં 96 કેસ નોંધાયા છે. આ સિવાય બનાસકાંઠા, સુરત અને ભાવનગર અનુક્રમે 49, 45 અને 36 કેસ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે હતા. ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2011માં ગુજરાતમાં દલિત મહિલાઓ પર બળાત્કારની 51 ઘટનાઓ નોંધાઈ હતી, આ આંકડો વર્ષ 2020માં વધીને 102 સુધી પહોંચી ગયો હતો. તેના પરથી જ ગુજરાતમાં દલિતો માટે શું સ્થિતિ પ્રવર્તે છે તેનો અંદાજ લગાવી શકાય છે.

અહીં બીજી એક વાત એ નોંધવી રહી કે ગુજરાતમાં 30 ગામોમાં દલિતોને સુરક્ષા આપવામાં આવી હતી જેમાંથી 20 એકલા સૌરાષ્ટ્રના છે.

આ આંકડાઓમાં નોંધવા જેવી બાબત એ છે કે દર વર્ષે ખુલ્લેઆમ દલિતો પર અત્યાચારો થયાની ઘટનાઓ મીડિયામાં ચમકતી રહે છે, છતાં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા કેસોની સંખ્યા ઘટતી જઈ રહી છે. તેનો અર્થ એવો જરાય નથી કે અત્યાચારોમાં ઘટાડો થયો છે, પરંતુ કોર્ટમાં આરોપો સાબિત થતા નથી. જેના કારણે પીડિતોની હિંમત તૂટી જાય છે. હમણાં હમણાં જ મૂછ રાખવા બદલ દલિત યુવક પર હુમલો, ઘોડા પર ગામમાં ફરવા બદલ હત્યા, લગ્નમાં દલિત વરરાજા ઘોડી પર સવાર થાય ત્યારે જાનૈયા પર હુમલો જેવા સમાચારો સમાચાર માધ્યમોમાં ચમકતા સૌએ જોયા છે. છતાં આ જ આરોપો કોર્ટમાં સાબિત કેમ નથી થઈ રહ્યાં તે મોટો સવાલ છે.

અહીં એ યાદ રાખવું રહ્યું કે એટ્રોસિટીના કેસોની તપાસ એસીપી કક્ષાના અથવા તેનાથી ઉપરના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.  પોલીસ ફરિયાદમાં ત્યારે જ ચાર્જશીટ ફાઇલ કરે છે જ્યારે તેની તપાસમાં આરોપીની ભૂમિકા અને ગુનો સાબિત થાય, અન્યથા તપાસ બાદ તપાસ અધિકારી ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી શકે છે.  97 ટકા કેસમાં આરોપીનું છૂટી જવું તપાસ પર ગંભીર સવાલો પેદા કરે છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.