સરકારી શાળાઓના નામમાંથી 'આદિવાસી' શબ્દ હટાવોઃ મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે રાજ્યની સરકારી શાળાઓના નામમાંથી 'આદિવાસી' શબ્દ હટાવવાનો આદેશ કરતા જણાવ્યું છે કે, શાળા સાથે આદિવાસી શબ્દ જોડવાથી બાળકોના માનસ પર અસર પડે છે.

સરકારી શાળાઓના નામમાંથી 'આદિવાસી' શબ્દ હટાવોઃ મદ્રાસ હાઈકોર્ટ
image credit - Google images

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને રાજ્યની તમામ સરકારી શાળાઓના નામમાંથી જાતિ અને સમાજના નામ દૂર કરવા માટે આદેશ કર્યો છે. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવને આદેશ કરતા જણાવ્યું હતું કે તેનાથી તેમાં ભણતા વિદ્યાર્થીઓના માનસપટ પર ચોક્કસ અસર થાય છે. આમ હાઈકોર્ટે મુખ્ય સચિવને તમામ સરકારી શાળાઓના નામોમાંથી સમાજ અને જાતિના નામ દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.


પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ સી કુમારપ્પનની ડિવિઝન બેંચે આદેશ આપતા કહ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે, કલવરાયણ પહાડોમાં 'સરકારી ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ'ના નામે સરકારી શાળાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રકારની સરકારી શાળાના નામ સાથે 'આદિવાસી' શબ્દનો ઉપયોગ યોગ્ય નથી.


ખંડપીઠે વધુમાં કહ્યું કે, શાળાના નામમાં સમાજનું નામ ઉમેરવાથી ત્યાં ભણતા બાળકો પર ચોક્કસપણે તેની અસર થશે. તેમને એવો અહેસાસ થશે કે તેઓ 'આદિવાસી શાળા'માં ભણે છે નહીં કે એક એવી સંસ્થામાં, જ્યાં તેમની આસપાસના બીજા બાળકો પણ અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ JEE માં 824મો રેન્ક મેળવ્યો, છતાં આદિવાસી દીકરી સીમમાં બકરીઓ ચરાવવા મજબૂર

કોર્ટે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં કોર્ટ અને સરકાર દ્વારા બાળકોને અપમાનિત કરવાની મંજૂરી ન આપી શકાય.


કોર્ટે પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યાં પણ આવા નામનો ઉપયોગ કોઈ ચોક્કસ સમુદાય કે જાતિને દર્શાવવા માટે કરવામાં આવે છે, તો તેને હટાવી દેવું જોઈએ અને સંસ્થાઓનું નામ 'સરકારી શાળા' રાખવું જોઈએ અને તે વિસ્તારમાં રહેતા બાળકોને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે ત્યાં પ્રવેશ આપવો જોઈએ.


ખંડપીઠે કહ્યું કે આ દુઃખદ છે કે 21મી સદીમાં પણ સરકાર પોતાના દ્વારા સંચાલિત શાળાઓમાં આવા શબ્દોનો ઉપયોગ કરવાની છૂટ આપી રહી છે, જે લોકોના પૈસાથી ચલાવવામાં આવી રહી છે.
હાઈકોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે તમિલનાડુ સામાજિક ન્યાયમાં અગ્રણી રાજ્ય હોવાના કારણે સરકારી શાળાઓ અથવા કોઈપણ સરકારી સંસ્થાના નામમાં 'ઉપસર્ગ' અથવા 'પ્રત્યય' જેવા અયોગ્ય શબ્દો ઉમેરવાની મંજૂરી આપી શકે નહીં. તમિલનાડુ સરકારના મુખ્ય સચિવે આ મામલે યોગ્ય પગલાં લેવા પડશે.

આગળ વાંચોઃ વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજની હાકલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.