મણિપુરમાં પોલીસે જ બંને મહિલાઓને ટોળાને હવાલે કરી હતી
ગયા વરસે મણિપુરની બે મહિલાઓને ટોળાંએ નગ્ન કરીને પરેડ કરાવી હતી. આ મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
મણિપુરમાં ગયા વર્ષે થયેલી જાતીય હિંસાની કાળી બાજુ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે જે બે કૂકી આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવામાં આવી હતી તેમને પોલીસે જ ટોળાંને સોંપી દીધી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે જ્યારે ઉશ્કેરાયેલા ટોળાથી બચીને બંને મહિલાઓ પોલીસની મદદ માટે પહોંચી તો પોલીસે તેમનું રક્ષણ કરવાને બદલે બંનેને ટોળાને સોંપી દીધી હતી. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ બંને મહિલાઓને પોતાના વાહનમાં બેસાડીને 100 મૈતેઈ તોફાનીઓના ટોળા પાસે લઈ ગઈ હતી.
ઘટના શું હતી?
ગયા વર્ષે મણિપુરમાં જાતીય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આમાં એક એવી ઘટના પણ સામે આવી હતી જેણે સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો હતો. કુકી સમાજની બે મહિલાઓને મૈતેઈ સમાજના તોફાનીઓએ નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો પણ આ ઘટના બન્યાંના ઘણાં દિવસો પછી સામે આવ્યો હતો, જેનાથી ખ્યાલ આવ્યો હતો કે મણિપુર જાતીય હિંસામાં કઈ હદે સળગી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે સીબીઆઈએ પોતાના ચાર્જશીટમાં અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. સીબીઆઈએ પોતાના આરોપનામામાં કહ્યું છે કે, બંને મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ કરતા પહેલા તેમને નગ્ન કરીને રસ્તા ફેરવવામાં આવી હતી. આ ઘટના રાજ્યમાં જાતીય હિંસા દરમિયાન બની હતી.
ત્રણ મહિલાઓ ટોળાંનો શિકાર બનવાની હતી, એક કેવી રીતે બચી?
સીબીઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, ટોળાંએ એ જ પરિવારની ત્રીજી મહિલા પર પણ હુમલો કર્યો હતો અને તેને પણ નગ્ન કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યું હતું, કેમ કે, તે તેની પૌત્રીને જોરથી પકડીને બેસી રહી હતી. આ ત્રીજી મહિલા ત્યારે ભાગવામાં સફળ રહી હતી જ્યારે તેના પર હુમલો કરનારું ટોળું એ બે મહિલાઓ તરફ આગળ વધ્યું જેમના પર ડાંગરના ખેતરમાં અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો.
પીડિતોમાંથી એક કારગિલ યુદ્ધના શહીદની પત્ની
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય પીડિતાએ સ્થળ પર હાજર પોલીસકર્મીઓની મદદ માંગી હતી પરંતુ તેમને કોઈ મદદ મળી નહોતી. ચાર્જશીટની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડિત મહિલાઓમાંની એક મહિલા કારગિલ યુદ્ધમાં સેવા આપનાર સૈનિકની પત્ની હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બંને પીડિત મહિલાઓએ પોલીસકર્મીઓને વાહનમાં બેસાડીને તેમને સલામત સ્થળે લઈ જવા માટે કહ્યું હતું, પરંતુ પોલીસકર્મીઓએ કથિત રીતે તેમને કહ્યું હતું કે, તેમની પાસે વાહનની ચાવી નથી અને તેઓ તેમની કોઈ મદદ કરી શકે તેમ નથી.
આ પણ વાંચો:મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં
એ દિવસે શું બન્યું હતું?
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ગયા વર્ષે 4 મેની ઘટનાના લગભગ બે મહિના પછી જુલાઈમાં આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જેમાં બે મહિલાઓ પુરૂષોના ટોળાં દ્વારા ઘેરાયેલી જોવા મળે છે અને ટોળું બંનેની નગ્ન પરેડ કરાવી રહ્યું છે. સીબીઆઈએ ગયા વર્ષએ 16 ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં સ્પેશ્યિલ જજ, સીબીઆઈ કોર્ટ સમક્ષ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે, બંને મહિલાઓ એકે રાઈફલ, એસએલઆર, ઈન્સાસ અને 303 રાઈફલો જેવા અત્યાધુનિક હથિયારોથી સજજ અંદાજે 900-1000 લોકોના ટોળાંથી બચવા ભાગી રહી હતી. એક ટોળાએ સૈકુલ પોલીસ સ્ટેશનથી લગભગ 68 કિમી દક્ષિણમાં કાંગપોકપી જિલ્લામાં તેમના ગામમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો હતો. ટોળાથી બચવા માટે મહિલાઓ અન્ય પીડિતો સાથે જંગલમાં ભાગી હતી, પરંતુ તોફાનીઓએ તેમને જોયા હતા. દરમિયાન કેટલાક લોકોએ મહિલાઓને મદદ માટે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા પોલીસ વાહન પાસે જવા કહ્યું હતું.
બંને મહિલાઓ પોલીસ વાહનમાં પ્રવેશવામાં સફળ થઈ જેમાં બે પોલીસકર્મીઓ અને ડ્રાઈવર પહેલેથી બેઠા હતા. જ્યારે ત્રણ-ચાર પોલીસકર્મીઓ વાહનની બહાર હતા. એક પુરૂષ પીડિત પણ વાહનની અંદર પ્રવેશવામાં સફળ રહ્યો હતો અને ડ્રાઈવરને સલામત સ્થળે લઈ જવા માટે વિનંતી કરી રહી. પરંતુ તેમની પાસે કોઈ ચાવી ન હોવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતોમાંથી એકના પતિએ ભારતીય સૈન્યમાં આસામ રેજિમેન્ટના સુબેદાર તરીકે સેવા આપી હતી. સીબીઆઈનો આરોપ છે કે, પોલીસે પણ ટોળાના હુમલાથી વાહનમાં બેઠેલા વ્યક્તિના પિતાને બચાવવામાં મદદ કરી નથી.
બંને મહિલાઓ પોલીસ સામે કરગરતી રહી
સીબીઆઈએ વધુમાં જણાવ્યું છે કે, પછી ડ્રાઈવરે વાહન આગળ લીધું અને અંદાજે 1000 લોકોના ટોળા સામે જઈને રોકી દીધું હતું. પીડિતાઓએ પોલીસકર્મીઓને તેમને સલામત સ્થળે લઈ જવા માટે વિનંતી કરી હતી, પણ તેમણે કોઈ મદદ કરી નહોતી. તપાસ એજન્સીઓએ કહ્યું કે, ટોળાએ પહેલા તે વ્યક્તિના પિતાની હત્યા કરી જે આ બંને મહિલાઓ સાથે કારમાં બેઠો હતો. એ પછી પુરૂષ પીડિત પર ટોળું તૂટી પડ્યું હતું અને તેને મારીમારીને જીવ લઈ લીધો હતો. આ બંનેના મૃતદેહને ગામ પાસેની એક સૂકાયેલી નદીમાં ફેંકી દીધા હતા.
એ પછી પોલીસ બંને પીડિતાઓને હિંસક ટોળાને હવાલે કરીને ચાલ્યા ગયા હતા. હુમલાખોરોએ મહિલાઓને પોલીસ વાહનમાંથી બહાર ખેંચી અને તેમનું જાતીય શોષણ કરતા પહેલા નગ્ન પરેડ કરાવી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે, ત્રીજી મહિલાએ તેની પૌત્રી સાથે બીજા ગામમાં ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો અને તે બીજા દિવસે કોઈ બીજા ગામમાં તેના પરિવારને મળી હતી.
સીબીઆઈએ હુઈરેમ હેરોદાસ મૈઈતી અને પાંચ અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે અને એક સગીર વિરુદ્ધ રિપોર્ટ પણ દાખલ કર્યો છે. મણિપુર પોલીસે જુલાઈમાં હેરોદાસની ધરપકડ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં ગેંગરેપ, હત્યા, એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી અને ગુનાઈત ષડયંત્ર સંબંધિત કલમો સામેલ છે.
આ પણ વાંચો: "આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Babu bhai sakra bhai sondarvaસરકાર ખુદ સામિલ સે,,, બેરહેમી પૂર્વક, કાંડ કરાવેલ છે