બિહારમાં 65 ટકા અનામત રદ કરવાને નીતિશ સરકાર સુપ્રીમમાં પડકારશે

બિહારમાં સરકારે જાતિઓની વસ્તી ગણતરી કર્યા બાદ જેમની સંખ્યાના આધારે અનામતમાં વધારો કર્યો હતો. જેને હાઈકોર્ટે રદ કરતા નીતિશ સરકાર તેને સુપ્રીમમાં પડકારશે.

બિહારમાં 65 ટકા અનામત રદ કરવાને નીતિશ સરકાર સુપ્રીમમાં પડકારશે
image credit - Google images

બિહારની નીતિશકુમાર સરકારે ૬૫ ટકા અનામત પર પ્રતિબંધ મૂકવાના પટના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી દીધી છે. પટના હાઈકોર્ટે બિહારમાં સંશોધિત અનામત કાયદાને રદ્દ કરી દીધો હતો. બિહાર સરકારના વકીલ મનીષ સિંહે આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટેનો ક્વોટા ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાની માંગ કરી છે.

વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો હતો કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર બિહારમાં અનામત વધારવા માંગતી નથી. ભાજપ અનામત સાથે રમવા માંગે છે. થોડા દિવસો પહેલા જ તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમને પહેલાથી જ શંકા હતી કે ભાજપના લોકો કોઈપણ સંજોગોમાં અનામત રોકવાનું કામ કરશે.

અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ભાજપના લોકો અનામત વિરોધી છે. વિપક્ષના આ આરોપો વચ્ચે એનડીએ સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાનો અભિગમ તેના વિરોધીઓને જવાબ તરીકે માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ

૨૦મી જૂને પટના હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, જનજાતિ, અત્યંત પછાત અને અન્ય પછાત વર્ગોને ૬૫ અનામત આપતો બિહાર સરકારનો કાયદો રદ કર્યો હતો. હાઈકોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. અર્થાત હવે અનુસૂચિત જાતિ, જનજાતિ, અતિ પછાત અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65 ટકા અનામત નહીં મળે અને ૫૦ ટકા અનામતની જૂની વ્યવસ્થા અમલમાં રહેશે.

બિહાર સરકારે રિઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ દ્વારા અનામતનો વિસ્તાર વધારીને ૬૫ ટકા કર્યો હતો. આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતનો ઉમેરો કરતા અનામતનો કુલ લાભ ૭૫ ટકા થવા જઈ રહ્યો હતો.

૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ બિહાર સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. આ પછી, અનુસૂચિત જાતિ-જનજાતિ, પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ૬૫ ટકા અનામતનો લાભ મળતો હતો.

આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.