હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં

હાથરસ સત્સંગ ભાગદોડ મામલામાં આખરે એફઆઈઆર નોંધાઈ છે. જેમાં સત્સંગના મુખ્ય આયોજક અને સેવકનું નામ છે પરંતુ મુખ્ય પ્રવચનકર્તા એવા ભોલે બાબાનું નામ નથી.

હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં
image credit - Google images

ઉત્તરપ્રદેશના હાથરસ પાસે યોજાયેલા ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગમાં થયેલી દોડાદોડીમાં મૃતકોની સંખ્યા વધીને હવે 121 થઈ ગઈ છે. આ મામલે હવે સત્સંગના આયોજકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, ફરિયાદમાં મુખ્ય પ્રવચનકર્તા એવા ભોલે બાબાનું નામ નથી. 

ગઈકાલે તેમના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 116 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. હવે મૃતકોનો આંકડો વધીને 121 થઈ ગયો છે. અનેક લોકો હજુ પણ ગુમ છે, જેના કારણે મૃતકોનો આંકડો વધી શકે છે. ઘાયલોને હાથરસ, અલીગઢ, એટા વગેરેની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલામાં ગંભીર કલમોના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. પણ તેમાં આશ્ચર્યજનક રીતે મુખ્ય આયોજક અને સેવકને આરોપી બનાવવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય પ્રવચનકર્તા સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાનું નામ ગાયબ છે.

એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આયોજકોએ સત્સંગ કાર્યક્રમની મંજૂરી મેળવતી વખતે આવનારા ભક્તોનો અસલ આંકડો છુપાવ્યો હતો. એફઆઈઆર મુજબ સત્સંગમાં 2.5 લાખ લોકો આવ્યા હતા, જ્યારે આયોજકોને મંજૂરી ફક્ત 80 હજાર લોકોના કાર્યક્રમની મળી હતી.

આ પણ વાંચોઃ વડોદરામાં ચિઠ્ઠીવાળી બાબાને સુથાર યુવકે પરસેવો છોડાવી દીધો

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યક્રમના મુખ્ય પ્રવચનકર્તા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા પ્રવચન પુરું થયા બાદ પોતાની ગાડીમાં બેસીને કાર્યક્રમ સ્થળેથી નીકળી રહ્યા હતા એ વખતે બપોરે 2 વાગ્યા આસપાસ શ્રદ્ધાળુ મહિલાઓ, પુરૂષો અને બાળકોએ તેમની ગાડી પસાર થઈ ગયા પછી તેમની 'ચરણ રજ' લેવા માટે પડાપડી કરી હતી. કાર્યક્રમ સ્થળથી નીકળી રહેલી લાખો શ્રદ્ધાળુઓની ભીડના દબાણને કારણે નીચે બેઠેલા, નમેલા ભક્તો દબાવા અને કચડાવા લાગ્યા હતા, જેના કારણે હોબાળો મચી ગયો હતો.

એફઆઈઆરમાં વધુમાં જણાવાયું છે કે, રસ્તાની બીજી તરફ બાબાની ગાડીની પાછળ પાણી અને કાદવથી ભરેલા ખેતરોમાં દોડી રહેલાં ટોળાંને આયોજકોએ લાકડીઓ અને દંડા વડે રોકી રાખી હતી. જેના કારણે ટોળાંની અંદર દબાણ સતત વધતું જઈ રહ્યું હતું અને તેમાં મહિલાઓ અને બાળકો, પુરુષો કચડાતા ગયા હતા.

એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે, કાર્યક્રમ સ્થળે વાહનવ્યવહાર નિયંત્રણ માટે આયોજકો દ્વારા મંજૂરીની શરતોનું પાલન કરવામાં આવ્યું નહોતું. ઘટનામાં ઘાયલ થયેલા લોકોનો પડી રહેલો સામાન, કપડાં, ચપ્પલ વગેરેને ઉપાડીને બાજુના ખેતરમાં ફેંકી દઈને પુરાવાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર અને યુપી સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ યેલા પરિવારોને રૂ. 50 હજારની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની જાણકારી મેળવી છે અને તેમના નિર્દેશને પગલે આખી ઘટનાની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.

આ અકસ્માત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આગળ વાંચોઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા 120 લોકોના મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.