બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર
૧૩મી નવેમ્બરે મતદાન, ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. કોર્ટ કેસને કારણે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર ન કરાઈ.
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરી છે. તેની સાથોસાથ ગુજરાતની પડેલી બે બેઠકોમાંથી એક વાવ બેઠકની ચૂંટણી જાહેર કરાઇ છે. જ્યારે વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરાઇ નથી.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવા સાથે ૧૫ રાજ્યોની વિવિધ ૪૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તથા ૨ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે.
જેમાં કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ખાલી પડેલી બે બેઠક પૈકીની બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીમા બનાસકાંઠા બેઠક પરથી વાવના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જીત્યા હતા. જેથી વાવના ધારાસભ્યપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરના રોજ પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે અને તા.૧૮થી તા.૨૫ ઑક્ટોબર સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. જ્યારે તા.૧૩ નવેમ્બરના રોજ મતદાન તથા તા.૨૩ નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિસાવદર વિધાનસભા બેઠક લગભગ એક વર્ષ જેટલા સમયથી ખાલી પડી છે. આ બેઠક પરથી જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારથી આ બેઠક હજુ સુધી ખાલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકના તત્કાલિન ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આ બેઠક અંગે કોર્ટમાં કેસ કરેલો છે. જેના કારણે હજુ સુધી કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી આ બેઠક અંગે ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરાઇ નથી તેવું મનાય રહ્યું છે.
આ પણ વાંચો: 'ભાજપને મત આપજો', પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?