કેજરીવાલની ઉમેદવારી રદ થશે, આવક અને કેસની માહિતી છુપાવી?
આપના નેતા અરવિંદ કેજરીવાલ પર ઉમેદવારીપત્રકમાં આવકની યોગ્ય માહિતી ન આપવી, બે જગ્યાએ મતદાર હોવા સહિતના આક્ષેપો લાગ્યા છે, આ સાથે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે.

આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીની નવી દિલ્હી બેઠક પરની લડાઈ ખૂબ જ રસપ્રદ અને વિવાદોથી ભરેલી છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટી (AAP) ના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉમેદવારી પર સવાલો ઉઠાવ્યા બાદ રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ભાજપ દ્વારા કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં આવકની વિગતોમાં ભૂલો, બે જગ્યાએથી મતદાર હોવાનો દાવો અને ફોજદારી કેસોની માહિતી છુપાવવાનો સમાવેશ થાય છે. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા અને કેજરીવાલની ઉમેદવારીને માન્ય રાખી છે. આ નિર્ણય બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
ભાજપના ઉમેદવારે અનેક આક્ષેપો કર્યા
ભાજપના નેતા પ્રવેશ વર્માએ તેમના વકીલ સાકેત ગુપ્તા દ્વારા નવી દિલ્હી બેઠકના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલના ઉમેદવારી પત્રકમાં અનેક ખામીઓ છે. વર્માએ દાવો કર્યો હતો કે કેજરીવાલે પોતાની આવકની વિગતો ખોટી રીતે રજૂ કરી હતી, જે ચૂંટણી પ્રક્રિયાના નિયમોનું સીધું ઉલ્લંઘન હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલ હજુ પણ ઉત્તર પ્રદેશના મતદાર છે, જે એક જ સમયે બે જગ્યાએ મતદાર બનવાના નિયમની વિરુદ્ધ છે. આ ઉપરાંત, વર્માએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોની માહિતી છુપાવી હતી. ભાજપે આ મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવ્યો અને ચૂંટણી પંચ પાસે માંગ કરી કે કેજરીવાલનું નામાંકન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
ચૂંટણી પંચનો નિર્ણય અને વિપક્ષનો હુમલો
પ્રવેશ વર્માના આરોપોની તપાસ કર્યા પછી ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલનું ઉમેદવારી પત્રક તપાસીને તેને સાચું માનીને સ્વીકાર્યું હતું. જેને લીને ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમિશનના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપે તેને "ચૂંટણી પ્રક્રિયાની મજાક" ગણાવી અને કહ્યું કે કમિશને AAP સરકારના દબાણ હેઠળ કામ કર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે પણ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પંચે સંપૂર્ણ તપાસ કરી નથી અને આ નિર્મય AAPના પક્ષમાં લેવાયો છે જેથી લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે.
હવે જ્યારે અરવિંદ કેજરીવાલ, પ્રવેશ વર્મા અને સંદીપ દીક્ષિતની ઉમેદવારી સ્વીકારાઈ ગઈ છે, તો નવી દિલ્હી બેઠક પરની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બનવાની છે. ભાજપે આ મુદ્દાનો લાભ લેવા માટે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે અને "આપની પારદર્શિતા" પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસે AAP અને BJP બંને પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બંને પક્ષો ફક્ત જનતાને ભ્રમિત કરવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનું કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?