ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહલગ્ન યોજાયા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાતિ તોડો, સમાજ જોડોના સૂત્રને સાર્થક કરતા અનોખા સમૂહલગ્ન યોજાઈ ગયા. તેની ખાસિયત એ હતી કે બધું આયોજન મહિલાઓએ કર્યું હતું.
સામાન્ય રીતે સમૂહલગ્નનું નામ પડે એટલે આપણે ચોક્કસ જ્ઞાતિના જ હોય તેવી ધારણા બાંધી લેતા હોઈએ છીએ. પણ અમદાવાદમાં બહુજન સમાજના એક એવા સમૂહ લગ્ન યોજાઈ ગયા જેમાં દલિત સમાજની તમામ પેટાજાતિના યુગલો એક મંડપ નીચે લગ્નના તાંતણે બંધાયા હતા. 45 ડિગ્રી તાપમાન વચ્ચે 6 હજારથી વધુ લોકોની હાજરીમાં યોજાયેલા આ સમૂહલગ્ને સમાજમાં નોખો ચીલો ચાતર્યો છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગત 19મી મેના રોજ આંબેડકર ચળવળ અભિયાન અને મૈત્રી વર્ષા ફાઉન્ડેશન દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગઠન દ્વારા આ ચોથા સમૂહલગ્ન યોજાઈ રહ્યા હતા. તેની ખાસિયત એ હતી કે તેમાં અનુસૂચિત જાતિ સમાજના પેટા જાતિવાદને તોડીને વણકર, ચમાર, વાલ્મિકી, સેનમા સહિત તમામ જાતિને આવરી લેવાઈ હતી.
આ પણ વાંચો: અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
.
ચાંદખેડાના સરજુ હાઈટ્સ પાસે વ્રજ ટેનામેન્ટની બાજુમાં યોજાયેલા આ સમૂહલગ્નમાં અનુસૂચિત જાતિ સમાજના 12 યુગલોએ નવજીવનની શરૂઆત કરી હતી. સવારે આ યુગલોનો એક વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર વિસ્તાર ક્રાંતિના વાદળી રંગમાં રંગાઈ ગયો હતો. આ રેલી કમ વરઘોડામાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ હજારો લોકો જોડાયા હતા. યુગલોને દાતાઓ દ્વારા યથાશક્તિ ભેટસોગાદો આપવામાં આવી હતી.
તમામ આયોજન મહિલાઓએ કર્યું
આ સમૂહલગ્નની સૌથી મોટી ખાસિયત એ રહી કે તેનું મોટાભાગનું આયોજન બહુજન સમાજની મહિલાઓએ કર્યું હતું. જેમાં નાની અમથી વસ્તુ લાવવાથી લઈને છેક સ્ટેજ સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. આ આયોજનમાં નાની દીકરીઓથી લઈને વડીલ સુધીની દરેક ઉંમરની મહિલાઓએ સક્રિય રીતે કામ કર્યું હતું.
સામાજિક યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું
આ સમૂહલગ્ન દરમિયાન આંબેડકર ચળવળ અભિયાનના કાર્યકરો દ્વારા બહુજન સમાજની એવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે સમાજની પ્રગતિ માટે યોગદાન આપ્યું હોય.
કાર્યક્રમના આયોજકો દ્વારા ડો. મિતાલી સમોવા, મધુબેન કોરડિયા, ઉષાબેન પરમાર, નિર્મળાબેન દેસાઈ, એડવોકેટ અંજુ સોલંકી, પ્રિતીબેન ચોરસિયા, ભારતીબેન રાઠોડ, ડો. સૃષ્ટિ પીલવાઈકર, પારૂલ પાર્થેશ, શીલાબેન વાઘેલા, હેમાબેન સોલંકી, મિત્તલ પાટડિયા, હીનાબેન બલોલકર, શ્વેતાબેન વાસાણી અને ભારતીબેન રાવતનું મેમેન્ટો અને બાબાસાહેબની છબિ આપીને સન્માન કરાયું હતું. એ દરમિયાન આયોજકો દ્વારા આ તમામ બહેનો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
રાજકારણીઓને નો એન્ટ્રી
ગુજરાત સહિત દેશભરમાં યોજાયા સમૂહલગ્નોની એક ખાસિયત એ હોય છે કે તે રાજકારણીઓ પ્રેરિત હોય છે.
તેઓ પોતાની રાજકીય સ્થિતિને મજબૂત કરવા માટે સમાજના નામે થોડાં રૂપિયા ફેંકીને સમાજ હિતેચ્છુ હોવાની છાપ ઉભી કરતા હોય છે.
આ પણ વાંચો: નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ
આવા સેંકડો સમૂહલગ્નો આજે પણ આપણી આસપાસ યોજાતા જોઈએ છીએ. પણ આ સમૂહલગ્નમાં છેલ્લાં ચાર વર્ષથી રાજકારણીઓ માટે નો એન્ટ્રી છે. કદાચ એટલે જ આટલી સુંદર રીતે આખું આયોજન પાર પડી રહ્યું છે.
ગુજરાતના આ કદાચ પહેલા એવા સમૂહલગ્ન છે જેમાં ક્યારેય કોઈ રાજકીય નેતા પાસેથી દાન પણ લેવામાં નથી આવ્યું કે નથી તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા. સમગ્ર કાર્યક્રમમાં બહુજન સમાજની સામાજિક કાર્યકર બહેનો જ સ્ટેજ શોભાવે છે અને આયોજન કરે છે.
ગૌતમ કાકાની કમાલ
આંબેડકર ચળવળ અભિયાન દ્વારા છેલ્લાં ચાર વર્ષથી આ પ્રકારના સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે.
આ પણ વાંચો: કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે
.
જેની પાછળ સામાજિક કાર્યકર અને બહુજન વિચારક ગૌતમ પરમાર ઉર્ફે ગૌતમ કાકાનો સિંહફાળો રહેલો છે. દર વર્ષે તેઓ બાબાસાહેબના જાતિ તોડો સમાજ જોડોના સૂત્રને સાર્થક કરવા માટે આ સમૂહલગ્ન કરાવે છે, તેના માટે જરૂરી ભંડોળ સમાજના દાતાઓ પાસેથી મેળવે છે અને એ રીતે પેટાજાતિવાદને તોડીને બહુજન સમાજને એક કરવા મથતા રહે છે.
.કોઈપણ પ્રકારના રાજકીય પીઠબળ વિના તેઓ આ કામ કરી રહ્યાં છે તે નાનીસૂની વાત નથી.
આ પણ વાંચો: કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું