મુસ્લિમ સંસ્થાએ દબદબાભેર બંધારણ દિવસની ઉજવણી કરી

ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મુસ્લિમ સંસ્થાએ દબદબાભેર બંધારણ દિવસની ઉજવણી કરી
image credit - khabarantar.com

મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરે તૈયાર કરેલા ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થયા છે. આ ઐતિહાસિક ક્ષણની યાદમાં દેશભરમાં બંધારણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સ્થિત ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

કોમ્યુટિની - ધ યુથ કલેક્ટિવ અને વાર્તાલિપિના સહયોગથી શાળામાં 'સંવિધાન લાઈવ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું જે એક રમતના સ્વરૂપમાં હતી. જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે, શીખે છે અને બંધારણને તેમના રોજિંદા જીવન સાથે જોડે છે. આ રમતમાં યુવાનો અનુભવ આધારિત શિક્ષણ મેળવવાના હેતુથી ભારતીય બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોને આધારે કાર્યો કરે છે. 

કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું હતું અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. 

ઉર્જાઘર સંસ્થા વતી સંસ્થાના ડાયરેક્ટર વકાર કાઝી અને શકીલ શેખે ભારતીય બંધારણ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની જવાબદારી' અને ક્રેસન્ટ સ્કૂલના આચાર્ય અબ્દુલ કય્યુમ સાહેબે 'અભ્યાસની સાથે સક્રિય નાગરિકતાની જરૂરિયાત' વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરના દિવસે ઉજવાયો 'બંધારણ દિવસ' દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. બંધારણ વિના કોઈ દેશ ચાલી શકે નહીં. તે બંધારણ જ છે જે ભારતની 140 કરોડની વસ્તી, કે જે વિવિધ ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલી છે તેને એક દેશના નાગરિકની ઓળખ સાથે એક કરે છે. બંધારણમાં જ દેશના સિદ્ધાંતો અને તેને ચલાવવાની પદ્ધતિઓ સામેલ છે. બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારો આપણી ઢાલ તરીકે કામ કરે છે અને આપણને આપણા અધિકારો આપે છે, જ્યારે કે તેમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજો આપણને આપણી જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. 

15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આપણું પોતાનું કોઈ બંધારણ નહોતું. બંધારણ વિના દેશ ચલાવી શકાય નહીં તેમ સમજી ચૂકેલા આઝાદ ભારતના સમજુ નેતાઓએ દેશનું બંધારણ ઘડવાની જવાબદારી ડો.આંબેડકરને સોંપી હતી અને તેમણે તેને સુપેરે નિભાવીને ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ તૈયાર કરીને આપ્યું હતું. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા. તેમની એકલપંડની મહેનતને કારણે જ તેમને બંધારણના એકમાત્ર ઘડવૈયા કહેવામાં આવે છે. બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તે 26મી નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું અને અપનાવવામાં આવ્યું. એ પછી 26મી જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. 

આ પણ વાંચો: પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.